ગુરુ પૂર્ણિમા પર્વ

Published 2 જુલાઇ, 2012 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

ગુરુ અને શિલ્પીમાં શો ફરક છે? હું ઘણીવાર વિચાર કરૂં છું. મને દરેક વખતે લાગ્યું છે કે ગુરુ અને શિલ્પીમાં કંઈ ફરક નથી.

ગુરુ શિષ્યનું ઘડતર કરે છે. શિલ્પી પત્થરનું ઘડતર કરે છે.

ગુરુની નજર શિષ્યના આંતરજગતમાં હોય છે — ત્યાં કે જ્યાં શિષ્યનું પરમાત્મસ્વરૂપ અપ્રગટપણે પડયું છે.

શિલ્પીની નજર પત્થરના આંતરજગતમાં હોય છે — ત્યાં કે જ્યાં પત્થરમાં પરમાત્મસ્વરૂપ અપ્રગટપણે પડ્યું છે.

ગુરુ શિષ્યને પરમાત્મા બનાવે છે. શિલ્પી પત્થરને પરમાત્મા બનાવે છે.

શિષ્યમાં ઢંકાઈ ગયેલા પરમાત્મતત્ત્વનું પ્રગટીકરણ કરવાની જવાબદારી ગુરુની હોય છે. પત્થરમાં ઢંકાઈ ગયેલ પરમાત્મ-તત્ત્વનું પ્રગટીકરણ કરવાની જવાબદારી શિલ્પીની હોય છે.

આપણા દેશમાં હજારો મૂર્તિઓ છે. આ બધી મૂર્તિઓને જઈને પૂછો કે આજે તમે ભગવાન બની ગયા એ કોને આભારી છે? પત્થરમાંથી પણ ભગવાન નિર્માણ કરવાની તાકાત શિલ્પીમાં છે.

આ જ વાત ગુરુ મહારાજને લાગુ પડે છે. આ દુનિયામાં જેટલા લોકો પરમતત્ત્વને ઉપલબ્ધ થઈ ગયા છે તે બધાને પૂછો કે તમારા પરમતત્ત્વના પ્રગટીકરણમાં કોનું યોગદાન છે? ગુરુનું જ.

પત્થરમાંથી ભગવાન કઈ રીતે બને છે? શિલ્પી પત્થર ઉપર ટાંકણાં મારીને તેની બધી ખરાબીઓને દૂર કરે છે, પછી જે બાકી રહી જાય છે તે ભગવાન હોય છે. જે પત્થર શિલ્પીનાં ટાંકણાંનો માર ખાવા રાજી નથી તેમાં ભગવાન પ્રગટ થતા નથી. ગુજરાતીમાં સરસ કહેવત છે : માલ ખાવો હોય તેણે માર પણ ખાવો પડે. અથવા જે માર ખાય તેને માલ મળે. જે પત્થર શિલ્પીના હાથનો માર ખાવા રાજી ન હોય તેમાં ભગવાન પ્રગટ થતા નથી. તે પત્થરનો ઉપયોગ છેવટે પગથિયાં બનાવવા કરવો પડે છે. જે શિષ્ય ગુરુ પ્રત્યે સમર્પિત બનતો નથી તેમાં ભગવત્તા પ્રગટ થતી નથી. સમર્પણ વગરના શિષ્યનું કલ્યાણ નથી.

જે સેવા કરે છે તેને મેવા મળે છે. લોકોને મેવામાં જ રસ હોય છે, સેવામાં રસ નથી હોતો. લોકોને માલમાં જ રસ હોય છે, મારમાં રસ નથી હોતો. સહન કરવાની જ્યાં પણ વાત આવે છે ત્યાં આપણી તૈયારી નથી હોતી.

હવે જુઓ મજાની વાત. જે પત્થર શિલ્પીના હાથનો માર ખાવા રાજી નથી તેને પગથિયામાં જડાવું પડે છે. પરંતુ જેનું સ્થાન પગથિયામાં છે તેવા પત્થરને પણ માર તો ખાવો જ પડે છે! પગથિયામાં સ્થાન પામવા માટે પણ તેણે સહન તો કરવું જ પડે છે! ગુરુને સમર્પિત બન્યા વિના જે મહાન બનવા નીકળે છે તેણે લોકોનો માર ખાવો પડે છે.

ભગવાન બનવા તૈયાર હોય તેવા પત્થરને તેની ખરાબીઓ બહાર આવી જાય ત્યાં સુધી જ માર ખાવો પડે છે. પછી તો તેની જીવનભર પૂજા જ થાય છે. ભગવાન બની ગયેલો પત્થર લાખો વરસ સુધી પૂજાયા કરે છે. ભગવાન ન બનેલા પત્થરને ન જાણે કેટલાંયે નામો બદલવાં પડે છે. ક્યારેક તેને પગથિયું બનવું પડે છે, ક્યારેક તેને ઘંટી બનવું પડે છે, ક્યારેક તેને દિવાલમાં જડાવું પડે છે, ક્યારેક તેને થાંભલો બનવું પડે છે. ગુરુને સમર્પણ વિનાના શિષ્યની આ જ હાલત થાય છે.

જે પત્થરમાંથી મૂર્તિ બની જાય તેને પછી બીજું કંઈ બનવાનું રહેતું નથી. ભગવાન બની ગયેલા પત્થરનું નામ કદી બદલાતું નથી.

શાણો શિષ્ય એ વાત બરાબર સમજે છે કે અહીં જે કાંઈ પણ થશે તે મારા હિતમાં જ થશે, મારા ભલા માટે થશે. એ માટે એ શિષ્ય ટાંકણાનો માર ખાવા માટે તૈયાર હોય છે. કારણ કે એને ખબર છે કે હું એક પાષાણ જેવો છું, મારૂં જીવન પત્થર જેવું છે અને મને જે ગુરુ ભગવંત મળ્યા છે એ શિલ્પી જેવા છે અને આ શિલ્પીએ મારા જીવનનું ઘડતર કરવાનું છે. એ કાર્ય માટે શિષ્ય પોતાની જાતને ગુરુચરણે સોંપી દે છે. શિલ્પીના ટાંકણાનો માર ખાવા માટે તૈયાર ન થયેલો પત્થર જ્યારે પગથિયું બની જાય છે ત્યારે તેનું અપમાન થાય છે. એ પગથિયા ઉપર લોકો પોતાનાં જૂતાં ઊતારે છે.

શા માટે? કારણ કે એણે ભગવાન બનવાની ના પાડી હતી. જુઓ ખૂબીની વાત. પગથિયામાં જડાવા માટે પણ એણે માર તો ખાવો જ પડે છે. એ માર ખાવામાંથી તો બચી શકે નહીં જ!

મેં સાંભળ્યું છે : એક માણસને સજા થઈ. સો ફટકા ખાવાની સજા. એ માણસે રાજાને વિનંતી કરી કે સાહેબ, આટલું બધું તો મારૂં ગજું નથી. તમે મને સો ફટકા મારશો, હું તો પૂરો થઈ જઈશ. રાજા કહે કાંઈ વાંધો નહીં, જા, તને સો કાંદા ખાવાની સજા કરીએ છીએ. સો કાંદા ખાઈ જવાના. બસ. પેલો કહે કે આ પણ ન બને. સો કાંદા તો કેમ કરીને ખવાય? કાંદા કપાતા હોય આંખની સામે તોય આંખમાં પાણી આવી જાય છે. સો કાંદા તો કેવી રીતે ખવાય? ના ના, એની કરતાં તો ફટકા બરોબર છે. એટલે ફટકા મારવાનું ચાલુ થયું. પંદર વીસ ફટકા થયા એટલે પેલો કહે કે આ તો સહન નથી થતું. એના કરતાં તો કાંદા ખાવાનું પસંદ કરીશ. રાજા કહે કે કંઈ વાંધો નહીં. તારી ખુશી. પંદર વીસ કાંદા ખાધા પછી પાછું એમ થયું કે આ તો નથી પોસાતું. આગ લાગી આખા શરીરમાં. રાજા કહે કે કંઈ વાંધો નહીં. ફટકા ખા. પરિણામ એ આવ્યું કે ફટકા પણ ખાવા પડ્યા અને કાંદા પણ ખાવા પડ્યા. બમણી સજા ભોગવવી પડી.

મૂર્તિ માટેનો જે પત્થર છે અને પગથિયા માટેનો જે પત્થર છે એ બન્નેને માર તો ખાવો જ પડે છે. અને જેણે રાજીખુશીથી માર ખાધો છે, જેણે શિલ્પીને પોતાનું જીવન સોંપી દીધું છે કે લો ભાઈ, તમારે જેમ કરવું હોય એમ કરો. અને એનું પરિણામ એ આવે છે કે હજારો લોકો એ પત્થરને ભગવાન માનીને પૂજે છે.

એ શિષ્યનું સૌભાગ્ય છે જે ગુરુચરણે સમર્પિત બનીને ભગવાન બનવા તૈયાર થાય છે. ગુરુને યોગ્ય લાગે તે રસ્તે તેને ભગવાન બનાવે. શિલ્પીને યોગ્ય લાગે તે રીતે પત્થરમાંથી પ્રભુ બનાવે. ભગવાન બની ગયા પછી માર નથી ખાવો પડતો. ચાહે શિષ્ય હોય ચાહે પત્થર.

13 comments on “ગુરુ પૂર્ણિમા પર્વ

  • Leave a comment