હેમચંદ્રાચાર્ય

All posts tagged હેમચંદ્રાચાર્ય

‘હેમચંદ્રાચાર્યની અનુભવવાણી’ પુસ્તકને આવકારતાં વચનો

Published 22 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)


નોંધ : ‘જાગિ સકે તો જાગિ’ એ શીર્ષક હેઠળનું મારૂં પ્રસ્તુત લખાણ ‘હેમચંદ્રાચાર્યની અનુભવવાણી’ પુસ્તકને આવકારતાં છપાયું છે. આ પુસ્તક હમણાં જ ઓગસ્ટ, ૨૦૦૯માં પ્રકાશિત થયું છે.
hemchandraachaarya_ni_anubhav_vaani

ઉપયોગી વિગતો :
પુસ્તક : હેમચંદ્રાચાર્યની અનુભવવાણી
ભાષા : ગુજરાતી
વિષય : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રના ૧૨મા પ્રકાશ ઉપર વિવેચન
લેખક : ડૉ. રશ્મિકાન્ત શાહ, મુંબઈ
પ્રસ્તાવના : ડૉ. જિતેન્દ્ર શાહ, અમદાવાદ
આવકાર : મુનિ મિત્રાનંદસાગર, અમદાવાદ
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :
      કેવલી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ
      કેર ઓફ, પ્રફુલભાઈ સી. શાહ
      ૨, રાજદીપ, કસ્તૂરબા ક્રોસ રોડ નં. ૧, બોરીવલી (પૂર્વ), મુંબઈ ૪૦૦૦૬૬
મૂલ્ય : ૧૦૦ રૂપિયા.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

‘જાગિ સકે તો જાગિ’

(આવકાર)

‘જાગિ સકે તો જાગિ.’ આ કબીરવચન ડૉ. રશ્મિકાંતભાઈએ પ્રસ્તુત પુસ્તકના અંતિમ ચરણમાં ટાંક્યાં છે. ભારતમાં થયેલા પ્રબુદ્ધોએ કોઈ ને કોઈ રીતે જાગવાની અને ચેતવાની વાત કરી છે. ‘ચેત સકે તો ચેત…, અબ રૈન કહાં જો સોવત હૈ…, उत्तिष्ठत जाग्रत…, तस्माज्जागृहि जागृहि…, संबुज्झह किं न बुज्झहा…’ વગેરે સેંકડો કંડિકાઓ આ બાબતની સાહેદી આપે છે. મુદ્દે ઊંઘતા માણસને ખલેલ ગમતી નથી અને કરુણાનિધાન બુદ્ધજનો તેને જગાડ્યા વિના રહી શકતા નથી. ઢોલ-નગારાં વગાડીને, સંકટો વહોરી લઈને પણ તેઓ સૂતેલાને જગાડવાનો પ્રયત્ન કર્યા જ કરે છે.

‘જાશો મા પ્રભુ, પંથ વિકટ છે…’ લોકો પોકારતા રહ્યા અને પ્રભુ મહાવીર જીવનું જોખમ વહોરી લઈને પણ ઘોર વનવગડામાં ચંડકૌશિકને જગાડવા પહોંચી ગયા અને પ્રભુ વીરના મુખેથી નીકળેલા, માની મમતા જેવા આ શબ્દો : ‘बुज्झ बुज्झ चंडकोसिया!’ વિશ્વના ઇતિહાસમાં અમર બની ગયા.

કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે પણ સૂતેલાને જગાડવાના એક ઓર પ્રયત્ન રૂપે ‘યોગશાસ્ત્ર’ની રચના કરીને જાગરણના માર્ગમાં એક તદ્દન નવી વિચારધારા આપી. યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ મહારાજ અને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે જૈનદર્શનમાં યોગના વિષયને એક નવો જ વળાંક આપ્યો.

પરમાર્હત કુમારપાળ મહારાજની પ્રાર્થનાથી લખાયેલો આ ગ્રંથ પછીના કાળમાં પણ અધ્યાત્મમાં રુચિ ધરાવનાર પ્રત્યેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને જેમ કુમારપાળ મહારાજા આ ગ્રંથનો નિયમિત સ્વાધ્યાય કરતા હતા તેમ આજ પર્યંત અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ આ ગ્રંથનો નિરંતર સ્વાધ્યાય કરતા રહ્યા છે. ઉપરાંત વિવિધ લેખકોએ પોતપોતાની રીતે આ ગ્રંથ ઉપર વિવેચનો અને વિવરણો કરીને આ વિષયને વધુ ને વધુ સરળ અને લોકભોગ્ય બનાવવાની કોશિશ કરી છે.

મુંબઈના મલાડ (પશ્ચિમ) વિસ્તારમાં દર શનિવારે ડૉ. રશ્મિકાંત શાહની આધ્યાત્મિક શિબિરો છેલ્લાં વીસ વર્ષથી નિરંતર અખંડપણે ચાલે છે.

ડૉ. શાહ પણ એ જ પરંપરાના પ્રવાસી છે જે પરંપરા સેંકડો સદીઓથી સૂતેલાને સતત જગાડવા માટે મથી રહી છે. આગળ કહ્યું તેમ, કરુણાવંત બુદ્ધજનો સૂતેલાને જગાડવાનો સતત પુરુષાર્થ કરતા રહે છે. શ્રી શાહે પણ આવા જ એક પ્રયત્નના ભાગરૂપે તેમના નિયમિત વિદ્યાર્થીઓ સામે એક પ્રવચનમાળાના માધ્યમે ‘હેમચંદ્રાચાર્યની અનુભવવાણી’ પેશ કરી છે.

સામાન્ય રીતે સૂતેલાને જાગવું ગમતું નથી તેથી તેને જગાડવા માટે ઘણી વાર જાતજાતના નુસ્ખા કરવા પડે છે. પતિદેવને જગાડવા માટે પત્નીદેવીએ પોકાર કરવો પડે છે : ‘તમે ઊઠો તો મને કંઈક કામ સૂઝે!’ લંકા જેવી લંકા ઉપર હુમલો થાય છતાં કુંભકર્ણને જાગવું ગમતું નથી તેથી તેને જગાડવા માટે ઢોલ-ત્રાંસા અને નગારાં વગાડવાં પડે છે! ઘણી વાર તો ખુદ ગુરુને જગાડવા માટે ચેલાઓને મેદાનમાં ઊતરવું પડે છે – ચેત મછંદર, ગોરખ આયા… આદિનાથથી લઈને આજ પર્યંત આ જાગરણ અભિયાન નિરંતર ચાલુ જ છે.

હેમચંદ્રાચાર્ય મહારાજે જેને ‘અધ્યાત્મ ઉપનિષદ્’ તરીકે ઓળખાવ્યો છે તે યોગશાસ્ત્ર ગ્રંથના બારમા પ્રકાશમાં તેમણે પોતાને થયેલ યોગ સંબંધી ‘અનુભવસિદ્ધ નિર્મળ તત્ત્વ’ વણી લીધું છે [1] અને આ તત્ત્વને આપણા સુધી પહોંચાડવાનું કાર્ય શ્રી રશ્મિકાંતભાઈએ કર્યું છે.

કુંભકર્ણની નિદ્રામાં પોઢેલાને જગાડવા માટે, પોતાનાં પ્રવચનોમાં, ડૉ. રશ્મિકાંતભાઈએ પણ ઘણા ચાબખા મારવા પડ્યા છે.

નમૂનાદાખલ : ‘આપણને આપણી પોતાની તો કંઈ ખબર જ નથી અને બીજે બધે બહાર દોડ્યા જ કરીએ છીએ.’ [2]

કેવી ટકોરાબંધ અને અનુભવસિદ્ધ રજૂઆત છે! મૃગની નાભિમાં જ કસ્તૂરીની સુગંધનો ખજાનો પડ્યો હોય, પરંતુ એ હરણિયું સુગંધસાગરને ખોજવા બહાર જ દોડાદોડ કરતું હોય. હોય, એ હરણ છે, પણ માણસ કેમ પશુની જેમ વર્તન કરતો હશે? જે અક્ષય ખજાનો પોતે પોતાનામાં સમાવીને બેઠો છે એની ખોજ માટે માણસ બહાર જ દોડ્યા કરે છે. બાહ્યલક્ષી માણસ બહાર જ ભટકવાનો એ સ્વાભાવિક છે. માટે જ ડૉ. શાહ વારંવાર અંદર રહેવાની ટકોર કરે છે : ‘લક્ષ અંદર રાખવાનું. અંદર. બહારથી તો કંઈ મળે એમ નથી. બહારથી બધેથી મનને છોડાવીને અંદર લાવવાનું.’ [3] બસ, લક્ષ જો અંદરનું થઈ જાય તો બેડો પાર છે.

અનંત શક્તિનો સ્વામી કહેવાતો આત્મા પણ આગળ વધવા માટે બીજાનો ટેકો ઝંખ્યા કરે એ કેવી પીડાદાયક બાબત છે! શ્રી શાહના પ્રવચનમાં આ પીડા એક ધારદાર સવાલ રૂપે પ્રગટ થાય છે : ‘કેટલાં વર્ષો સુધી બીજાની આંગળી પકડીને ચાલ્યા કરીશું?’ [4]

બાળમંદિરે જતું બાળક કોઈની આંગળીનો સથવારો ઝંખે એ સ્વાભાવિક છે, પરંતુ કોલેજમાં પહોંચેલો વિદ્યાર્થી પણ આવો પરાધીન? આવા પરાધીન લોકોને સ્વાધીન બનાવવા માટે ગુરુઓને ખાસ જહેમત ઉઠાવવી પડે છે. માટે જ ‘ગુરુ મહેનત કરે અને શાસ્ત્રનો સાર પોતાના શિષ્યને આપે.’ [5]

પરમાર્થી ગુરુજનો નિરંતર આમ કરતા જ રહે છે, પણ ઘણીવાર થાય છે એવું કે ગુરુ કરુણાભાવે શિષ્યને જ્ઞાનનો સાર તો આપે પરંતુ ઉછાંછળો શિષ્ય, સૂંઠના ગાંગડે ગાંધી બનેલાની જેમ, પોતાને દુનિયાનો મહાજ્ઞાની માનવા માંડે અને હાલત વઢકણી વહુએ દીકરો જણ્યા જેવી થાય! આવું ન બને એ માટે રશ્મિકાંતભાઈ લાલ બત્તી ધરે છે : ‘આપણે પોતાની જાતને મહાન જ્ઞાની કે મહાન પંડિત કે સિદ્ધાંતમહોદધિ માનીને અહંકાર કરવાની કોઈ જ જરૂર નથી!’ [6]

આવા અધૂરા મહાજ્ઞાનીઓને, પાછી, પોતાને બાદ કરતાં આખી દુનિયાની ચિંતા હોય! આવા લોકોને શ્રી શાહ રોકડું પરખાવે છે : ‘આખા જગતનો ભાર માથે લઈને ફરવાની કોઈ જરૂર નથી.’ [7] જરા જાડી ભાષામાં કહેવું તો કહેવાય કે તું તારૂં ઘર સંભાળ ને ભાઈ! પણ આદતથી મજબૂર માણસ પોતાનું ઘર સંભાળી શકતો નથી અને પારકી, ખાસ કરીને નકામી પંચાતોમાં રચ્યોપચ્યો રહે છે, તેથી જ ડૉક્ટર સાહેબ આશ્ચર્ય વ્યક્ત કરે છે : ‘આપણે પોતાની જાતને છોડીને આખી દુનિયાનું ધ્યાન રાખ્યા કરીએ.’ [8] પણ આમ કરવાથી દા’ડો તો વળવાનો નથી. અંદર જવા માટે બહારની દુનિયામાંથી પોતાની જાતને સંકોરી લેવી પડશે અને સદંતર એમ ન બને તોય દુનિયાદારી ઘટાડવાની ટેવ તો પાડવી જ પડશે. એ માટે શું કરવાનું?

એનો ઉત્તર છે : ‘સંસારના મનુષ્યો સાથે નિર્લેપતાથી રહેવું.’ [9] નિર્લેપતા એટલે પરમ શાંતિનો રાજમાર્ગ.

ખાખરાની ખિસકોલી જેવા માનવ સમાજને યોગની સાકરનો સ્વાદ ચખાડવાનો રશ્મિકાંતભાઈનો આ એક પ્રયાસ છે. જો આ સ્વાદ એક વાર દાઢમાં વસી ગયો અને ખરા અર્થમાં જો માણસ જાગી ગયો તો ખાખરો છૂટી જતાં વાર નહીં લાગે, કેમ કે સજાગ માણસ આપોઆપ યોગ્ય રસ્તે ચડી જાય છે અને એથી જ, તેને, ‘બંધન પણ માત્ર એક કલ્પના જ હતી એમ જ્ઞાન થયા પછી પાછળથી સમજાય છે.’ [10]

મહાભારતનું વચન છે : ‘જ્ઞાનની આગથી જે પોતાનાં કર્મોને બાળીને ખાખ કરી નાખે છે એને જ ખરા અર્થમાં પંડિત કહે છે.’ [11] આ પુસ્તકનું પ્રત્યેક પાનું જ્ઞાનની આગના તણખાથી ભરેલું છે. એવું જ્ઞાન જો યોગ બની જાય તો મુક્તિ હાથવેંતમાં જ છે. ફરી મહાભારત : ‘વ્યકિત ઇચ્છે તો ઉત્તમ યોગના આશ્રયે મુક્તિ પામી શકે છે.’ [12] સવાલ માત્ર મુક્તિની ઝંખનાનો છે.

ના, ઇચ્છા નહીં, ઝંખના.

ખરેખર તો ‘યોગ એ જ સંસારસાગરમાંથી તરવાનો ઉપાય છે’ [13] પણ યોગના નામે ગડબડ ન થાય એ ખાસ જોવું પડશે. પેટના સ્નાયુઓને ગોળ ગોળ ફરતા દેખાડવાવાળો યોગ એ અસલી યોગ નથી, એ સરકસી વ્યાયામ છે. એ શરીર માટે હિતકારી હોઈ શકે, આત્માને એની સાથે કંઈ લાગતું વળગતું નથી. યોગમાર્ગના પુરસ્કર્તાઓના અભિપ્રાય મુજબ તો ચિત્તની વૃત્તિઓને નિયંત્રિત કરે [14] અને મોક્ષ સાથે જોડી આપે એ જ યોગ છે. [15]

આમ જોવા જઈએ તો યોગના માર્ગોમાં અપાર વૈવિધ્ય છે : જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, રાજયોગ, હઠયોગ, લયયોગ… જૈનદર્શન કહે છે કે આત્મકલ્યાણના અસંખ્ય માર્ગો છે. માટે જ ભોજન કરતાં કરતાં કેવલી બન્યાના દાખલા નોંધાયા છે. લગ્નમંડપમાં કેવલી બન્યાના દાખલા નોંધાયા છે. નાટ્યમંદિરમાં, રંગશાળામાં અને ખુદ પોતાના ઘરમાં પણ કેવલી બન્યાના દાખલા નોંધાયા છે. વાચકને આ પુસ્તકમાં પણ આવા કેટલાક ઉલ્લેખો મળી રહેશે.

લોકો આગ બુઝાવવાની વાત કરે છે, પણ હું તો ડૉ. રશ્મિકાંતભાઈને ઠેકઠેકાણે આગ લગાડવાની ભલામણ કરીશ – હા, જ્ઞાનની એ આગ, જે દુઃખાર્ત મનુષ્યોનાં કર્મોને બાળીને ખાખ કરી નાખે!

‘હેમચંદ્રાચાર્યની અનુભવવાણી’ આપણા સુધી પહોંચાડનાર પાસે આટલી અપેક્ષા વધુ પડતી નહીં જ ગણાય.

…અને આ અણમોલ પુસ્તકના વાચક પાસે એક જ અપેક્ષા :

‘જાગિ સકે તો જાગિ…’

— મુનિ મિત્રાનંદસાગર

અમદાવાદ
જેઠ સુદ ૫, શુક્રવાર, સં. ૨૦૬૫
~~~~~~~~~~~~~~~~~~~~~~

ટિપ્પણીઓ

 1. ‘अनुभवसिद्धमिदानीं प्रकाश्यते तत्त्वमिदममलम्।’ — યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૧.
 2. જુઓ આ પુસ્તકનું ૧૫મું પૃષ્ઠ.
 3. જુઓ આ પુસ્તકનું ૨૧મું પૃષ્ઠ.
 4. જુઓ આ પુસ્તકનું ૩૨મું પૃષ્ઠ.
 5. જુઓ આ પુસ્તકનું ૨૮મું પૃષ્ઠ.
 6. જુઓ આ પુસ્તકનું ૨૬મું પૃષ્ઠ.
 7. જુઓ આ પુસ્તકનું ૩૬મું પૃષ્ઠ.
 8. જુઓ આ પુસ્તકનું ૪૩મું પૃષ્ઠ.
 9. જુઓ આ પુસ્તકનું ૩૮મું પૃષ્ઠ.
 10. જુઓ આ પુસ્તકનું ૧૧૬મું પૃષ્ઠ.
 11. ‘ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः।’ — મહાભારત, ૬/૨૬/૧૯.
 12. ‘उत्तमं योगमास्थाय यदीच्छति विमुच्यते।’ — મહાભારત, ૧૨/૨૮૯/૪૧.
 13. ‘संसारसागरोत्तार उपायो योग एव हि।’ — ઇષ્ટસિદ્ધિતંત્ર, ૧/૧૭.
 14. ‘योगश्चित्तवृत्तिनिरोधः।’— પાતંજલ યોગસૂત્ર, સમાધિપાદ, સૂ. ૨,
 15. ‘मोक्खेण जोयणाओ जोगो।’ — યોગવિંશિકા, ગા. ૧.

આંખ આડા કાન : એક વિરાટ વ્યક્તિત્વની ખોજ

Published 21 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

એક વિરાટ વ્યક્તિત્વની ખોજ

મુનિ મિત્રાનંદસાગર
• • •

 

એક યુગ હતો જ્યારે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજે જૈનધર્મને તેની સર્વોચ્ચ ઊંચાઈ ઉપર પહોંચાડી દીધો હતો. આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિગિરિ જેવા ગુરુવર્યોની પ્રેરણાથી સમ્રાટ સંપ્રતિએ જૈનધર્મને ભારતના સીમાડાની બહાર પહોંચાડ્યો હતો. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે અન્યતીર્થિકોનાં હાજાં ગગડી જાય એવી પ્રવચનપ્રભાવના કરી બતાવી હતી. ‘અન્યતીર્થિકો માથું ઊચકી રહ્યા છે’ એવું સાંભળવા માત્રથી સાધ્વીજીના મુખમાંથી તત્કાલ શબ્દો સરી પડ્યા હતા : ‘सूरिरस्तगतो नूनं सिद्धसेनदिवाकरः।’ જરૂર સિદ્ધસેન નામના સૂર્યનો અસ્ત થઈ ગયો લાગે છે, નહીં તો ઘુવડોની શી મજાલ કે તેઓ માથું ઊચકી શકે! સિદ્ધસેન દિવાકરસૂરિ જેવી વિરાટ પ્રતિભા સામે અંધકારના રાજાઓનું કામ નહીં! કાલકાચાર્ય મહારાજે વિરાટ રાજસત્તાના દાંત ખાટા નહોતા કરી નાખ્યા? આખરે તેઓ જૈનશાસન સામે રાજશાસનનો પરાભવ કરીને જ જંપ્યા હતા. હેમચંદ્રાચાર્યજીનો સાહિત્યવૈભવ, વજ્રસ્વામીનો પ્રભાવનાવૈભવ, ભદ્રબાહુસ્વામીનો જ્ઞાનવૈભવ, જગતચંદ્રસૂરિ મહારાજનો ચારિત્રવૈભવ, હરિભદ્રસૂરિ મહારાજનો શ્રુતવૈભવ. કેટકેટલાં નામો ગણીશું? કોને યાદ કરશું ને કોને ભૂલશું? કેવી વિકટ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અભયદેવસૂરિ મહારાજે નવાંગી વૃત્તિઓ રચી! આ એમનો વૃત્તિવૈભવ!

આ બધો ઇતિહાસ આજે યાદ કરવાનું શું પ્રયોજન છે? એ જ કે મહાન જૈનધર્મની આજની સ્થિતિ ખુશ થવા જેવી નથી. જ્ઞાનાભ્યાસના ક્ષેત્રે આજની પેઢી ખૂબ કંગાળ પૂરવાર થઈ રહી છે. ધૂમ પૈસો વપરાય એ જ જો શાસન પ્રભાવનાનો માપદંડ હોય તો તો જાણે હરખાવા જેવું ઘણું છે. સદ્‌ભાગ્યે ધનશક્તિથી જૈનશાસનનું ઓજસ નથી મપાતું. માટે જ ઉપાધ્યાય શ્રીયશોવિજય મહારાજને વેદના થઈ આવી અને તેમણે વ્યથાપૂર્ણ રજૂઆત કરવી પડી કે ‘ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે…’ કેમ, તે કાળે પૈસા નહોતા વપરાતા? આજ કરતાં ય વધારે વપરાતા હતા. તો પછી ભગવાનનાં ચરણોમાં કેમ પોકાર કરવો પડ્યો હશે? કારણ એક જ હતું કે જૈનશાસનમાં આર્થિક માપદંડોની બોલબાલા ક્યારેય હતી જ નહીં. અહીં તો આચરણનાં ગુણગાન હતાં, અહીં તો જ્ઞાનધ્યાનનાં ગુણગાન હતાં, અહીં તો સ્વાધ્યાયની બોલબાલા હતી. આ શાસનમાં તો તપમાં, ત્યાગમાં, આચરણમાં સ્પર્ધાઓ હતી. આજે બધું જ (રિપિટ, બધું જ) માત્ર પૈસાથી મપાય છે.

આજે અંગત પ્રતિષ્ઠાની બોલબાલા વધી છે. શાસનની ચિંતા ઓછી છે, ‘મામકાઓ’ની ચિંતા વધારે છે. કહેવાતી આબરૂઓ બચાવવા માટે આજે ધનશકિતને કામે લગાડવામાં આવે છે. આજના સાધુ પાસે જો ધનશક્તિ હોય તો તેના બધા ગુના માફ છે. માત્ર જ્ઞાનની મૂડીવાળા સાધુની આજના માર્કેટિંગના જમાનામાં કોડીયે ન ઊપજે! ચારિત્ર? સમજ્યા હવે! આચરણ? તેનું તો જ્ઞાન હોય તોય બસ.

ભારતના એક મૂર્ધન્ય રાજનેતા બીજુ પટનાયકે એકવાર કહ્યું હતું કે ‘જો તમારી પાસે સો કરોડ રૂપિયા વેરવાની તાકાત હોય તો તમે આ દેશના પ્રધાનમંત્રી ખુશીથી બની શકો છો!’ નેતૃત્વ નહીં, અનુયાયીઓ નહીં, કશું જ નહીં. માત્ર આર્થિક તાકાત તમને પ્રધાનમંત્રી બનાવી શકે.

જૈનશાસનમાં આજે કેવી સ્થિતિ છે? અહીં પણ જો આર્થિક સામ્રાજ્ય વિશાળ હોય તો શિષ્યોની ફોજો ઊભી કરી શકાય છે. ભક્તોનાં ટોળાં જમાવી શકાય છે. ભાડુતી પ્રતિષ્ઠા ખરીદી શકાય છે. જે વસ્તુ આજની રાજનીતિમાં બની રહી છે તે જ વસ્તુ આજની ધર્મનીતિમાં પણ બની રહી છે. રાજકારણમાં અપરાધીકરણ વધ્યું છે. ધર્મમાં પણ અપરાધીકરણ વધ્યું છે. રાજકારણમાં સ્વપક્ષના ગુનેગારોને પણ છાવરવાની અને પરપક્ષના સજ્જનોને પણ ભાંડવાની બોલબાલા ચાલે છે. ધર્મના ક્ષેત્રમાં પણ આ જ બધું થઈ રહ્યું છે. જૈનધર્મ જેવા ઉદાત્ત ધર્મમાં પણ જ્યારે આ વાત બની રહી છે ત્યારે ક્યાંક કંઈક ભૂલ થઈ રહી હોય એમ લાગે છે.

જેમની પાસે સમાજને દોરી શકવાની, ઝુકાવી શકવાની, સમજાવી શકવાની, બદલી શકવાની તાકાત છે એવા આચાર્યો પણ આજે કર્તવ્ય ભૂલ્યા છે. જેમની પાસે જૈનશાસનના મૂળભૂત સિદ્ધાંતો પ્રત્યે વફાદારીની અપેક્ષા હોય તેવા આચાર્યો આજે પોતાની નિષ્ઠા ચૂક્યા છે. આજે ફરિયાદ કરવાની કોઈ જગા બચી નથી. ‘જાએં તો જાએં કહાં’ એ સ્થિતિ આજે જૈનશાસનની બની છે. વાડે ચીભડાં ગળવાનું ચાલુ કર્યું છે. રક્ષક આજે ભક્ષક બન્યો છે. સામાન્ય માણસ ગુનો કરે અને ખાખી વરધીધારી પોલીસ ગુનો કરે ત્યારે ગુનો સરખો મનાતો નથી. અહીં સમાનતાનો સિદ્ધાંત નથી હોતો. પોલીસના ગુનાની ગંભીરતા વધી જાય છે. આગ ઓલવવાની જવાબદારી જેના શિરે છે તે ફાયર બ્રિગેડ જ જો આગ લગાડે તો આગ બુઝાવવાની ફરિયાદ કોને કરવી? સત્યની રક્ષા કરવાની ફરજ અદા કરવાના બદલે જે સત્યને પૈસાની થેલીઓ નીચે દફનાવી દે છે એ આચાર્ય પોતાની જવાબદારી ચૂકે છે. સત્યની કબર ઉપર અસત્યના દીવાઓ થાય છે. આ બધું જોઈને જૈનધર્મનો મહાન ભૂતકાળ અનાયાસે જ યાદ આવી ગયો. એ યુગ હતો જ્યારે સિદ્ધસેન દિવાકરસૂરિ જેવા સમર્થ સાધુને પણ અતિ ગંભીર પ્રાયશ્ચિત્ત મળ્યું હતું. તેમના ગુરુએ સિદ્ધાંત સાથે બાંધછોડ કરી હોત તો કોઈ શું કરી લેવાનું હતું? પણ એ ગુરુઓને અંતરાત્મા જેવું કંઈક હતું. તેઓ સમજતા હતા કે મારે શિષ્યનું ખેંચવાનું નથી મારે જિનશાસનનું ખેંચવાનું છે. સત્ય, નીતિ, નિષ્ઠા, પ્રામાણિકતા વગેરેનો ઉપદેશ આપનારા આચાર્યોએ સત્ય, નીતિ, નિષ્ઠા અને પ્રામાણિકતાને અનુસરવાની પહેલાં જરૂર છે.

આપણા નીતિકારોએ રાજાનું એક લક્ષણ બાંધ્યું છે : ‘भीमकान्तगुणो राजा।’ રાજાની એક આંખમાં કરુણા હોય, એક આંખમાં આગ હોય. તેની એક આંખમાં વાત્સલ્ય હોય, એક આંખમાં કઠોર દંડનીતિ હોય. જે ‘શાસન’ કરતો નથી તે રાજા નથી, પ્રજાનો શત્રુ છે. એવા રાજાની છત્રછાયા નીચેની પ્રજાને ભગવાન જ બચાવી શકે. જે ફરજ ચૂકે છે તે ગુરુ, ગુરુ નથી. તે નેતા, નેતા નથી. તે તો ધર્મના વિનાશનું પહેલું પગથિયું ચણે છે.

આજે જરૂરત છે એક એવા વિરાટ વ્યક્તિત્વની, જે ધર્મને, શાસનને તેની મૂળ ગરિમા પાછી અપાવે. ધર્મને ધર્મ જ રહેવા દઈએ. એને માર્કેટિંગનું સાધન ન બનાવી દઈએ. જેમના શિરે શાસનના યોગક્ષેમની જવાબદારી છે તે ગુરુજનોએ નિષ્ઠાથી પોતાની જવાબદારી વહન કરવાની જરૂરત છે. કમનસીબે દૂર દૂર પણ આવું કોઈ વ્યકિતત્વ અત્યારે તો દેખાતું નથી.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના મે, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

• બોધપાઠ

કેટલાક લોકો એવા ‘જજ’ હોય છે જેઓ કેસ ચલાવ્યા વિના જ ફાંસીની સજા કરી શકે છે! આવા જાતે બની બેઠેલા જજોની સૌથી વધારે સંખ્યા ભારતમાં છે!

• ના હોય…!

પત્રકાર : ‘ગઈ ચૂંટણીમાં તમે લોકોને વચન આપ્યું હતું કે લોકો મને વોટ આપશે તો હું ઘેર ઘેર પાણીના નળ નખાવી આપીશ. આ વખતે તમે કયું વચન આપવાના છો?’
ઉમેદવાર અસ્તકીર્તિ : ‘એ નળમાંથી હવે તો પાણી પણ આવતું થાય એવો આ વખતે મારો વાયદો રહેશે.’