ગુજરાતના શાણા મતદારોને હાર્દિક અપીલ

Published 29 એપ્રિલ, 2014 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

પ્રિય મતદારો,

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શમી ગયાં છે અને મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્‍યારે થોડીક મહત્ત્વની બાબતોનો વિચાર કરજો.

તમારો એક જ મત કોઈ પણ માંધાતાને સત્તા ઉપરથી ઉથલાવવાની ઠંડી તાકાત ધરાવે છે અને તમારો એક જ મત કોઈ અનજાન મુસાફિરને સત્તાના શિખર ઉપર પહોંચાડવાનો જાદુ પણ ધરાવે છે. તમને મળેલું એક મતનું વરદાન જ પાંચ વરસે એકવાર ભલભલા મહારથીને તમારા પગમાં આળોટવા માટે મજબૂર કરે છે. કારણ કે તમારો એક જ મત તમે ધારો તેવું ચમત્‍કારી પરિણામ લાવવાની ગુપ્‍ત તાકાત ધરાવે છે.

તમને મળેલી આ અણમોલ શક્‍તિ વેડફાઈ ન જાય તે ખાસ યાદ રાખીને મતદાન કરશો તો પાંચ વરસ સુધી પસ્‍તાવાનો વારો નહીં આવે.

મત આપતાં પહેલાં નીચેની વાતો ગાંઠે બાંધીને પછી જ મતદાન મથક તરફ કદમ માંડજો.

તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના ચૂંટણી પ્રચારમાં કેટલાક નેતાઓએ ગુનાખોરોને સંસદમાંથી બહાર કાઢવાની વાતો કરી છે. પણ તમે એવું મતદાન કરો કે તેઓ સંસદ સુધી પહોંચે જ નહીં. ધારાગૃહોમાં પહોંચાડવા માટે પહેલાં ગુનેગારોને ટિકિટો આપવી અને પછી તેમને ધારાગૃહોમાંથી હાંકી કાઢવાની વાતો કરવી એ નર્યો વાણીવિલાસ છે, એટલું જ નહીં, તે મતદારોની સમજણ શક્‍તિનું અપમાન પણ છે. મતદાર નક્કી કરે કે ગુનેગાર ભલે ગમે તે પક્ષનો મેમ્‍બર હશે, હું તેને સંસદમાં જવા નહીં જ દઉં.

ઉમેદવાર તમારી જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયનો માણસ હોય તો પણ તમે એની લાયકાત તરફ જ ધ્‍યાન આપો. કોઈ ઉમેદવાર તમારા ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિને મદદ કરશે એવો વહેમ વહેલી તકે મનમાંથી કાઢી નાખો. ઉમેદવારો અંતે તો પોતાના પક્ષના નેતાના કહેવા મુજબ જ આંગળી ઊંચી કરશે. તમે લાયકાત જોઈને જ મત આપો. ઉમેદવારની રાજકીય સમજણ, નૈતિકતા, પ્રામાણિકતા અને પ્રજાભિમુખતા જોઈને જ મત આપો. સંસદમાં મનગમતા પક્ષના નહીં પરંતુ પ્રજાનું કામ કરનારા, ઉત્તમ વહીવટી કાબેલિયત ધરાવનારા અને અવસરે પક્ષીય બાબતોથી મુક્‍ત રહીને પ્રજા તરફી અભિગમ લેનારા ઉમેદવારને જ ચૂંટો.

હવે પછી કોઈ ઠોઠિયો માણસ શિક્ષણમંત્રી ન બની જાય અને કોઈ ગુનેગાર ગૃહમંત્રી ન બની જાય તેવી સાવધાની રાખીને મતદાન કરો. એવા લોકોને ધારાગૃહોમાં મોકલો જ નહીં, જેમને મોકલ્‍યા પછી તમારે તમારી જાતને પાંચ પાંચ વરસ સુધી કોસ્‍યા જ કરવી પડે.

તમારા વિસ્‍તારમાંથી ઉમેદવારી કરનાર ઉમેદવાર છેલ્લાં પાંચ વરસમાં તમારી વચ્‍ચે કેટલી વાર આવ્‍યો તે જુઓ. તમે લખેલા કેટલા પત્રોના જવાબો તેણે આપ્‍યા તે જુઓ. તમે કરેલી કેટલી રજૂઆતો લેખે લાગી અને કેટલી રજૂઆતો એળે ગઈ તે પણ જુઓ. જો તમારા મતવિસ્‍તારનો ઉમેદવાર તમારૂં કાર્ય કરવા સક્ષમ નથી અથવા તો તે તમારૂં કામ કરવાની દાનત ધરાવતો નથી તો તમે તેને ખુલ્લો જાકારો આપો. પછી ભલે તેને તમારા મનગમતા નેતાએ કે મનગમતા પક્ષે ચૂંટણીની ટિકિટ આપી હોય.

કોઈ પણ નેતાની ભાષણબાજીથી અંજાયા વિના જ તમારા અંતરાત્‍માને ઢંઢોળીને મતદાન કરો. સારો ભાષણબાજ એટલે સારો નેતા એવું સમીકરણ લોકતંત્ર માટે હાનિકારક છે.

મતદાર મિત્રો, ખાસ યાદ રાખો કે તમારા એક જ મતમાં અગાધ તાકાત છે. એ તાકાત વેડફાઈ ન જાય અને પૂરેપૂરી લેખે લાગે એ રીતે મતદાન કરો. આપણું ગુજરાત ગુનાખોરીમાં ક્‍યાં છે, શિક્ષણમાં ક્‍યાં છે, આરોગ્‍યમાં ક્‍યાં છે, પ્રાથમિક જરૂરિયાતોમાં ક્‍યાં છે, લોકતાંત્રિક પરંપરાના વિકાસમાં ક્‍યાં છે વગેરે પાસાં જોઈ વિચારીને જ મતદાન કરો.

તમારા મતવિસ્‍તારનો ઉમેદવાર પાંચ વરસ પહેલાં ક્‍યાં હતો અને આજે ક્‍યાં છે એ તરફ નજર કરવાનું પણ ભૂલશો નહીં.

અને સૌથી મહત્ત્વની વાત : કોઈ ‘સર્વે’થી દોરવાઈને કે વર્તમાન પ્રવાહ જોઈને આગાહીઓ કરતા જ્‍યોતિષીઓની બોગસ વાતોમાં આવી જઈને તો ભૂલથી પણ મતદાન કરતા નહીં. જ્‍યોતિષીઓ કહેતા હોય એ માણસ જ પ્રધાનમંત્રી બનશે એવું માની લેવાની કોઈ જરૂર નથી. ‘કુદરતને જે મંજૂર હોય તેની ખબર મોટા ભાગના જ્‍યોતિષીઓને હોતી નથી.’ કારણ કે તેઓ ગ્રહો મુજબ નહીં, પરંતુ પ્રવાહો મુજબ અને પોતાની અંગત વિચારધારા મુજબ આગાહીઓ કરતા હોય છે.

આ અણમોલ ક્ષણ ચિંતનની છે. કોઈથી ડરો નહીં, કોઈથી અંજાઓ નહીં, કોઈની શેહમાં તણાઓ નહીં. આ રીતે મતદાન કરો અને એક ગુજરાતી તરીકે તમારૂં મસ્‍તક હંમેશાં ઉન્નત રાખો.

નિવેદક : મુનિ મિત્રાનંદસાગર
શાંતિનાથ, વેજલપુર, અમદાવાદ.

जैन मुनि की हत्या

Published 3 ડિસેમ્બર, 2013 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

महाराष्ट्र के अलीगढ़ के निकट पोटनेर गांव में
पू. आचार्य श्री कुलचंद्रसूरीश्वरजी महाराज (पू. भु.भा. समुदाय) के शिष्य मुनि श्री प्रशान्तविजयजी महाराज की बेरहमी से हत्या हो गयी है. बताया जाता है कि देरासर के कार्य में रुके किसी मजदूर ने इस कार्य को अंजाम दिया.

prashantvijay01

prashantvijay02

prashantvijay05

मुनिजी का हत्यारा पकड़ा गया है. देखें फोटो

prashantvijay_khuni

દિવાળીનાં મુહૂર્તો

Published 25 ઓક્ટોબર, 2013 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

વીર સં. ૨૫૩૯, વિ. સં. ૨૦૬૯, ઈ. સન ૨૦૧૩

દિવાળીનાં કેટલાંક ઉપયોગી મુહૂર્તો
*

દિવાળીને અનુલક્ષીને અહીં કેટલાંક ઉપયોગી મુહૂર્તો આપવામાં આવે છે. આ મુહૂર્તો જૈન જ્યોતિષના સિદ્ધાંતો મુજબ શુદ્ધ ગણિતને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે.

પર્વદિવસો અને તે દિવસે શું કરવું તેની વિગતો

* રવિ પુષ્ય નક્ષત્ર યોગ *

આસો વદ આઠમ, તા. ૨૭.૧૦.૨૦૧૩ના રવિવારે સાંજે ૦૭:૦૯ સુધી (આખો દિવસ) રવિપુષ્યનો યોગ બને છે. આ દિવસે શુદ્ધ ચાંદીની ખરીદી કરવી અને શક્તિ તેમજ ભાવનાનુસાર ભગવાનના ભંડારમાં પણ ચાંદી પૂરવી. આ દિવસે બપોરે વિજય મુહૂર્તે ગુરુ ગૌતમસ્વામીની અગિયાર માળા ગણવી. માળા સફેદ અથવા પીળા રંગની લેવી. શક્ય હોય તો ખીરનું એકાસણું કરવું અને ગુરુ ગૌતમસ્વામીને દળદાર ખીર ધરાવવી. આ ત્રણે પ્રયોગો (માળા, એકાસણું અને ખીરનું નૈવેદ્ય) આગામી વર્ષમાં અદ્‍ભુત પ્રગતિ કરાવે છે અને આ કરનાર ઉપર ભગવતી મહાલક્ષ્મીની ખૂબ જ કૃપા ઊતરે છે.

ગૌતમસ્વામીની માળાના મંત્રો : (૧) ॐ ह्रीँ श्रीँ अरिहंत-उवज्झाय गौतमस्वामिने नमः। (૨) सर्वलब्धिनिधायानाय श्री गौतमस्वामिने नमः। (૩) ॐ ह्रीँ नमो गोयमस्स। (૪) श्री गौतमो यच्छतु वांछितं मे।

* વાગ્ બારસ *

આસો વદ બારસ, તા. ૩૧.૧૦.૨૦૧૩ના ગુરુવારે વાગ્ બારસ (વાઘ બારસ નહીં) છે. આ દિવસ ‘વાગ્’ એટલે કે સરસ્વતીની ઉપાસનાનો છે. આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્‍ભુત પરિણામ મળે છે. માળા સફેદ અથવા પીળા રંગની લેવી. ઓછામાં ઓછી અગિયાર માળા ગણવી. અનુકૂળતા હોય તો વધારે પણ ગણી શકાય.

સરસ્વતીના મંત્રો : (૧) ॐ ऐँ नमः (૨) ॐ वाग्वादिन्यै नमः। (૩) ॐ नमो आयरियाणं सिज्झउ मे सुयदेवी महाविज्जा। (૪) ॐ नमो विज्जाए परम-भगवईए। (૫) ॐ नमो सुअ-देवयाए।

* ધન તેરસ *

આસો વદ તેરસ, તા. ૧.૧૧.૨૦૧૩ના શુક્રવારે ધનતેરસ છે. આ દિવસે ધનપૂજન કરવું. ચોપડાઓનો ઓર્ડર આપવો. ધનતેરસના દિવસે શ્રેષ્ઠ સમયોની વિગતો :

(૧) સવારે ૬ : ૪૨થી ૧૦ : ૫૪ સુધી, (૨) બપોરે ૧૨ : ૨૬થી ૧ : ૪૩ સુધી, (૩) સાંજે ૪ : ૪૦થી ૬ : ૦૦ સુધી, (૪) રાતે ૯ : ૨૦થી ૯ : ૨૮ સુધી.

ધનતેરસે ભગવતી મહાલક્ષ્મી અને ભગવતી પદ્માવતીના જાપ ખાસ કરવા.

મહાલક્ષ્મીના મંત્રો : (૧) ॐ श्रीँ श्रिये स्वाहा। (૨) ॐ श्रीँ ह्रीँ श्रीँ कमले कमलालये प्रसीद प्रसीद ॐश्रीँ ह्रीँ श्रीँ महालक्ष्म्यै नमः। (૩) ॐ ह्रीँ श्रीँ महालक्ष्म्यै नमः।(જેની પાસે લક્ષ્મીધારા યંત્ર હોય તેણે આ બીજા અથવા ત્રીજા નંબરનો મંત્ર ગણવો.)

પદ્માવતીના મંત્રો : (૧) ॐ ह्रीँ श्रीँ अर्हं नमिऊण पास पउमावई पसीयउ स्वाहा। (૨) ॐ ह्रीँ श्रीँ पद्मावत्यै नमः।

* સિદ્ધિયોગ યુક્ત કાળી ચૌદસ *

આસો વદ ચૌદસ, તા. ૨.૧૧.૨૦૧૩ના શનિવારે સિદ્ધિયોગ યુક્ત કાળી ચૌદસ છે. આ દિવસ શક્તિની ઉપાસના માટે અત્યંત મહત્ત્વનો છે. આ દિવસે ભગવતી પદ્માવતી, ભગવતી મહાકાલી, ભગવતી ચામુંડા, ઘંટાકર્ણ મહાવીર વગેરેના જાપ કરવા.

પદ્માવતીના મંત્રો : (૧) ॐ ह्रीँ श्रीँ अर्हं नमिऊण पास पउमावई पसीयउ स्वाहा। (૨) ॐ ह्रीँ श्रीँ पद्मावत्यै नमः।

મહાકાલીનો મંત્ર : ॐ ह्रीँ श्रीँ महाकाल्यै नमः।

ચામુંડાનો મંત્ર : ॐ ऐँ ह्रीँ क्लीँ चामुंडायै विच्चे।

ઘંટાકર્ણ મહાવીરનો મંત્ર : ॐ घंटाकर्णमहावीर नमोस्तु ते ठः ठः ठः स्वाहा।

* ઘંટાકર્ણ મહાવીરનો હવન *

મહુડી મૂળ સ્થાનકે ઘંટાકર્ણ મહાવીરનો હવન કાળી ચૌદસે બપોરે વિજય મુહૂર્તે થશે.

* દિવાળી *

આસો વદ અમાસ, તા. ૩.૧૧.૨૦૧૩ના રવિવારે દિવાળી છે. આ દિવસે રાત્રિના સમયે ભગવાન મહાવીરની વિશિષ્ટ આરાધના કરાય છે. આ ઉપરાંત ચોપડાપૂજન, શારદાપૂજન અને લક્ષ્મીપૂજન વગેરે પણ દિવાળીએ કરાય છે.

દિવાળીના દિવસે શ્રેષ્ઠ સમયોની વિગતો :

(૧) સાંજે ૫ : ૨૦થી ૬ : ૧૬ સુધી. (લક્ષ્મીપૂજન માટે અત્યંત શ્રેષ્ઠ)

(૨) સાંજે ૬ : ૩૦થી ૭ : ૩૧ સુધી, (૩) રાતે ૮ : ૧૨થી ૧૨ : ૭ સુધી.

(૪) પરોઢિયે ૪ : ૪૦થી ૬ : ૨૨ સુધી.

* નૂતન વર્ષ *

કાર્તક સુદ એકમ, તા. ૪.૧૧.૨૦૧૩ના સોમવારે વીર સંવત ૨૫૪૦નો અને વિક્રમ સંવત ૨૦૭૦નો પ્રારંભ થશે.

પોતપોતાના સ્થાનિક સંઘમાં નક્કી થયેલા સમય મુજબ મંગલાચરણનું શ્રવણ કરવું. (અમારે ત્યાં મંગલાચરણનો સમય પાંચ વાગીને બાવીસ મિનિટનો છે.)

નૂતન વરસે શ્રેષ્ઠ સમયોની વિગતો :

(૧) સવારે ૬ : ૨૨થી ૬ : ૫૦ સુધી અને

(૨) સવારે ૭ : ૦૦થી ૮ : ૬ સુધી. (દેરાસરમાં નૂતન વર્ષનો પ્રથમ પ્રક્ષાલ આ સમયે કરવો.)

* જ્ઞાનપંચમી, સૌભાગ્યપંચમી અને લાભ પાંચમ *

કાર્તક સુદ પાંચમ, તા. ૭.૧૧.૨૦૧૩ના ગુરુવારે જ્ઞાનપંચમી, સૌભાગ્યપંચમી અને લાભ પાંચમ છે. આ દિવસે લાલ માળાથી મહાલક્ષ્મી અને સફેદ માળાથી જ્ઞાનપદની માળા ગણવી.

મંત્રો : (૧) ॐ ह्रीँ नमो नाणस्स। (૨) ॐ ह्रीँ श्रीँ महालक्ष्म्यै नमः।

લાભ પાંચમે શ્રેષ્ઠ સમયોની વિગતો :

(૧) ૬ : ૫૫થી ૮ : ૨૦ સુધી,

(૨) ૧૧ : ૧૦થી ૨ : ૨૮ સુધી.

સોનાનો ખજાનો

Published 18 ઓક્ટોબર, 2013 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

મિત્રો,.

કોઈ સાધુ, નામે શોભન સરકાર, સમગ્ર ભારતીય સાધુ સમાજની પથારી ફેરવવા બેઠા છે. કહે છે કે આમને રાજા રામબક્ષિસંહે સપનામાં આવીને પોતાનો એક હજાર ટનનો સોનાનો ખજાનો પોતાના કિલ્લા નીચે હોવાનું કહ્યું છે..

અત્યાર સુધી આપણે ‘કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના’ એવી કહેવત સાંભળતા આવતા હતા. ભારતની ઘેલી પ્રજાને તો આમ પણ આવી દિવાનગીનું ઘેલું હોય છે. હવે કહેવતમાં ઉમેરો કરીને કહેવું પડશે : ‘માનતા ભી દિવાના.’ કેન્દ્ર સરકારના કોઈ મંત્રી નામે ચરણદાસ મહંત પેલા શોભન સરકારના ઓળખીતા છે. એમને શોભન સરકારે વાત કરી. મંત્રીએ વળી પુરાતત્ત્વ ખાતાને આગળ વધવા કહ્યું. અને હવે સમગ્ર ભારતની હાંસી દુનિયામાં થાય તેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. કહે છે કે શોભન સરકારના સપનાના આધારે હવે ખોદકામ થવાનું છે..

આ આખાયે હાસ્યાસ્પદ તમાશામાંથી પાર વિનાના મુદ્દાઓ ઊભા થાય છે..

પ્રજા તો જાણે ઘેલી હોય અને ‘માસ’માં ‘ક્લાસ’ ન હોય. પણ સાધુ આવા બૂડથલ હોય? અને સમગ્ર ભારતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય આવા બબૂચક હોય? મંત્રીનું તો ખેર સમજ્યા, ખુદા મહેરબાન તો ગધા પહેલવાન. પણ પુરાતત્ત્વ ખાતાના ઓફિસરોય આવા લલ્લુ જેવા હોય? જે ખાતાનું કામ જ વાસ્તવિક હકીકતોનું સંશોધન કરવાનું છે તે ખાતાના અધિકારીઓ સાવ આવા બોદા અને બુદ્ધુ?.

જરા વિચાર તો કરો. ભારતનાં ત્રણ શ્રીમંત રજવાડાં સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હતાં. એક, વડોદરાના ગાયકવાડ, બીજા ગ્વાલિયરના સિંધિયા (ખરી ઓળખ શિંદે) અને ત્રીજા હૈદરાબાદના નિઝામ. જયપુર જેવાં બીજાં પણ કેટલાંક રાજઘરાણાં હતાં જેઓ સમૃદ્ધ રાજ્યોમાં સ્થાન પામતાં હતા. આવાં માતબર રજવાડાં પાસે પણ ક્યારેય એક હજાર ટન સોનું નહોતું. કોઈ પાસે એક અબજની સંપત્તિ હોય એ બાબત જુદી છે અને એક અબજનું સોનું હોય એ બાબત જુદી છે..

રાજા રામબક્ષ એક તદ્દન નાની રિયાસતના માલિક હતા. અંગ્રેજોએ એમને બળવાખોર ગણાવીને કેદ કર્યા હતા. આમાંથી બે બાબતો સ્પષ્ટ થાય છે : એક તો આટલી નાની રિયાસતના માલિક પાસે એક હજાર ટન સોનું ન હોય. બીજું, ઘડીભર માની લઈએ કે એમની પાસે આટલું સોનું હતું, તો પણ, અંગ્રેજોની નજરે તેઓ એક બળવાખોર રાજા હોવાથી તેમનું બધું જ સોનું જપ્ત કરી લેવાયું હોય..

મોગલોનું આખું સામ્રાજ્ય લઈ લેનારા અંગ્રેજો માટે રામબક્ષસિંહનું સોનું જપ્ત કરવું એ ડાબા હાથનો ખેલ ગણાય..

આ ઘટનાનું બીજું પણ એક રોચક પાસું જોવા જેવું છે, જે ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’ કહેવતની યાદ અપાવે છે. જો સોનું નીકળે તો તેનું શું કરવું એનાં સજેશનો આવવાનાં શરૂ થઈ ગયાં છે. ગામલોકો એમાંથી પોતાના ગામનો વિકાસ માગી રહ્યા છે, રાજા રામબક્ષસિંહના વારસદારો હોવાનો દાવો કરનારાઓ આમાંથી પોતાનો હક્ક માગી રહ્યા છે. સંત શોભન સરકાર પણ છમ્મવડું માગશે, કહેશે : ‘બતાડ્યું’તું તો મેં ને!’ અને પેલા મંત્રી ચરણદાસ મહંત કંઈ થોડા પાછળ રહેશે. શેખચલ્લીઓની તો લાઇન લાગી છે. લાંબી દાઢી ચાંદીના વાળ બની જાય પછી જે સ્થિતિ સર્જાય તેવો માહોલ ઊભો થવાનો..

અને સોનું નહીં નીકળે તો (તે નથી જ નીકળવાનું વળી!) કોની ફજેતી થશે? ભારત સરકારની? પુરાતત્ત્વ વિભાગની? ચરણદાસની? શોભન સરકારની? આવી વાતોને હોંશે હોંશે સાચી સમજીને મમળાવનારા લોકોની? કે પછી ‘મેરા ભારત મહાન’ની?.

સોનું નહીં નીકળે એટલે ભારતમાં ચાલ્યા આવતા સનાતન રિવાજ મુજબ દોષનો ટોપલો કોકની ઉપર તો ઢોળી જ દેવો પડશે. જોઈએ, કયા જાડા માણસને પકડીને ફાંસીએ લટકાડી દેવાનો ગંડુ રાજાવાળો ન્યાય સાકાર થાય છે..

ચાણક્યના દેશના લોકોનું કેટલું વૈચારિક અધઃપતન?..

દુનિયા આપણી માટે શું વિચારી રહી છે એ તો વિચારો મિત્રો..

શુભેચ્છુ મિત્રાનંદસાગર.

चारधाम यात्रियों को :

Published 22 જૂન, 2013 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

चारधाम यात्रियों को :

सैलाब के पानी ने जीवन को किया तबाह,
अश्रुपूर्ण नेत्रों से देती हैं ये बस्तियां गवाह;
कल चहकती थीं जहां सोने की चिड़ियां,
आज टूटी हैं वहां कितनी सुहागन की चूड़ियां.

जो चले गए हैं उनको शान्ति मिले.
जो बच गए हैं वे सलामत लौटें.
यही प्रार्थना है.

સિંહ અને વાંદરાની વાર્તા, નવેસરથી…

Published 3 મે, 2013 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

અગાઉ એક વાર્તા પ્રચલિત હતી, જેમાં એક વાંદરો, એક સિંહને, એક લાફો, ઠોકતાં તો ઠોકી દે છે પણ પછી બીકનો માર્યો ભાગી છૂટે છે. સિંહ તેની પાછળ દોડે છે. અંતે વાંદરો એક છાપામાં પોતાનું મોં છુપાવીને ક્યાંક બેસી જાય છે. સંજોગવશ સિંહ એ જ વાંદરાને પૂછી બેસે છે : ‘તેં અહીંથી ભાગતા વાંદરાને જોયો?’

વાંદરો : ‘કયો વાંદરો? ઓલો સિંહને લાફો મારીને નાઠો ઈ?’

સિંહ : ‘લે, એટલી વારમાં છાપામાંય આવી ગ્યું?’

સાંભળવા મળ્યા મુજબ પછી સિંહ ત્યાં જ ઢળી પડ્યો.

હવે નવી વાર્તામાં—

સિંહ બુડ્ઢો (૬૬) થઈ ચૂક્યો છે અને અળવીતરા વાંદરાઓની ટોળી તેને એક પછી એક તમાચા ઠોકી રહી છે. છાપાંઓમાં આવે છે, ટીવીમાં આવે છે, નેટ ઉપર આવે છે. ચારે કોર આખી દુનિયાને ખબર પડી ગઈ છે (કે અળવીતરા વાંદરાઓની ટોળી સિંહને એક પછી એક તમાચા ઠોકી રહી છે.) તોય—

 સિંહ ઢળી પડતો નથી.

 એ બેભાન થઈ જતો નથી.

 એ ત્રાડ નાખતો નથી

 અરે, એ તો ખોંખારોય ખાતો નથી.

 એ પંજો ઉગામતો નથી.

 અરે, એ તો પંજો ઊંચોય કરતો નથી.

— તો પછી સિંહ કરે છે શું?

બસ, છાપામાં મોઢું નાખીને બેઠો છે. બીજું શું !

અને વાંદરાઓ?

…અને વાંદરાઓની ટોળી અંદરોઅંદર (ખી ખી ખી ખી કરતાં) વાતો કરે છે : ‘ડોહો લાફાના સમાચાર વાંચતો લાગે છે.’

મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar)