શ્રમણ ભગવાન મહાવીર

All posts tagged શ્રમણ ભગવાન મહાવીર

શ્રમણ ભગવાન મહાવીર

Published 16 એપ્રિલ, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

યુક્તિ અને વિચાર આધારિત આચારના પુરસ્કર્તા શ્રમણ ભગવાન મહાવીર
જન્મ કલ્યાણક પ્રસંગે શ્રમણ ભગવાન મહાવીરને વંદના

શ્રમણ ભગવાન મહાવીરનું નામ પડે એટલે કેટલી બધી વાતો યાદ આવે. ભગવાનની સામે ફૂંફાડા મારતો ચંડકોશિયો નાગ દેખાય. ભગવાનને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસનાં પારણાં કરાવતી ચંદનબાળા દેખાય. ભગવાનનાં ચરણોમાં આળોટતા રાજાઓ દેખાય. કુબેરના ખજાના સમી સંપત્તિને છોડીને ભગવાનનાં ચરણોમાં ફકીરીની અમીરી સ્વીકારતા શાહુકારો દેખાય. પગની પાની સુધી પહોંચતા લાંબા અને કાળાભમ્મર વાળનું સૌન્દર્ય ધરાવતી અપ્સરા જેવી કન્યાઓ ક્ષણભરમાં કેશલોચ કરીને ભગવાનનાં ચરણોમાં સાધ્વીજીવનનો સ્વીકાર કરીને ખુલ્લા પગે વનવગડામાં બાવળની અણીદાર શૂળો વાગવાની ચિંતા કર્યા વિના આત્માની મસ્તીમાં ચાલતી દેખાય. એક તરફ ધન્ના અણગાર જેવા તપસ્વી હોય, બીજી બાજુ પૂણીયા શ્રાવક જેવા સમતાના સાગર હોય. એક તરફ બાળક અતિમુક્ત હોય, તો બીજી તરફ બાળક જેવા ગૌતમસ્વામી હોય! સ્વભાવથી સરળ અને જ્ઞાનથી મહાન એવા ગૌતમસ્વામી એક નાના બાળકની જેમ ભગવાનને સવાલો પૂછતા હોય, ઘણીવાર તો એમના સવાલો પણ નાના બાળક જેવા જ હોય! અને ભગવાન મહાવીર પૂરી ગંભીરતાથી એના ઉત્તરો આપતા હોય.

આ બધાં દૃશ્યો ભગવાન મહાવીરના સ્મરણે તાજાં થાય છે. ક્ષત્રિયકુંડના રાજસિંહાસનને છોડીને આમજનતાના હૃદયસિંહાસન ઉપર બેસનારા ભગવાન મહાવીરે માત્ર ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં સમગ્ર ભારતવર્ષની વૈચારિક કાયાપલટ કરી એ બનાવ વેદકાળના આરંભથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ચમત્કાર છે. ‘એક હાથમાં ધર્મગ્રન્થ અને બીજા હાથમાં હથિયાર’ જેવી જબરજસ્તીથી નહીં પરંતુ એક આંખમાં કરુણા અને બીજી આંખમાં પ્રેમના પારાવાર જેવી સલૂકાઈથી ભારતવર્ષના ઘડવૈયાઓમાં ઊંચું અને આદરભર્યું સ્થાન પામેલા ભગવાન મહાવીરે જે ધર્મપ્રવર્તન કર્યું એમાં ‘માત્ર મારા શરણે આવ, મારા ધર્મનો સ્વીકાર કર’ એમ કહેવાના બદલે ‘તને ઠીક લાગે તેનો સ્વીકાર કર.’ એ વિચારને કેન્દ્રમાં રાખ્યો. દશવૈકાલિક નામના જિનાગમમાં ‘જં સેયં તં સમાયરે’ એ શબ્દો દ્વારા ભગવાન મહાવીરનો આ સિદ્ધાંત સચવાયેલો છે. વિચારની આઝાદી સાથે આચારની નિર્મળતાનો આ એક અજોડ દાખલો છે.

અન્ય ધર્મગ્રન્થો જ્યારે હિંસા અને બલિદાનો દ્વારા ભગવાનને ખુશ કરવાની વાતો કહેતા હતા ત્યારે ભગવાન મહાવીરે અહિંસા દ્વારા આત્માને પ્રસન્ન કરવાની વાત કરી. હર્ષ-શોકથી ઘેરાયેલા ભગવાનના બદલે રાગ-દ્વેષમુક્ત ભગવાનનો વિચાર તેમણે જગતને આપ્યો. જગતના સર્જન, વિસર્જન, પાલન, પોષણની જવાબદારીવાળા ઈશ્વરના બદલે જગતને માર્ગ બતાવનારા ઈશ્વરનો જગતને પરિચય આપ્યો. ઉપરથી નીચે આવનારા ભગવાનના બદલે નીચેથી ઉપર જનારા ભગવાનની વાત કરી. જે પોતે મુક્ત હોય તે જ બીજાને મુક્તિનો માર્ગ બતાવી શકે અને જે પોતે બુદ્ધ હોય તે જ બીજાને બોધના રસ્તે લઈ જઈ શકે એ આદર્શ વિચારની ભગવાન મહાવીરે સ્થાપના કરી.

‘માનવમાત્ર મોક્ષને પાત્ર’નો ભગવાન મહાવીરે આપેલો મંત્ર એટલો મહાન પૂરવાર થયો કે જાતિ આધારિત જ્ઞાન તેમજ જાતિ આધારિત ધર્મની ધારણાના ભુક્કા બોલાઈ ગયા અને જાતિ આધારિત ભેદભાવવાળી અનેક રૂઢિઓ અને ભ્રમણાઓ એના પાયામાંથી હલબલી ઊઠી. ભગવાન મહાવીરના આ નવપ્રસ્થાનના કારણે તેમના ધર્મસંઘમાં મેતારજ જેવો સમાજના છેવાડાનો માણસ પણ દીક્ષા ધારણ કરીને મહામુનિનો દરજ્જો પામી શક્યો. જે તત્કાલીન અન્ય ધર્મો અને સમાજમાં કદી શક્ય નહોતું. આજના ભારતમાં પણ ક્યાં શક્ય છે!

લોકો સમજી શકે એવી સરળ ભાષામાં ઉપદેશ આપીને ભગવાન મહાવીરે એ યુગમાં અઢારે આલમ માટે ઉપદેશ શ્રવણનાં દ્વાર ખોલી આપ્યાં. ભગવાન મહાવીરના પ્રકાંડ પંડિત શિષ્યોએ પણ પાંડિત્યથી ભરેલું, ક્લિષ્ટ અને ન સમજાય તેવું સાહિત્ય લખવાના બદલે આબાલ-વૃદ્ધ અને ગામડાની અભણ સ્ત્રીઓ સુદ્ધાં સમજી શકે એવી ભાષામાં સાહિત્યનું સર્જન કર્યું. ચાર વેદ અને ચૌદ મહાવિદ્યાઓના પારગામી એવા ઇન્દ્રભૂતિ વગેરે અગિયાર મહાપંડિતો પોતાના ૪૪૦૦ શિષ્યો સાથે જ્યારે ભગવાન મહાવીરનાં ચરણોમાં દીક્ષિત થયા ત્યારે દુનિયાને ભગવાન મહાવીરના આધ્યાત્મિક પ્રભાવની અનુભૂતિ થઈ. આવો આધ્યાત્મિક પ્રભાવ પામતાં પહેલાં ભગવાન મહાવીરને ખૂબ સહન કરવું પડયું હતું.

પોતાના સાધનાકાળ દરમ્યાન ભગવાન મહાવીરને તત્કાલીન ભારતીય સમાજે રંજાડવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. અનેક વખત ભગવાન મહાવીરના પ્રાણ લેવાની કોશિશ કરવામાં આવી હતી. તેમની ઉપર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા હતા. ભગવાન મહાવીરને અનેક વખત તેમની સાધનામાંથી ચલિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમને નિર્દોષ ભોજન ન મળે અને એ કારણે તેમને દિવસો સુધી નિરાહાર રહેવું પડે એટલી હદે તેમની સતામણી કરવામાં આવી હતી. કાનમાં કાંટાની શૂળો ખોસી દેવાની ગુસ્તાખી કરનારા લોકો પણ તેમને ભેટી ગયા હતા. આમ છતાં તેમણે અજોડ સમતા દ્વારા સહનશીલતાની પરાકાષ્ઠાનાં દર્શન કરાવ્યાં હતાં.

ભગવાન મહાવીરે પોતાના ઉત્કૃષ્ટ તપોમય આચરણ દ્વારા સામે ચાલીને પોતાની જાતને જાત જાતની આકરી પરીક્ષાઓમાંથી પસાર કરી હતી. ભટ્ઠીમાં તપેલું સોનું જેમ વધુ નિર્મળ થઈને બહાર આવે તેમ ભગવાન મહાવીર દરેક પરીક્ષાઓમાંથી વધુ ને વધુ નિર્મળ થઈને બહાર આવતા હતા. આવી નિર્મળતાની ચરમસીમાએ તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનની અણમોલ આત્મિક સંપદાને પામી શક્યા હતા.

ભગવાન મહાવીરે પોતાના અંગત આચરણ માટે બહુ આકરા માપદંડો નક્કી કર્યા હતા. તેઓ પોતાની જાતને કેવી આકરી કસોટીમાં મૂકવાનું સાહસ કરી શકતા હતા અને તેમાંથી કેવી અપૂર્વ સમતા અને મક્કમતા સાથે પસાર થઈ શકતા હતા એનો એક જ દાખલો કાફી થઈ પડશે.

સાધનાકાળમાં ભગવાન મહાવીર એકવાર મેંઢીયગ્રામથી કૌશાંબીનગરી તરફ જઈ રહ્યા હતા એ વખતે એમણે પોતાની જાતને એક બહુ આકરી અને લગભગ પાર ન પડી શકે તેવી કસોટીમાં મૂકવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય શરતી ભિક્ષા સાથે સંકળાયેલો હતો. જૈન પરિભાષામાં આને અભિગ્રહ કહે છે. એ અભિગ્રહમાં તેમણે ભિક્ષા ગ્રહણ કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિશિષ્ટ શરતો આવરી લીધી હતી. એ શરતો આ રીતની હતી :

  1. દ્રવ્યથી અડદના બાકળાની ભિક્ષા મળે તો જ લેવી, એ બાકળા પણ પાછા સૂપડાના ખૂણે હોય તો જ લેવા,
  2. ક્ષેત્રથી આપનાર વ્યક્તિનો એક પગ ઊંબરાની અંદરની બાજુએ અને બીજો પગ ઊંબરાની બહારની બાજુએ હોવો જોઈએ,
  3. કાળથી ગોચરીની — ભિક્ષા લેવા જવાની — વેળા પતી ગઈ હોવી જોઈએ અને
  4. ભાવથી કોઈ રાજકન્યા દાસત્વને પામી હોય, તેનું મસ્તક મૂંડેલું હોય, તે શરીરે બંધનગ્રસ્ત અવસ્થામાં હોય, તેણે ત્રણ દિવસથી કંઈ ભોજન ન કર્યું હોય, તે રુદન કરતી હોય, તે મને ભિક્ષા આપે તો લેવી.

આવી કપરી શરતો ભિક્ષા માટે નક્કી કરવી અને સ્વાભાવિક રીતે જ તેની કોઈને જાણ પણ ન થવા દેવી એ બહુ આકરી પરીક્ષા છે.

આવા અભિગ્રહ પછી ભગવાને કૌશાંબીનગરીમાં વિચરવાનું ચાલુ રાખ્યું. તેઓ નિયમિત ગોચરી લેવા જતા પરંતુ તેમના અભિગ્રહ મુજબની ગોચરી તેમને મળતી નહીં. ભિક્ષા વિના જ પાછા ફરીને તેઓ તે દિવસે ઉપવાસ કરીને ધ્યાનની મસ્તીમાં ખોવાઈ જતા. આમ ને આમ પાંચ મહિના અને પચ્ચીસ દિવસ નિર્જળા ઉપવાસમાં વીતી ગયા ત્યારે વસુમતી નામની રાજકુમારી જે સંયોગવશ દાસત્વને પામી હતી અને પોતાના શેઠના ઘરે ચંદનબાળા તરીકે ઓળખાતી હતી તેના હાથે ભગવાન મહાવીરના આ કઠોર અભિગ્રહનું સમાપન થયું હતું. ચંદનબાળા કેવી રીતે દાસત્વને પામી હતી એ આખો ઇતિહાસ આ તબક્કે અહીં આલેખવો શક્ય નથી. સમયની અનુકૂળતાએ ક્યારેક એ જોઈશું, પરંતુ આ ઘટનામાં ભગવાન મહાવીર પોતે જ પોતાની જાતની કેવી તાવણી કરતા હતા એ સમજવા મળે છે.

ભગવાન મહાવીરના આ અભિગ્રહને પ્રથમ તીર્થંકર આદિનાથથી લઈને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના ઇતિહાસમાં સૌથી ઊંચા પ્રકારના અભિગ્રહનો દરજ્જો મળ્યો છે.

તપોમય સાધનાપદ્ધતિ, વિચારોની ભૂમિકા ઉપર આચારની સ્થાપના, આંખો મીંચીને કંઈ પણ ન સ્વીકારવાનો પરમ વિવેક, યુક્તિમંડિત વચનોનો આદર, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય સભર જીવનશૈલીનો ઉપદેશ, જરૂરિયાતોનું નિયમન, કોઈ પણ જાતિના સ્ત્રી-પુરુષને એક સરખો મોક્ષનો અધિકાર, અન્યના વિચારોમાં પણ સત્યના અંશના સ્વીકારની મહાન ઉદારતા, સંઘર્ષમય જીવનના બદલે સમન્વયવાદી જીવનની ધારણા વગેરે ભગવાન મહાવીરના ધર્મચક્ર પ્રવર્તનનાં અણમોલ રત્નો છે.

આધુનિક જગતના કેટલાક બુદ્ધિજીવીઓ ‘પસંદગીયુક્ત’ માનવ અધિકારોની વાતો કરે છે ત્યારે ભગવાન મહાવીરે અઢી હજાર વરસ પહેલાં ‘જગતના જીવમાત્રને નિરાપદ જીવનના અક્ષુણ્ણ અધિકાર’ની વાત કરી હતી અને પોતાના જીવનકાળમાં આ વાતને જીવી પણ બતાવી હતી.

જેની આંખોમાં પણ હળાહળ ઝેર હતું એવા ચંડકૌશિક જેવા નાગને સન્માર્ગે લાવવા ભગવાન મહાવીર પોતાની જાતને મૃત્યુના મુખમાં પણ લઈ જવા તૈયાર થયા હતા અને તેના આગઝરતા ફૂંફાડાનો પ્રતિકાર પ્રેમઝરતી કરુણાથી કરીને ચંડકૌશિકના અંતરમનને જીતી લઈને તેના જીવનમાં પરિવર્તન લાવીને તેનો નિસ્તાર કરનારા બન્યા હતા.

‘શસ્ત્રો અને હથિયારો વિનાના આ ભગવાન’ના સિદ્ધાંતોના જ પ્રભાવ નીચે ઉત્તરકાળમાં હિંસાવાદી ધર્મોને પણ અહિંસાનાં ગાણાં ગાવા માટે મજબૂર થવું પડયું એ ભગવાન મહાવીરના જીવનની અજોડ સિદ્ધિ છે.

આગમનો આસ્વાદ : મધનો ઘડો અને ઝેરનો ઘડો

Published 30 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

મધનો ઘડો અને ઝેરનો ઘડો
■ મુનિ મિત્રાનંદસાગર
•••

શ્રમણ ભગવાન મહાવીરે જગતની વિવિધતાઓ અને વિચિત્રતાઓ ઉપર ખૂબ જ વિશદ પ્રકાશ પાડ્યો છે. સ્થાનાંગસૂત્રમાં તેમણે જગતના જીવોનું જે સ્વરૂપદર્શન કરાવ્યું છે તે જ્ઞાનદાયક તો છે જ, ઉપરાંત આનંદદાયક પણ છે.

મધ અને ઝેરના ઘડાની ઉપમા દ્વારા ભગવાને માણસના અંતઃકરણનું દર્શન કરાવ્યું છે તે જોવા જેવું છે.

૧. એક ઘડો એવો હોય જેમાં મધ ભરેલું હોય. આનું ઢાંકણ પણ મધુર હોય.

૨. એક ઘડો એવો હોય જેમાં મધ તો ભરેલું હોય પણ તેનું ઢાંકણ ઝેરી હોય.

૩. એક ઘડો એવો હોય જેમાં આમ તો ઝેર ભરેલું હોય પણ તેનું ઢાંકણ મધુર હોય.

૪. એક ઘડો એવો હોય જેમાં ઝેર તો ભરેલું હોય જ પરંતુ તેનું ઢાંકણ પણ ઝેરી હોય.

આમ કહીને ભગવાને લોકોના પ્રકારો પાડ્યા. તેમણે કહ્યું કે ચાર પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો એવા હોય જેના હૈયે પાપ કે ક્લેશ ન હોય અને તેમની જીભે પણ પાપ કે ક્લેશ ન હોય. મતલબ કે તેઓ હૈયે પણ મધુર, નિષ્પાપ, ક્લેશ વગરના હોય અને બોલચાલમાં ય મધુર, નિષ્પાપ, ક્લેશ વગરના હોય. આ પહેલા પ્રકારના ઘડા જેવા માણસો થયા. બહુ જ ઊંચાઈ ઉપર પહોંચેલા અત્યંત ખાનદાન માણસો આ વર્ગમાં આવે.

કેટલાક લોકોના હૈયે તો પાપ કે ક્લેશ ન હોય પણ બોલવામાં તેઓ બહુ આકરા હોય. આ બીજા પ્રકારના ઘડા જેવા લોકો થયા. પેટમાં પાપ નહીં, પણ ભડભડીયા લોકો આ વર્ગમાં આવે! મનના ચોખ્ખા, પણ તડને ફડ કરી નાખે!

કેટલાક લોકો એવા હોય જેઓ બોલચાલમાં તો મીઠા મધ જેવા હોય, પરંતુ તેમના મનમાં છલોછલ પાપ ભરેલું હોય. આવા લોકો મધુર ઢાંકણવાળા ઝેર ભરેલા ઘડા જેવા હોય. મુખમેં રામ બગલમેં છુરી જેવા માણસો! આમનું પનારૂં પડે એને દેખીતા દુશ્મનોની કોઈ જ જરૂર નહીં! પીઠ પાછળ ક્યારે ઘા કરી નાખે તે ખ્યાલમાંય ન આવે! દેખીતા દુશ્મનથી તો માણસ સાવધાન પણ રહી શકે. આ તો મિત્ર બનીને શત્રુધર્મ અદા કરે!

હવે સૌથી છેલ્લા પ્રકારના લોકો. આ લોકો અંદરથીયે પાપી હોય અને બોલવામાંય કડવાઝેર હોય! આ વર્ગના લોકો ચોથા ઘડા જેવા ગણાય. બધી વાતે પૂરા!

ભગવાન મહાવીરનાં વચનો એટલે માત્ર કોરૂં અને શુષ્ક તત્ત્વજ્ઞાન કે કેવળ કઠોર આચાર વિચારનું નિરૂપણ એવું નહીં, એમાં તો ધબકતા હૈયાની અનુભવવાણીનો પ્રકાશ પણ એટલો જ મળે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના મે, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત