મિત્રો,.
કોઈ સાધુ, નામે શોભન સરકાર, સમગ્ર ભારતીય સાધુ સમાજની પથારી ફેરવવા બેઠા છે. કહે છે કે આમને રાજા રામબક્ષિસંહે સપનામાં આવીને પોતાનો એક હજાર ટનનો સોનાનો ખજાનો પોતાના કિલ્લા નીચે હોવાનું કહ્યું છે..
અત્યાર સુધી આપણે ‘કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના’ એવી કહેવત સાંભળતા આવતા હતા. ભારતની ઘેલી પ્રજાને તો આમ પણ આવી દિવાનગીનું ઘેલું હોય છે. હવે કહેવતમાં ઉમેરો કરીને કહેવું પડશે : ‘માનતા ભી દિવાના.’ કેન્દ્ર સરકારના કોઈ મંત્રી નામે ચરણદાસ મહંત પેલા શોભન સરકારના ઓળખીતા છે. એમને શોભન સરકારે વાત કરી. મંત્રીએ વળી પુરાતત્ત્વ ખાતાને આગળ વધવા કહ્યું. અને હવે સમગ્ર ભારતની હાંસી દુનિયામાં થાય તેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. કહે છે કે શોભન સરકારના સપનાના આધારે હવે ખોદકામ થવાનું છે..
આ આખાયે હાસ્યાસ્પદ તમાશામાંથી પાર વિનાના મુદ્દાઓ ઊભા થાય છે..
પ્રજા તો જાણે ઘેલી હોય અને ‘માસ’માં ‘ક્લાસ’ ન હોય. પણ સાધુ આવા બૂડથલ હોય? અને સમગ્ર ભારતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય આવા બબૂચક હોય? મંત્રીનું તો ખેર સમજ્યા, ખુદા મહેરબાન તો ગધા પહેલવાન. પણ પુરાતત્ત્વ ખાતાના ઓફિસરોય આવા લલ્લુ જેવા હોય? જે ખાતાનું કામ જ વાસ્તવિક હકીકતોનું સંશોધન કરવાનું છે તે ખાતાના અધિકારીઓ સાવ આવા બોદા અને બુદ્ધુ?.
જરા વિચાર તો કરો. ભારતનાં ત્રણ શ્રીમંત રજવાડાં સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હતાં. એક, વડોદરાના ગાયકવાડ, બીજા ગ્વાલિયરના સિંધિયા (ખરી ઓળખ શિંદે) અને ત્રીજા હૈદરાબાદના નિઝામ. જયપુર જેવાં બીજાં પણ કેટલાંક રાજઘરાણાં હતાં જેઓ સમૃદ્ધ રાજ્યોમાં સ્થાન પામતાં હતા. આવાં માતબર રજવાડાં પાસે પણ ક્યારેય એક હજાર ટન સોનું નહોતું. કોઈ પાસે એક અબજની સંપત્તિ હોય એ બાબત જુદી છે અને એક અબજનું સોનું હોય એ બાબત જુદી છે..
રાજા રામબક્ષ એક તદ્દન નાની રિયાસતના માલિક હતા. અંગ્રેજોએ એમને બળવાખોર ગણાવીને કેદ કર્યા હતા. આમાંથી બે બાબતો સ્પષ્ટ થાય છે : એક તો આટલી નાની રિયાસતના માલિક પાસે એક હજાર ટન સોનું ન હોય. બીજું, ઘડીભર માની લઈએ કે એમની પાસે આટલું સોનું હતું, તો પણ, અંગ્રેજોની નજરે તેઓ એક બળવાખોર રાજા હોવાથી તેમનું બધું જ સોનું જપ્ત કરી લેવાયું હોય..
મોગલોનું આખું સામ્રાજ્ય લઈ લેનારા અંગ્રેજો માટે રામબક્ષસિંહનું સોનું જપ્ત કરવું એ ડાબા હાથનો ખેલ ગણાય..
આ ઘટનાનું બીજું પણ એક રોચક પાસું જોવા જેવું છે, જે ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’ કહેવતની યાદ અપાવે છે. જો સોનું નીકળે તો તેનું શું કરવું એનાં સજેશનો આવવાનાં શરૂ થઈ ગયાં છે. ગામલોકો એમાંથી પોતાના ગામનો વિકાસ માગી રહ્યા છે, રાજા રામબક્ષસિંહના વારસદારો હોવાનો દાવો કરનારાઓ આમાંથી પોતાનો હક્ક માગી રહ્યા છે. સંત શોભન સરકાર પણ છમ્મવડું માગશે, કહેશે : ‘બતાડ્યું’તું તો મેં ને!’ અને પેલા મંત્રી ચરણદાસ મહંત કંઈ થોડા પાછળ રહેશે. શેખચલ્લીઓની તો લાઇન લાગી છે. લાંબી દાઢી ચાંદીના વાળ બની જાય પછી જે સ્થિતિ સર્જાય તેવો માહોલ ઊભો થવાનો..
અને સોનું નહીં નીકળે તો (તે નથી જ નીકળવાનું વળી!) કોની ફજેતી થશે? ભારત સરકારની? પુરાતત્ત્વ વિભાગની? ચરણદાસની? શોભન સરકારની? આવી વાતોને હોંશે હોંશે સાચી સમજીને મમળાવનારા લોકોની? કે પછી ‘મેરા ભારત મહાન’ની?.
સોનું નહીં નીકળે એટલે ભારતમાં ચાલ્યા આવતા સનાતન રિવાજ મુજબ દોષનો ટોપલો કોકની ઉપર તો ઢોળી જ દેવો પડશે. જોઈએ, કયા જાડા માણસને પકડીને ફાંસીએ લટકાડી દેવાનો ગંડુ રાજાવાળો ન્યાય સાકાર થાય છે..
ચાણક્યના દેશના લોકોનું કેટલું વૈચારિક અધઃપતન?..
દુનિયા આપણી માટે શું વિચારી રહી છે એ તો વિચારો મિત્રો..
શુભેચ્છુ મિત્રાનંદસાગર.
બહુ સાચી વાત કહી આપે. આપણાં કેટલાંક બાવા કે બાબાઓને લીધે આખા દેશની ફજેતી થાય છે, તો પણ આપણાં દેશના લોકો જાતે વિચારતા નથી.
વિચારશીલ પ્રજા હશે તો ભારત નિર્માણ થશે અને આપણાં દેશના સનાતન ધર્મની જાણ થશે.
માનનીય શ્રી દિનેશભાઈ ‘સૌના દિનુ મામા.’
તમારો ખૂબ આભાર !
તમારા પ્રતિભાવ બદલ ઋણી છું.
શુભેચ્છુ મિત્રાનંદસાગર
mera bhart mahan pase khli bava o se mera bhart pase haju ghni sadhuta padi se jenu aap parsmani saman so