શ્રમણ

All posts tagged શ્રમણ

આંખ આડા કાન : શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ અટકાવી ન શકાય?

Published 27 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ
અટકાવી ન શકાય?

મુનિ મિત્રાનંદસાગર
• • •

નોંધ : મૂળ લખાણનો સંક્ષેપ અને ક્વચિત્ શાબ્દિક ફેરફાર.

જૈનધર્મ અત્યારે કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે હમણાં જ શ્રમણ ભગવાન મહાવીરનું ૨૬૦૦મું જન્મકલ્યાણક ઊજવ્યું. ૨૬૦૦ વરસના ઇતિહાસમાં દુનિયામાં આમૂલચૂલ પરિવર્તનો આવ્યાં છે. દુનિયા ખૂબ સાંકડી થઈ ગઈ છે. પરિવર્તનો, આપણને ગમે કે ન ગમે, થયાં જ કરતાં હોય છે. એમાંનાં કેટલાંક ઇચ્છનીય પણ હોય છે, કેટલાંક અનિચ્છનીય પણ હોય છે. કયાં પરિવર્તનો ઇચ્છનીય છે અને કયાં નહીં, તેની ચર્ચામાં આપણે નહીં પડીએ. આપણે જે વિચારવું છે તે મુદ્દો અલગ છે.

આજે જૈનધર્મને ખૂબ બધો લૂણો લાગ્યો છે. મોટામાં મોટું પરિવર્તન તો એ આવ્યું છે કે જૈનધર્મના મુખ્ય આધાર સમા સાધુ-સાધ્વીજી ભગવંતોની સંખ્યા વધી છે પણ ગુણવત્તા ઘટી છે. અભ્યાસના ક્ષેત્રે સાધુઓનું પોત ઝાંખું પડે છે. વાદવિવાદોનો યુગ હવે રહ્યો નથી એ આજની શ્રમણપેઢી માટે છૂપો આશીર્વાદ છે. બાકી અત્યારે જે જાતનો કાચો અભ્યાસ કરીને બની ગયેલા આચાર્યો છે તે સ્થિતિમાં જો શાસ્ત્રાધારે વાદવિવાદ કરવાનો થાય તો પરિણામો ચોંકાવનારાં આવે એમ નિખાલસતાથી કબૂલ કરવું જ પડે.

યોગ્ય અભ્યાસ વિના જ આચાર્ય બની ગયેલા અને ટૂંક સમયમાં આચાર્ય બનનારા એવા જ સાધુઓને ઓચિંતાં જ પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાનાં નામો પૂછવામાં આવે તો સોએ પંચાણુને તત્કાલ ‘સ્થંડિલ’ જવું પડે! કંપાઉન્ડર કદાચ ડૉક્ટરનો લેબાસ પહેરી લે તો દર્દીને નુકસાન થાય પણ ખરૂં અને ન પણ થાય. પરંતુ અભ્યાસહીન આ પ્રકારના ‘વિદ્વાન’ સાધુ જો આચાર્ય બની જાય તો જૈનધર્મના વિનાશ માટે આપણે પશ્ચિમી સંસ્કૃતિના મોહતાજ નહીં રહેવું પડે!

સાધુસંસ્થામાં અભ્યાસના ક્ષેત્રની જેમ આચરણના ક્ષેત્રે પણ ઘણાં મોટાં ગાબડાં દેખાય છે.

હમણાં એક સુપ્રસિદ્ધ જૈનાચાર્યે જૈન સાધુઓની ટીકા કરનારા લોકોને હંટરથી ફટકારવાનું એલાન કર્યું! એમણે એક અક્ષર પણ એવો ન કહ્યો કે જૈન સાધુઓએ પણ પોતાની ટીકા ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. વિના કારણે ટીકા કરવાનો કોઈને શોખ નથી હોતો. ટીકા, જો વાજબી હોય તો ખુલ્લા દિલે આવકારવાની વૃત્તિ કેળવવી પડશે. ‘સાધુઓનું આચરણ જ એવું હોવું જોઈએ કે કોઈને ટીકા કરવાનું મન ન થાય’ એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું હોત તો એમની ગરિમા વધી હોત. શું એમના પોતાના શિષ્યોએ ક્યારેય અન્ય મુનિવરોની ગેરવાજબી નિંદા નથી કરી એમ તેઓ છાતી ઉપર હાથ મૂકીને કહી શકશે ખરા? તો પછી તો પેલા હંટરથી ફટકારવાના એલાનનું શું? આવું એલાન એ પગ નીચે આવતા રેલાને અટકાવવાની અગમચેતી તો નથી ને!

આપણે સમજવું પડશે કે અવર્ણવાદ અને ટીકા બન્ને અલગ બાબતો છે. સર્વસામાન્ય અર્થમાં સાધુઓની નિંદા એ અવર્ણવાદ હોઈ શકે. પરંતુ કોઈ ચોક્કસ કારણસર કરાતી ટીકા પણ હંટરથી મારવાની શિક્ષાને પાત્ર ગુનો બને? જે ઉઘાડેછોગ ખોટું હોય તે પણ જોયે જ રાખવાનું? બોલવાનું જ નહીં?

એક દાખલો જોઈએ : (પાઘડી બંધબેસતી આવતી હોય તો યોગાનુયોગ ગણી લેવો.) એક શિષ્ય કે જે અનાચારની હદ વટાવી ગયો હોય, દિવસે ઉપવાસ અને રાતના ખાણીપીણીના ગોરખધંધા કરતો હોય, વરસીતપના નામે લોકોને છેતરતો હોય, સ્ત્રીઓને પટાવવામાંથી નવરો ન પડતો હોય; આવા શિષ્યનાં કુકર્મોની જાણ તેના ગુરુને કરવામાં આવે ત્યારે તેના ગુરુએ શું કરવું જોઈએ?

  ૧. તેને છેદ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ?

  ૨. તેને ઠપકો આપીને એક ગામથી બીજે ગામ મોકલી દેવો જોઈએ?

  ૩. તે, એવા જ દુરાચારી, બનાવટી સાધુ સાથે રહેતો હોય તેનાથી છૂટો પાડી દઈને તેને બીજા સાધુ સાથે મોકલી દેવો જોઈએ?

  ૪. બહાર આવેલી ઘટનાઓને પૈસાથી દબાવી દે એમ પોતાના શિષ્યને કહેવું જોઈએ?

  ૫. ‘મારા શિષ્યો આવું કરે જ નહીં’ એમ કહીને વાતનો વીંટો વાળી દેવો જોઈએ?

  ૬. શિષ્યના ‘કુકર્મની જાણ કરનાર’ને હંટરથી ફટકારવો જોઈએ?

કહેવાનો મુદ્દો એટલો જ છે કે સાધુઓ ખૂબ અભ્યાસી બને અને વર્તમાન પરિસ્થિતિમાં જેટલો શક્ય હોય એટલો ઉત્તમ આચાર પાળે એ સમયની જરૂરિયાત છે. કુપાત્ર સાધુઓનાં કુકર્મોને ગંભીર અપરાધ માનવો જોઈએ.

ખરેખર તો આડેધડ થતી દીક્ષાઓ ઉપર અને આડેધડ થતી પદવીઓ ઉપર લગામ તાણવાની જરૂરત છે. નવકાર મંત્રના અડસઠ અક્ષરો પણ ભૂલચૂક વગર લખી ન શકે એવા આચાર્યોની જૈન શાસનને કોઈ જરૂર નથી. જેના દુષ્ટ આચરણનો બચાવ કરવા ધનશક્તિને વચ્ચે લાવવી પડે એવા સાધુઓની પણ જૈન શાસનને કોઈ જરૂર નથી. આવા બનાવટી સાધુઓને હાંકી કાઢવાથી જૈનશાસન રસાતળ નહીં જાય!

જૈનધર્મમાં આચાર્યોની અને સાધુઓની સંખ્યા કેટલી છે તેનું કોઈ મહત્ત્વ નથી (હોવું પણ ન જોઈએ). સારા, જ્ઞાની, બહુશ્રુત અને પ્રભાવક આચાર્યો અને ઉત્તમ સાધુઓ કેટલા છે એનું મહત્ત્વ છે.

કોને પદવી આપવી, કોને ન આપવી, કોને દીક્ષા આપવી, કોને ન આપવી વગેરે જિનશાસનના હાર્દને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પરત્વે ચોક્કસ પ્રકારના અને દરેક આચાર્યાદિ મુનિઓને બાધ્ય બને એવા નિયમો અને માર્ગરેખાઓ ઘડી કાઢવા માટે કોઈ ચોક્કસ સમુદાય પ્રત્યે અણગમો કે પૂર્વાગ્રહ રાખ્યા વગર સાચા અર્થમાં અખિલ ભારતીય કક્ષાનું સમગ્ર જૈન મુનિઓનું મહાસમ્મેલન બોલાવવાની ખાસ જરૂર છે.

આવા ગંભીર મુદ્દાઓને પણ જે તે સમુદાય કે વ્યક્તિનો પ્રશ્ન ગણીને તેની ઉપર વિચાર કરવાના બદલે આંખ આડા કાન કરશું તો ભવિષ્યની પેઢીની દુર્દશાની જવાબદારી આજની પેઢીની જ ગણાશે એ ચોક્કસ છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

ચિંતન : ત્યાગ : શ્રમણ ભગવાન મહાવીરની નજરે

Published 24 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

ત્યાગ : શ્રમણ ભગવાન મહાવીરની નજરે

મુનિ મિત્રાનંદસાગર
• • •

वत्थ-गंधमलंकारं इत्थीओ सयणाणि य।
अच्छंदा जे न भुंजंति न से चाइ त्ति वुच्चइ॥

जे य कंते पिए भोए लद्धे विप्पिट्ठि कुव्वई।
साहीणे चयई भोए से हु चाइ त्ति वुच्चइ॥

— દશવૈકાલિક સૂત્ર અ. ૨, ગા. ૨-૩

‘ન મળી નારી એટલે થયા બ્રહ્મચારી’ પ્રકારનો સંન્યાસ એ શ્રામણ્ય નથી આ વાતનો પડઘો દશવૈકાલિકમાં દેખાય છે, ‘વસ્ત્રો, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ, સુખશય્યાઓ ન મળવાથી તે પદાર્થો ન ભોગવવાથી કંઈ ત્યાગી થઈ ગયા એમ કહેવાય નહીં, અથવા એ પદાર્થો ઉપલબ્ધ હોય તો પણ બિમારી કે એવાં અન્ય કારણોસર એ પદાર્થો ન ભોગવી શકાય એવી પરવશતા ઊભી થાય તેથી પણ કંઈ ત્યાગી થઈ ગયા એમ માની શકાય નહીં.’ તો પછી ત્યાગી કોને કહેવાય? ‘મનપસંદ અને પ્રિય એવા ભોગપદાર્થો હાથવગા હોવા છતાં અને તે પદાર્થો ભોગવવાની અનુકૂળતા હોવા છતાં તેનો ત્યાગ કરી દે તે ત્યાગી કહેવાય છે.’

અહીં એક પ્રશ્ન ઊભો થવાને અવકાશ રહે છે : કોઈ વ્યક્તિ પાસે ભોગનાં સાધનો પ્રાપ્ત કરવા જેવું આર્થિક સામર્થ્ય ન હોય અને તેને ગુરુગમથી અથવા અન્ય રીતે શુદ્ધ વૈરાગ્ય પ્રાપ્ત થાય અને તે મુનિ બને તો તે પણ ત્યાગી ન ગણાય ને? કારણ કે તેની પાસે ભોગનાં સાધનો હતાં જ નહીં, માટે દશવૈકાલિકના ઉપરોક્ત કથન અનુસાર તો તે ત્યાગીની ગણતરીમાં આવશે નહીં.

આનો ખૂબ સુંદર પ્રત્યુત્તર આપણા પૂર્વાચાર્યોએ એક કથાના માધ્યમથી આપ્યો છે, કથાનો સાર કંઈક આવો છે —

એક કઠિયારાએ સુધર્મા ગણધર પાસે દીક્ષા લીધી. લોકો આ મુનિને ચીડવવા લાગ્યા : ‘એ તો ખાવા નહોતું મળતું એટલે સાધુ થઈ ગયા.’ મુનિએ ગુરુદેવને કહ્યું કે આપણે અન્યત્ર ચાલ્યા જઈએ, કારણ કે અહીંના લોકો વિના કારણે નિંદા કરે છે. મહામંત્રી અભયકુમારના કાને આ વાત આવતાં તેમણે એક ઉપાય કર્યો, એમણે નગરના ચોકમાં રત્નોનો એક મોટો ઢગલો કરાવ્યો અને પછી ઘોષણા કરાવી કે અભયકુમારની શરત જે સ્વીકારશે તેને આ બધાં રત્નો આપી દેવામાં આવશે. શરત આવી હતી : ‘આ રત્નોની અપેક્ષા રાખનારે કાયમ માટે અગ્નિ, સચિત્ત પાણી અને સ્ત્રી એ ત્રણેનો ત્યાગ કરી દેવાનો.’ સ્વાભાવિક રીતે જ રત્નો લેવા કોઈ તૈયાર ન થયું, કારણ કે શરતમાં જણાવેલ વસ્તુઓ છોડી દેવાની હોય તો એકલાં રત્નોને શું કરવાનાં? અભયકુમારે પેલા કઠિયારા મુનિને કહ્યું કે ‘તમારામાં મારી શરત પૂરી થાય છે માટે તમે આ રત્નો લઈ લો’ ત્યારે નિઃસ્પૃહી મુનિએ પરિગ્રહની અસારતા દર્શાવીને તે લેવાની ના પાડી. અભયકુમારની આ રીતની સમજાવટથી ટીકાખોર લોકોને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો.

તાત્પર્ય એ છે કે પદાર્થોનો ત્યાગ કરતી વખતે તેની પાછળ કઈ દૃષ્ટિ છે તે પણ જોવું જોઈએ.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના એપ્રિલ, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

પ્રાસંગિક : મહાવીર જન્મકલ્યાણક

Published 7 એપ્રિલ, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

શ્રમણ ભગવાન મહાવીરનો જન્મકલ્યાણક અવસર…

મુનિ મિત્રાનંદસાગર
• • •

 

સમગ્ર જૈન સાહિત્યમાં ૪૫ આગમો એ શ્રમણ પરંપરાનું જૂનામાં જૂનું સાહિત્ય છે. એમાં પણ પ્રથમ અગિયાર અંગસૂત્રો તો કંઈક અલગ જ મહત્ત્વ ધરાવે છે. એમાં પણ પ્રથમાંગ આચારાંગસૂત્ર એ જૈન આગમ અને આગમેતર સાહિત્યમાં શિખર ઉપરના કળશ સમું છે. આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના જીવનની સૌથી પ્રાચીન વિગતો સચવાયેલી પડી છે.

ભગવાન મહાવીરના જન્મકલ્યાણકના મંગલ અવસરે તેમના સાધનાકાળના જીવનની એક આછી ઝલક આચારાંગસૂત્રના આધારે અહીં પ્રસ્તુત છે.

ભગવાન મહાવીરના પંચમ પટ્ટધર ભગવાન સુધર્મા ગણધરે પોતાના પ્રધાન શિષ્ય જંબૂસ્વામીને ઉદ્દેશીને આમ કહ્યું—

વસ્તુસત્યને જાણીને ભગવાન સંસારનો ત્યાગ કરીને અણગાર બન્યા.

દીક્ષાના અવસરે ભગવાનના શરીર ઉપર અનેક પ્રકારના સુગંધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું હતું. ભમરાઓ આ પદાર્થોની સુગંધથી આકર્ષાઈને ભગવાનના શરીર ઉપર આવીને બેસતા અને રસપાન કરવાનો પ્રયત્ન કરતા, પરંતુ રસપાન કરવા ન મળવાથી ગુસ્સે થયેલા ભમરાઓ ભગવાનને તીવ્ર ડંખ મારતા.

દીક્ષાના સમયે ભગવાનના ખભા ઉપર માત્ર એક જ વસ્ત્ર હતું. દીક્ષાના તેર માસ પછી તો તે વસ્ત્ર પણ છૂટી ગયું. હવે ભગવાન સર્વથા અચેલક બની ગયા.

પહોરના પહોર સુધી ભગવાન અપલક નયને ધ્યાન ધરતા. સળંગ લાંબો સમય અપલક નયને ધ્યાન ધરવાથી તેમની આંખોનાં પડ ઊંચાં ચડી જતાં. આવી આંખો જોઈને ડરી ગયેલાં બાળકો ‘હાય હાય’ કરીને બૂમો પાડતાં અને બીજાં બાળકોને પણ બોલાવતાં.

ઘણા લોકોવાળાં સ્થાનોમાં ભગવાન રોકાતા નહીં. તેઓ બને ત્યાં સુધી એકાંત સ્થળોએ જ રોકાતા. આમ થવાથી એકાંતની શોધમાં નીકળેલી કેટલીક કુશીલ સ્ત્રીઓ પણ ત્યાં આવી જતી અને ભગવાન પાસે ભોગની પ્રાર્થના કરતી. જાગ્રત પ્રજ્ઞાવાળા ભગવાન તો તે સ્ત્રીઓની વાત સાંભળતા જ નહીં. ભોગો સેવવાની તો વાત જ ક્યાં! આવી સ્થિતિમાં પણ ભગવાન તો આત્માના ઊંડાણમાં જ પહોંચી જતા અને ધ્યાનની મસ્તીમાં જ લીન બની રહેતા.

રોકાવા માટે એકાંત સ્થાન ન મળે અને ઘણા લોકોવાળાં સ્થાનમાં રોકાવું પડે તો પણ ભગવાન મનથી તો એકાંતવાસનો જ અનુભવ કરતા અને તેથી તેમના ધ્યાનમાં કોઈ જ ખલેલ પડતી નહીં. કોઈ ગમે તે પૂછે તો પણ તેઓ ઉત્તર વાળતા નહીં. જો કોઈ જવાબ આપવા ફરજ પાડે તો ભગવાન ત્યાંથી મૌનપૂર્વક જ બીજા સ્થાને ચાલ્યા જતા. આવી સ્થિતિમાં પણ તેઓ ધ્યાનભંગ તો ન જ થતા અને મધ્યસ્થભાવે જ રહેતા.

કોઈ અભિવાદન કરે તો ભગવાન આશીર્વાદ ન આપતા. કોઈ તાડન-તર્જન કરે તો ભગવાન શાપ ન આપતા. તેઓ બન્ને સ્થિતિમાં સમભાવ ધારણ કરતા.

દુઃસહ, કપરાં, કઠોર વચનો સાંભળીને ભગવાન ખોટું ન લગાડતા. આવાં વચનોની તેમના મન ઉપર અસર જ ન થતી. તેઓ તો આવા સંયોગોમાં પણ આત્મિક પરાક્રમમાં જ ગળાડૂબ રહેતા.

કથા-વાર્તા, નાટક-ચેટક, ગીત-નૃત્ય અને દંડયુદ્ધ-મુષ્ઠિયુદ્ધ જેવી કુતુહલ પ્રેરનારી બાબતોથી ભગવાન સર્વથા અલિપ્ત રહેતા.

કામકથા વગેરે બાબતોમાં આસક્ત એવા લોકો પ્રત્યે ભગવાન હર્ષ અને શોકથી રહિત એવી મધ્યસ્થ અવસ્થા ધારણ કરતા. આવી બધી બાબતોમાં તો ભગવાન મન પણ લગાડતા નહીં, કેમકે તેઓ તો આ બધાથી પર થઈ ગયા હતા.

પોતાની માટે બનેલી ભોજનાદિ સામગ્રીનો તેઓ ક્યારે પણ સ્વીકાર ન કરતા. તેમણે સમજી લીધું હતું કે મુનિઓ માટે બનેલી ભોજનાદિ સામગ્રીનો સ્વીકાર કરવાથી કર્મબંધન થાય છે.

ભગવાનને સ્વાદિષ્ટ ભોજન મળે તો તેઓ લોલુપ ન થતા અને નીરસ ભોજન મળે તો તેઓ ખિન્ન ન થતા.

ભગવાન આંખોને ચોળતા નહીં, આંખોને સાફ કરતા નહીં. અરે તેઓ તો શરીરે ચળ આવે તો ખજવાળતા પણ નહીં!

ચાલતી વખતે ભગવાન ડાબે, જમણે કે પાછળની બાજુએ જોતા નહીં, તેઓ માત્ર માર્ગ તરફ નજર રાખીને અહિંસા પ્રત્યે સભાન બનીને ચાલતા. ચાલતી વખતે તેઓ બને ત્યાં સુધી મૌન જ રહેતા, કોઈ કંઈ પૂછે ત્યારે અનિવાર્ય હોય તો ખપ પૂરતું જ બોલતા.

ભગવાન સ્નાન, મર્દન, વિલેપન, અંગપ્રક્ષાલન કે દંતપ્રક્ષાલન સુદ્ધાં કશું જ કરતા નહીં.

ભગવાન ઠંડીની ઋતુમાં છાયડે રહીને ધ્યાન ધરતા અને ઉનાળામાં તેઓ સૂર્યના તાપમાં-તડકામાં ધ્યાન ધરતા. ઘણી વાર તો તેઓ લૂ વાતી હોય તે દિશામાં ઊભડક આસને બેસીને ધ્યાન ધરતા.

લૂખી કોદરી, સાથવો અને લૂખા અડદ ઉપર જ તેઓ આઠ-આઠ મહિના ખેંચી કાઢતા.

ઘણીવાર પંદર પંદર દિવસ, એક એક મહિનો, બબ્બે મહિના સુધી તેઓ પાણી પણ વાપરતા નહીં. સળંગ છ મહિના સુધી તેમણે પાણી વાપર્યું ન હોય તેમ પણ બની જતું.

ભગવાનને ક્યારેય ઊંઘવાની ઇચ્છા ન થતી. તેઓ રાતભર જાગ્રત અવસ્થામાં જ રહેતા.

• બોધપાઠ

ધર્મપ્રાપ્તિના ચાર ઉપાય છે : ક્ષમા, નિર્લોભતા, સરળતા અને મૃદુતા.

—શ્રમણ ભગવાન મહાવીર