હળવે હૈયે : જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…

Published 1 ઓક્ટોબર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…
■ મુનિ મિત્રાનંદસાગર
•••

મીરાનું સમર્પણ મારામાં આવે તો મારો બેડો પાર થઈ ગયા વિના ન રહે. ગૌતમ ગણધરની ભક્તિ મારામાં આવે તો મારા આત્મકલ્યાણને કોઈ ન રોકી શકે. નાગકેતુનું તપ હું કરી શકું તો મારી નૈયાને મહાસાગર પણ ડુબાડી શકે નહીં. મૃગાવતી જેવી ક્ષમા મારામાં આવી જાય તો? તો મારૂં સ્થાન સંસારમાં તો ન જ હોય.

મારા હૈયે કોયલના ટહૂકાનો પાર ન મળે, પણ મારી બુદ્ધિના ટોડલે બેઠેલો કાગડો પોતાનું ‘કા કા’ બંધ કરે તો મને કોયલનો ટહુકાર સંભળાય ને! કોયલડી ટહૂકતી રહે છે અને કાગડો આરામથી ‘કા કા’ કરતો રહે છે. કોયલનાં ઈંડાંથી કાગડો કાયમ છેતરાતો આવ્યો છે પણ મારા જીવનબાગમાં તો કોયલ હારે છે અને કાગડો જીતે છે.

માખીને પણ ન ભાવે તે ધન્ના અણગારને ભાવે. હું તો વહોરવા જાઉં ત્યારે મારી જીભને પહેલાં જ પૂછી લઉં : ‘તને શું ફાવશે.’ ધન્ના અણગાર કોરો ભાત ખુશીથી વહોરી લાવે અને મજાથી વાપરે. હું કંઈ ધન્નો નથી. મારી ખીચડીમાં પચાસ ગ્રામથી ઓછું ઘી ન હોય! અને ઘીમાં પણ પાછી જામ ખંભાળિયા જેવી તો મજા જ ક્યાં છે! ભલે હું સાધુ થયો પણ મારી અંદર બેઠેલો ‘ગુજરાતી’ કંઈ મરી પરવાર્યો નથી, તેથી ગોળ વિનાની દાળ અને તેલ વિનાનું શાક જોઈને મારા નાકનું ટેરવું ચડી જાય છે. મારો ‘મારવાડી’ શિષ્ય તો વળી ગોળવાળી દાળ અને તેલવાળું શાક જોવામાત્રથી ભડકે છે! એને ગુજરાતમાં આવ્યા પછી પહેલી વાર ખબર પડી કે અહીં તો આવું ખાવાનું હોય છે! ‘ભગવાન મહાવીરના સાધુ છીએ’ એવો મારો અને મારા શિષ્યનો વહેમ બરકરાર છે!

ઉપાશ્રયમાં હવા ન આવતી હોય તો એવો ઉપાશ્રય બનાવનારની હવા હું કાઢી નાખું! આવો તે કંઈ ઉપાશ્રય હોય? ન હવા, ન ઉજાસ! કેવા ટ્રસ્ટીઓ છે સાવ. કબૂતરખાના જેવો ઉપાશ્રય તાણી બાંધ્યો છે!

પ્રમાદ ન કરવો જોઈએ એમ મેં વ્યાખ્યાનોમાં હજારો વાર લોકોને સમજાવ્યું છે પણ પ્રમાદ મારો અંગત મિત્ર છે. અંગત મિત્રને કદી દગો દેવાય ખરો? મારે એની સાથે સારી લેણાદેણી છે. હું ઇચ્છું ત્યારે એ મને ‘આરામ’ કરવામાં મદદ કરે છે. મારા શરીરને કોઈ ઘસારો ન પહોંચે એ માટે એ મને પૂરતી મદદ કરી છૂટે છે. મારે હાથપગ ઓછામાં ઓછા હલાવવા પડે એ માટે એ પૂરતી તકેદારી રાખે છે.

સાધુ તો ચલતા ભલા. વાત ખરી, પણ એ તો સાધુની વાત થઈ. મને તો એક જ જગ્યાએ રહેવું વધારે ફાવે. મારી પોતાની માટે બનાવેલા ‘ઉપાશ્રય’ને હું સરસ મજાનું નામ આપવાની ફિરાકમાં છું : એ આરાધનાભવન પણ હોઈ શકે, સાધનાસદન પણ હોઈ શકે, જ્ઞાનમંદિર પણ હોઈ શકે. આરાધનાભવનમાં આરાધના જ કરવી ને સાધનાસદનમાં સાધના જ કરવી એવું કોણે કહ્યું! જ્ઞાનમંદિરમાં તો ચોપડાઓનો ખડકલો (સોરી, મૂલ્યવાન પુસ્તકોનો સંગ્રહ) કરી દેવાનો એટલે નામ સાર્થક થઈ જાય. બાકી જ્ઞાન અને હું? રામ રામ કરો, રામ રામ! હું જ્ઞાનમંદિરમાં રહીને જ્ઞાનની જ વાતો કરીશ એવું કહી શકું નહીં. ત્યાં હું રાજકથા, કામકથા, ભોજનકથા, નિંદા, કુથલી, પ્રપંચ; બધું જ કરી શકું. મારા જ્ઞાનમંદિરમાં જે પુસ્તકો હશે તે કંઈ ખપી આત્માને વાંચવા માટે ઓછાં જ હશે? એ પુસ્તકો તો જોઈને રાજી થવા માટે હશે. મારી પાસે કેવાં કીમતી પુસ્તકો છે એ વિચારે જ દિલ બાગ બાગ થઈ જાય છે.

કોઈ સાધુ આધુનિક ચીજો વાપરે ત્યારે મને કોણ જાણે કેમ, તેમાં ભારોભાર શિથિલાચાર દેખાઈ આવે છે. હું એ જ આધુનિક ચીજો (એ પણ ઇમ્પોર્ટેડ, હઁ કે) વાપરૂં ત્યારે એમાં શાસનનું કયું હિત સચવાયેલું છે તે શાસ્ત્રોમાંથી તરત શોધી કાઢું છું. કયા સમયે શાસ્ત્રના શબ્દોને કેવા વળાંકો આપવા એમાં તો મેં કેવો કપરો પરિશ્રમ કર્યો છે એની બધાંને ક્યાંથી ખબર હોય! એમાં તો મારી ‘માસ્ટરી’ છે.

બીજાની નિશ્રામાં રહેતા સાધુના રાઈ જેવડા દોષોને હું પર્વત જેવડા કરી શકું છું. મારી નિશ્રામાં રહેતા સાધુના પર્વત જેવડા દોષોને હું રાઈથી યે નાના કરી શકું છું. મારા શાસ્ત્ર અભ્યાસનું દૂરબીન મને આમાં બધી રીતે મદદ કરી છૂટે છે. કલ્લાકના બબ્બે હજાર રૂપિયા રોકડા આપીને બિહારના નામાંકિત પંડિતો પાસે ભણ્યો છું! આ ભણતર આવા સમયે કામ ન આવે તો ક્યારે કામ આવે!

કોઈ ખરેખરો અનાચારી સાધુ જો મારી ઉપર સદ્‌ભાવ રાખતો હોય તો તેના અનાચારને હું અનાચાર નથી ગણતો. પણ જો કોઈ ખરેખરો સારો સાધુ મારા પ્રત્યે સદ્‌ભાવ નથી ધરાવતો એવો માત્ર વહેમ પડે તો ય હું તેને અનાચારીમાં ખપાવી દઈને દરવાજો દેખાડી શકું છું અને આવા સાધુની સમાજમાં બરોબર હેરાનગતિ થાય તે માટે હું મારાથી બનતું બધું કરી છૂટું છું. ‘मामकाः’ અને ‘पांडवाः’નો ભેદ સમજવામાં તો હું પહેલેથી માહેર છું!

મને મીરાનાં સપનાં આવે, મને ગૌતમ ગણધરનાં સપનાં આવે, મને મૃગાવતી, ધન્ના અને નાગકેતુનાં સપનાં આવે, પણ સપનાની સુખલડીથી કોઈની ભૂખ ભાંગ્યાનો દાખલો હજી સુધી તો નોંધાયો નથી!

રાધા બનવું એ મારી ઝંખના છે, મંથરા બનવું એ મારી મજબૂરી છે. મીરા મારો આદર્શ છે, લક્ષ્મણા મારી વાસ્તવિકતા છે. શાલિભદ્ર થવું મને ગમે, પણ દાન દીધા વગર થવાતું હોય તો જ! સિદ્ધિપદ મારી નિયતિ છે પણ સંસાર મારો વર્તમાન છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના સપ્ટેમ્બર, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

Advertisements

16 comments on “હળવે હૈયે : જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…

  • મુનિજી,.. આજે પ્રથમવાર આપના બ્લોગ પર આવ્યો.. જ્યોં કી ત્યોં… લેખ વાંચ્યો, પ્રેરક બની રહ્યો… ગુજરાતી મરી પરવાર્યો નથી.. ઘણું વ્યકત થયું છે.. મિત્રભાવ ગમ્યો….

  • લ્યો ફરી આવ્યો..આ વખતે ધીરજપૂર્વક લેખ વાંચ્યો…તમે દંભથી આ રીતે દૂર રહો છે..મનની વાસ્તવિકતા કહીને સ્વીકારીને, ગીતાજીમાં પણ દંભો દર્પો અભિમાનસ્ચ..કહી આસૂરીવૃત્તિનો પ્રથમ દુર્ગુણ ગણાવ્યો છે….માણસ પોતાના દોષ આસાનીથી વતાવતો કે સ્વીકારતો નથી…આ રીતે તમારી ચાદર દંભના ડાઘાથી દૂર રહે છે..કે સ્વચ્છ કરવામાં સરળ રહે છે…બહુ મોટી વાત છે ખુદ પ્રવચન કર્તા આમ કહે….આદર છે

    મુનિજી આપને માટે એક મુક્તક…જે આપની જ પંક્તિ પર આધારિત

    ‘મને ભૂલી જજો પણ યાદ મારા રાખજો શબ્દો’
    મને મળવા ચહો તો આપ અક્ષરદેહથી મળજો
    ખરી જાશે બધુ અંતર અહી આવી મળો હમણાં,
    છે શબ્દો ઘર મારું નામ મિત્રાનંદ સાગર છે !

    -દિલીપ ગજજર, લેસ્ટર

  • મારા હૈયે કોયલના ટહૂકાનો પાર ન મળે, પણ મારી બુદ્ધિના ટોડલે બેઠેલો કાગડો પોતાનું ‘કા કા’ બંધ કરે તો મને કોયલનો ટહુકાર સંભળાય ને!

    વાહ….. !!

  • મેં મારા માટે મનમાં ને મનમાં મમળાવવા માટે એક વાક્ય બનાવ્યું હતું –
    “હું ખરાબ થઈ શકતો નથી ને સારો રહી શકતો નથી !!”

    સૂક્ષ્મ ચિંતન આપણને આવું બોલાવડાવે છે. મુનિશ્રીની વાત એમના સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતનને પ્રગટ કરે છે.

    જે આત્મચિંતન ન કરે તે આત્મવંચનામાં ફસકાઈ પડે છે. બ્લોગ પર આવું વાંચવા મળે ત્યારે જરૂર થાય કે આ એક આશીર્વાદરૂપ વ્યવસ્થા છે. ખૂબ જ આનંદ થયો. આભાર !

  • ચર્ચા અધ્યાત્મ, આત્મચિંતન પરની હતી એટલે ભાષાચિંતન મેં મૂક્યું નહોતું !

    હકીકતે આપના લખાણમાં ઊડીને આંખે વળગે તેવી વાત તે ભાષાશુદ્ધિની પણ હતી!! આપના લખાણમાં શબ્દની પસંદગી, વાક્યરચના, પેરેગ્રાફ પાડવામાં કાળજી વગેરે બાબતોએ મને બહુ આનંદ આપ્યો હતો. બ્લોગજગત પર આટલી કાળજી બહુ ઓછી જોવા મળે છે. આ વાતે પણ મારે આનંદ, સંતોષ અને ગૌરવ અનુભવીને જણાવવું જ રહ્યું.

    ધન્ય.

  • પ્રતિસાદ આપો

    Fill in your details below or click an icon to log in:

    WordPress.com Logo

    You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

    Twitter picture

    You are commenting using your Twitter account. Log Out / બદલો )

    Facebook photo

    You are commenting using your Facebook account. Log Out / બદલો )

    Google+ photo

    You are commenting using your Google+ account. Log Out / બદલો )

    Connecting to %s

    %d bloggers like this: