અગાઉ એક વાર્તા પ્રચલિત હતી, જેમાં એક વાંદરો, એક સિંહને, એક લાફો, ઠોકતાં તો ઠોકી દે છે પણ પછી બીકનો માર્યો ભાગી છૂટે છે. સિંહ તેની પાછળ દોડે છે. અંતે વાંદરો એક છાપામાં પોતાનું મોં છુપાવીને ક્યાંક બેસી જાય છે. સંજોગવશ સિંહ એ જ વાંદરાને પૂછી બેસે છે : ‘તેં અહીંથી ભાગતા વાંદરાને જોયો?’
વાંદરો : ‘કયો વાંદરો? ઓલો સિંહને લાફો મારીને નાઠો ઈ?’
સિંહ : ‘લે, એટલી વારમાં છાપામાંય આવી ગ્યું?’
સાંભળવા મળ્યા મુજબ પછી સિંહ ત્યાં જ ઢળી પડ્યો.
હવે નવી વાર્તામાં—
સિંહ બુડ્ઢો (૬૬) થઈ ચૂક્યો છે અને અળવીતરા વાંદરાઓની ટોળી તેને એક પછી એક તમાચા ઠોકી રહી છે. છાપાંઓમાં આવે છે, ટીવીમાં આવે છે, નેટ ઉપર આવે છે. ચારે કોર આખી દુનિયાને ખબર પડી ગઈ છે (કે અળવીતરા વાંદરાઓની ટોળી સિંહને એક પછી એક તમાચા ઠોકી રહી છે.) તોય—
સિંહ ઢળી પડતો નથી.
એ બેભાન થઈ જતો નથી.
એ ત્રાડ નાખતો નથી
અરે, એ તો ખોંખારોય ખાતો નથી.
એ પંજો ઉગામતો નથી.
અરે, એ તો પંજો ઊંચોય કરતો નથી.
— તો પછી સિંહ કરે છે શું?
બસ, છાપામાં મોઢું નાખીને બેઠો છે. બીજું શું !
અને વાંદરાઓ?
…અને વાંદરાઓની ટોળી અંદરોઅંદર (ખી ખી ખી ખી કરતાં) વાતો કરે છે : ‘ડોહો લાફાના સમાચાર વાંચતો લાગે છે.’
મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar)