પાંચ મહાવ્રત

All posts tagged પાંચ મહાવ્રત

આંખ આડા કાન : શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ અટકાવી ન શકાય?

Published 27 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ
અટકાવી ન શકાય?

મુનિ મિત્રાનંદસાગર
• • •

નોંધ : મૂળ લખાણનો સંક્ષેપ અને ક્વચિત્ શાબ્દિક ફેરફાર.

જૈનધર્મ અત્યારે કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે હમણાં જ શ્રમણ ભગવાન મહાવીરનું ૨૬૦૦મું જન્મકલ્યાણક ઊજવ્યું. ૨૬૦૦ વરસના ઇતિહાસમાં દુનિયામાં આમૂલચૂલ પરિવર્તનો આવ્યાં છે. દુનિયા ખૂબ સાંકડી થઈ ગઈ છે. પરિવર્તનો, આપણને ગમે કે ન ગમે, થયાં જ કરતાં હોય છે. એમાંનાં કેટલાંક ઇચ્છનીય પણ હોય છે, કેટલાંક અનિચ્છનીય પણ હોય છે. કયાં પરિવર્તનો ઇચ્છનીય છે અને કયાં નહીં, તેની ચર્ચામાં આપણે નહીં પડીએ. આપણે જે વિચારવું છે તે મુદ્દો અલગ છે.

આજે જૈનધર્મને ખૂબ બધો લૂણો લાગ્યો છે. મોટામાં મોટું પરિવર્તન તો એ આવ્યું છે કે જૈનધર્મના મુખ્ય આધાર સમા સાધુ-સાધ્વીજી ભગવંતોની સંખ્યા વધી છે પણ ગુણવત્તા ઘટી છે. અભ્યાસના ક્ષેત્રે સાધુઓનું પોત ઝાંખું પડે છે. વાદવિવાદોનો યુગ હવે રહ્યો નથી એ આજની શ્રમણપેઢી માટે છૂપો આશીર્વાદ છે. બાકી અત્યારે જે જાતનો કાચો અભ્યાસ કરીને બની ગયેલા આચાર્યો છે તે સ્થિતિમાં જો શાસ્ત્રાધારે વાદવિવાદ કરવાનો થાય તો પરિણામો ચોંકાવનારાં આવે એમ નિખાલસતાથી કબૂલ કરવું જ પડે.

યોગ્ય અભ્યાસ વિના જ આચાર્ય બની ગયેલા અને ટૂંક સમયમાં આચાર્ય બનનારા એવા જ સાધુઓને ઓચિંતાં જ પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાનાં નામો પૂછવામાં આવે તો સોએ પંચાણુને તત્કાલ ‘સ્થંડિલ’ જવું પડે! કંપાઉન્ડર કદાચ ડૉક્ટરનો લેબાસ પહેરી લે તો દર્દીને નુકસાન થાય પણ ખરૂં અને ન પણ થાય. પરંતુ અભ્યાસહીન આ પ્રકારના ‘વિદ્વાન’ સાધુ જો આચાર્ય બની જાય તો જૈનધર્મના વિનાશ માટે આપણે પશ્ચિમી સંસ્કૃતિના મોહતાજ નહીં રહેવું પડે!

સાધુસંસ્થામાં અભ્યાસના ક્ષેત્રની જેમ આચરણના ક્ષેત્રે પણ ઘણાં મોટાં ગાબડાં દેખાય છે.

હમણાં એક સુપ્રસિદ્ધ જૈનાચાર્યે જૈન સાધુઓની ટીકા કરનારા લોકોને હંટરથી ફટકારવાનું એલાન કર્યું! એમણે એક અક્ષર પણ એવો ન કહ્યો કે જૈન સાધુઓએ પણ પોતાની ટીકા ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. વિના કારણે ટીકા કરવાનો કોઈને શોખ નથી હોતો. ટીકા, જો વાજબી હોય તો ખુલ્લા દિલે આવકારવાની વૃત્તિ કેળવવી પડશે. ‘સાધુઓનું આચરણ જ એવું હોવું જોઈએ કે કોઈને ટીકા કરવાનું મન ન થાય’ એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું હોત તો એમની ગરિમા વધી હોત. શું એમના પોતાના શિષ્યોએ ક્યારેય અન્ય મુનિવરોની ગેરવાજબી નિંદા નથી કરી એમ તેઓ છાતી ઉપર હાથ મૂકીને કહી શકશે ખરા? તો પછી તો પેલા હંટરથી ફટકારવાના એલાનનું શું? આવું એલાન એ પગ નીચે આવતા રેલાને અટકાવવાની અગમચેતી તો નથી ને!

આપણે સમજવું પડશે કે અવર્ણવાદ અને ટીકા બન્ને અલગ બાબતો છે. સર્વસામાન્ય અર્થમાં સાધુઓની નિંદા એ અવર્ણવાદ હોઈ શકે. પરંતુ કોઈ ચોક્કસ કારણસર કરાતી ટીકા પણ હંટરથી મારવાની શિક્ષાને પાત્ર ગુનો બને? જે ઉઘાડેછોગ ખોટું હોય તે પણ જોયે જ રાખવાનું? બોલવાનું જ નહીં?

એક દાખલો જોઈએ : (પાઘડી બંધબેસતી આવતી હોય તો યોગાનુયોગ ગણી લેવો.) એક શિષ્ય કે જે અનાચારની હદ વટાવી ગયો હોય, દિવસે ઉપવાસ અને રાતના ખાણીપીણીના ગોરખધંધા કરતો હોય, વરસીતપના નામે લોકોને છેતરતો હોય, સ્ત્રીઓને પટાવવામાંથી નવરો ન પડતો હોય; આવા શિષ્યનાં કુકર્મોની જાણ તેના ગુરુને કરવામાં આવે ત્યારે તેના ગુરુએ શું કરવું જોઈએ?

    ૧. તેને છેદ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ?

    ૨. તેને ઠપકો આપીને એક ગામથી બીજે ગામ મોકલી દેવો જોઈએ?

    ૩. તે, એવા જ દુરાચારી, બનાવટી સાધુ સાથે રહેતો હોય તેનાથી છૂટો પાડી દઈને તેને બીજા સાધુ સાથે મોકલી દેવો જોઈએ?

    ૪. બહાર આવેલી ઘટનાઓને પૈસાથી દબાવી દે એમ પોતાના શિષ્યને કહેવું જોઈએ?

    ૫. ‘મારા શિષ્યો આવું કરે જ નહીં’ એમ કહીને વાતનો વીંટો વાળી દેવો જોઈએ?

    ૬. શિષ્યના ‘કુકર્મની જાણ કરનાર’ને હંટરથી ફટકારવો જોઈએ?

કહેવાનો મુદ્દો એટલો જ છે કે સાધુઓ ખૂબ અભ્યાસી બને અને વર્તમાન પરિસ્થિતિમાં જેટલો શક્ય હોય એટલો ઉત્તમ આચાર પાળે એ સમયની જરૂરિયાત છે. કુપાત્ર સાધુઓનાં કુકર્મોને ગંભીર અપરાધ માનવો જોઈએ.

ખરેખર તો આડેધડ થતી દીક્ષાઓ ઉપર અને આડેધડ થતી પદવીઓ ઉપર લગામ તાણવાની જરૂરત છે. નવકાર મંત્રના અડસઠ અક્ષરો પણ ભૂલચૂક વગર લખી ન શકે એવા આચાર્યોની જૈન શાસનને કોઈ જરૂર નથી. જેના દુષ્ટ આચરણનો બચાવ કરવા ધનશક્તિને વચ્ચે લાવવી પડે એવા સાધુઓની પણ જૈન શાસનને કોઈ જરૂર નથી. આવા બનાવટી સાધુઓને હાંકી કાઢવાથી જૈનશાસન રસાતળ નહીં જાય!

જૈનધર્મમાં આચાર્યોની અને સાધુઓની સંખ્યા કેટલી છે તેનું કોઈ મહત્ત્વ નથી (હોવું પણ ન જોઈએ). સારા, જ્ઞાની, બહુશ્રુત અને પ્રભાવક આચાર્યો અને ઉત્તમ સાધુઓ કેટલા છે એનું મહત્ત્વ છે.

કોને પદવી આપવી, કોને ન આપવી, કોને દીક્ષા આપવી, કોને ન આપવી વગેરે જિનશાસનના હાર્દને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પરત્વે ચોક્કસ પ્રકારના અને દરેક આચાર્યાદિ મુનિઓને બાધ્ય બને એવા નિયમો અને માર્ગરેખાઓ ઘડી કાઢવા માટે કોઈ ચોક્કસ સમુદાય પ્રત્યે અણગમો કે પૂર્વાગ્રહ રાખ્યા વગર સાચા અર્થમાં અખિલ ભારતીય કક્ષાનું સમગ્ર જૈન મુનિઓનું મહાસમ્મેલન બોલાવવાની ખાસ જરૂર છે.

આવા ગંભીર મુદ્દાઓને પણ જે તે સમુદાય કે વ્યક્તિનો પ્રશ્ન ગણીને તેની ઉપર વિચાર કરવાના બદલે આંખ આડા કાન કરશું તો ભવિષ્યની પેઢીની દુર્દશાની જવાબદારી આજની પેઢીની જ ગણાશે એ ચોક્કસ છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત