ભગવાન

All posts tagged ભગવાન

આંખ આડા કાન : શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ અટકાવી ન શકાય?

Published 27 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ
અટકાવી ન શકાય?

મુનિ મિત્રાનંદસાગર
• • •

નોંધ : મૂળ લખાણનો સંક્ષેપ અને ક્વચિત્ શાબ્દિક ફેરફાર.

જૈનધર્મ અત્યારે કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે હમણાં જ શ્રમણ ભગવાન મહાવીરનું ૨૬૦૦મું જન્મકલ્યાણક ઊજવ્યું. ૨૬૦૦ વરસના ઇતિહાસમાં દુનિયામાં આમૂલચૂલ પરિવર્તનો આવ્યાં છે. દુનિયા ખૂબ સાંકડી થઈ ગઈ છે. પરિવર્તનો, આપણને ગમે કે ન ગમે, થયાં જ કરતાં હોય છે. એમાંનાં કેટલાંક ઇચ્છનીય પણ હોય છે, કેટલાંક અનિચ્છનીય પણ હોય છે. કયાં પરિવર્તનો ઇચ્છનીય છે અને કયાં નહીં, તેની ચર્ચામાં આપણે નહીં પડીએ. આપણે જે વિચારવું છે તે મુદ્દો અલગ છે.

આજે જૈનધર્મને ખૂબ બધો લૂણો લાગ્યો છે. મોટામાં મોટું પરિવર્તન તો એ આવ્યું છે કે જૈનધર્મના મુખ્ય આધાર સમા સાધુ-સાધ્વીજી ભગવંતોની સંખ્યા વધી છે પણ ગુણવત્તા ઘટી છે. અભ્યાસના ક્ષેત્રે સાધુઓનું પોત ઝાંખું પડે છે. વાદવિવાદોનો યુગ હવે રહ્યો નથી એ આજની શ્રમણપેઢી માટે છૂપો આશીર્વાદ છે. બાકી અત્યારે જે જાતનો કાચો અભ્યાસ કરીને બની ગયેલા આચાર્યો છે તે સ્થિતિમાં જો શાસ્ત્રાધારે વાદવિવાદ કરવાનો થાય તો પરિણામો ચોંકાવનારાં આવે એમ નિખાલસતાથી કબૂલ કરવું જ પડે.

યોગ્ય અભ્યાસ વિના જ આચાર્ય બની ગયેલા અને ટૂંક સમયમાં આચાર્ય બનનારા એવા જ સાધુઓને ઓચિંતાં જ પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાનાં નામો પૂછવામાં આવે તો સોએ પંચાણુને તત્કાલ ‘સ્થંડિલ’ જવું પડે! કંપાઉન્ડર કદાચ ડૉક્ટરનો લેબાસ પહેરી લે તો દર્દીને નુકસાન થાય પણ ખરૂં અને ન પણ થાય. પરંતુ અભ્યાસહીન આ પ્રકારના ‘વિદ્વાન’ સાધુ જો આચાર્ય બની જાય તો જૈનધર્મના વિનાશ માટે આપણે પશ્ચિમી સંસ્કૃતિના મોહતાજ નહીં રહેવું પડે!

સાધુસંસ્થામાં અભ્યાસના ક્ષેત્રની જેમ આચરણના ક્ષેત્રે પણ ઘણાં મોટાં ગાબડાં દેખાય છે.

હમણાં એક સુપ્રસિદ્ધ જૈનાચાર્યે જૈન સાધુઓની ટીકા કરનારા લોકોને હંટરથી ફટકારવાનું એલાન કર્યું! એમણે એક અક્ષર પણ એવો ન કહ્યો કે જૈન સાધુઓએ પણ પોતાની ટીકા ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. વિના કારણે ટીકા કરવાનો કોઈને શોખ નથી હોતો. ટીકા, જો વાજબી હોય તો ખુલ્લા દિલે આવકારવાની વૃત્તિ કેળવવી પડશે. ‘સાધુઓનું આચરણ જ એવું હોવું જોઈએ કે કોઈને ટીકા કરવાનું મન ન થાય’ એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું હોત તો એમની ગરિમા વધી હોત. શું એમના પોતાના શિષ્યોએ ક્યારેય અન્ય મુનિવરોની ગેરવાજબી નિંદા નથી કરી એમ તેઓ છાતી ઉપર હાથ મૂકીને કહી શકશે ખરા? તો પછી તો પેલા હંટરથી ફટકારવાના એલાનનું શું? આવું એલાન એ પગ નીચે આવતા રેલાને અટકાવવાની અગમચેતી તો નથી ને!

આપણે સમજવું પડશે કે અવર્ણવાદ અને ટીકા બન્ને અલગ બાબતો છે. સર્વસામાન્ય અર્થમાં સાધુઓની નિંદા એ અવર્ણવાદ હોઈ શકે. પરંતુ કોઈ ચોક્કસ કારણસર કરાતી ટીકા પણ હંટરથી મારવાની શિક્ષાને પાત્ર ગુનો બને? જે ઉઘાડેછોગ ખોટું હોય તે પણ જોયે જ રાખવાનું? બોલવાનું જ નહીં?

એક દાખલો જોઈએ : (પાઘડી બંધબેસતી આવતી હોય તો યોગાનુયોગ ગણી લેવો.) એક શિષ્ય કે જે અનાચારની હદ વટાવી ગયો હોય, દિવસે ઉપવાસ અને રાતના ખાણીપીણીના ગોરખધંધા કરતો હોય, વરસીતપના નામે લોકોને છેતરતો હોય, સ્ત્રીઓને પટાવવામાંથી નવરો ન પડતો હોય; આવા શિષ્યનાં કુકર્મોની જાણ તેના ગુરુને કરવામાં આવે ત્યારે તેના ગુરુએ શું કરવું જોઈએ?

  ૧. તેને છેદ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ?

  ૨. તેને ઠપકો આપીને એક ગામથી બીજે ગામ મોકલી દેવો જોઈએ?

  ૩. તે, એવા જ દુરાચારી, બનાવટી સાધુ સાથે રહેતો હોય તેનાથી છૂટો પાડી દઈને તેને બીજા સાધુ સાથે મોકલી દેવો જોઈએ?

  ૪. બહાર આવેલી ઘટનાઓને પૈસાથી દબાવી દે એમ પોતાના શિષ્યને કહેવું જોઈએ?

  ૫. ‘મારા શિષ્યો આવું કરે જ નહીં’ એમ કહીને વાતનો વીંટો વાળી દેવો જોઈએ?

  ૬. શિષ્યના ‘કુકર્મની જાણ કરનાર’ને હંટરથી ફટકારવો જોઈએ?

કહેવાનો મુદ્દો એટલો જ છે કે સાધુઓ ખૂબ અભ્યાસી બને અને વર્તમાન પરિસ્થિતિમાં જેટલો શક્ય હોય એટલો ઉત્તમ આચાર પાળે એ સમયની જરૂરિયાત છે. કુપાત્ર સાધુઓનાં કુકર્મોને ગંભીર અપરાધ માનવો જોઈએ.

ખરેખર તો આડેધડ થતી દીક્ષાઓ ઉપર અને આડેધડ થતી પદવીઓ ઉપર લગામ તાણવાની જરૂરત છે. નવકાર મંત્રના અડસઠ અક્ષરો પણ ભૂલચૂક વગર લખી ન શકે એવા આચાર્યોની જૈન શાસનને કોઈ જરૂર નથી. જેના દુષ્ટ આચરણનો બચાવ કરવા ધનશક્તિને વચ્ચે લાવવી પડે એવા સાધુઓની પણ જૈન શાસનને કોઈ જરૂર નથી. આવા બનાવટી સાધુઓને હાંકી કાઢવાથી જૈનશાસન રસાતળ નહીં જાય!

જૈનધર્મમાં આચાર્યોની અને સાધુઓની સંખ્યા કેટલી છે તેનું કોઈ મહત્ત્વ નથી (હોવું પણ ન જોઈએ). સારા, જ્ઞાની, બહુશ્રુત અને પ્રભાવક આચાર્યો અને ઉત્તમ સાધુઓ કેટલા છે એનું મહત્ત્વ છે.

કોને પદવી આપવી, કોને ન આપવી, કોને દીક્ષા આપવી, કોને ન આપવી વગેરે જિનશાસનના હાર્દને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પરત્વે ચોક્કસ પ્રકારના અને દરેક આચાર્યાદિ મુનિઓને બાધ્ય બને એવા નિયમો અને માર્ગરેખાઓ ઘડી કાઢવા માટે કોઈ ચોક્કસ સમુદાય પ્રત્યે અણગમો કે પૂર્વાગ્રહ રાખ્યા વગર સાચા અર્થમાં અખિલ ભારતીય કક્ષાનું સમગ્ર જૈન મુનિઓનું મહાસમ્મેલન બોલાવવાની ખાસ જરૂર છે.

આવા ગંભીર મુદ્દાઓને પણ જે તે સમુદાય કે વ્યક્તિનો પ્રશ્ન ગણીને તેની ઉપર વિચાર કરવાના બદલે આંખ આડા કાન કરશું તો ભવિષ્યની પેઢીની દુર્દશાની જવાબદારી આજની પેઢીની જ ગણાશે એ ચોક્કસ છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

ચિંતન : ત્યાગ : શ્રમણ ભગવાન મહાવીરની નજરે

Published 24 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

ત્યાગ : શ્રમણ ભગવાન મહાવીરની નજરે

મુનિ મિત્રાનંદસાગર
• • •

वत्थ-गंधमलंकारं इत्थीओ सयणाणि य।
अच्छंदा जे न भुंजंति न से चाइ त्ति वुच्चइ॥

जे य कंते पिए भोए लद्धे विप्पिट्ठि कुव्वई।
साहीणे चयई भोए से हु चाइ त्ति वुच्चइ॥

— દશવૈકાલિક સૂત્ર અ. ૨, ગા. ૨-૩

‘ન મળી નારી એટલે થયા બ્રહ્મચારી’ પ્રકારનો સંન્યાસ એ શ્રામણ્ય નથી આ વાતનો પડઘો દશવૈકાલિકમાં દેખાય છે, ‘વસ્ત્રો, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ, સુખશય્યાઓ ન મળવાથી તે પદાર્થો ન ભોગવવાથી કંઈ ત્યાગી થઈ ગયા એમ કહેવાય નહીં, અથવા એ પદાર્થો ઉપલબ્ધ હોય તો પણ બિમારી કે એવાં અન્ય કારણોસર એ પદાર્થો ન ભોગવી શકાય એવી પરવશતા ઊભી થાય તેથી પણ કંઈ ત્યાગી થઈ ગયા એમ માની શકાય નહીં.’ તો પછી ત્યાગી કોને કહેવાય? ‘મનપસંદ અને પ્રિય એવા ભોગપદાર્થો હાથવગા હોવા છતાં અને તે પદાર્થો ભોગવવાની અનુકૂળતા હોવા છતાં તેનો ત્યાગ કરી દે તે ત્યાગી કહેવાય છે.’

અહીં એક પ્રશ્ન ઊભો થવાને અવકાશ રહે છે : કોઈ વ્યક્તિ પાસે ભોગનાં સાધનો પ્રાપ્ત કરવા જેવું આર્થિક સામર્થ્ય ન હોય અને તેને ગુરુગમથી અથવા અન્ય રીતે શુદ્ધ વૈરાગ્ય પ્રાપ્ત થાય અને તે મુનિ બને તો તે પણ ત્યાગી ન ગણાય ને? કારણ કે તેની પાસે ભોગનાં સાધનો હતાં જ નહીં, માટે દશવૈકાલિકના ઉપરોક્ત કથન અનુસાર તો તે ત્યાગીની ગણતરીમાં આવશે નહીં.

આનો ખૂબ સુંદર પ્રત્યુત્તર આપણા પૂર્વાચાર્યોએ એક કથાના માધ્યમથી આપ્યો છે, કથાનો સાર કંઈક આવો છે —

એક કઠિયારાએ સુધર્મા ગણધર પાસે દીક્ષા લીધી. લોકો આ મુનિને ચીડવવા લાગ્યા : ‘એ તો ખાવા નહોતું મળતું એટલે સાધુ થઈ ગયા.’ મુનિએ ગુરુદેવને કહ્યું કે આપણે અન્યત્ર ચાલ્યા જઈએ, કારણ કે અહીંના લોકો વિના કારણે નિંદા કરે છે. મહામંત્રી અભયકુમારના કાને આ વાત આવતાં તેમણે એક ઉપાય કર્યો, એમણે નગરના ચોકમાં રત્નોનો એક મોટો ઢગલો કરાવ્યો અને પછી ઘોષણા કરાવી કે અભયકુમારની શરત જે સ્વીકારશે તેને આ બધાં રત્નો આપી દેવામાં આવશે. શરત આવી હતી : ‘આ રત્નોની અપેક્ષા રાખનારે કાયમ માટે અગ્નિ, સચિત્ત પાણી અને સ્ત્રી એ ત્રણેનો ત્યાગ કરી દેવાનો.’ સ્વાભાવિક રીતે જ રત્નો લેવા કોઈ તૈયાર ન થયું, કારણ કે શરતમાં જણાવેલ વસ્તુઓ છોડી દેવાની હોય તો એકલાં રત્નોને શું કરવાનાં? અભયકુમારે પેલા કઠિયારા મુનિને કહ્યું કે ‘તમારામાં મારી શરત પૂરી થાય છે માટે તમે આ રત્નો લઈ લો’ ત્યારે નિઃસ્પૃહી મુનિએ પરિગ્રહની અસારતા દર્શાવીને તે લેવાની ના પાડી. અભયકુમારની આ રીતની સમજાવટથી ટીકાખોર લોકોને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો.

તાત્પર્ય એ છે કે પદાર્થોનો ત્યાગ કરતી વખતે તેની પાછળ કઈ દૃષ્ટિ છે તે પણ જોવું જોઈએ.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના એપ્રિલ, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

પ્રાસંગિક : ઝીણાનું ભૂત

Published 27 ઓગસ્ટ, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

સુરેશભાઈ જાની (ગદ્યસૂર)નો ઇ-મેઇલ અને તે અંગે મારા વિચારો

મુનિ મિત્રાનંદસાગર
• • •

 

નોંધ : સુરેશભાઈના પત્રમાં જોડણી વગેરે કશું બદલ્યું નથી. જેમ છે તેમ ‘અક્ષરશઃ’ રજૂ કર્યું છે. -મિ.સા.

જીન્નનું ભૂત કોંગ્રેસીઓને હજુ પણ ધૂણાવે છે.

જીન્નાની જસવંત સિંહે કરેલી પ્રશંસા એ કોઇ નવી વાત નથી. આ પહેલાં શ્રી અડવાણીજી પાકિસ્તાનમાં તેમની કબર ઉપર પૂષ્પ અર્પણ કરી આવ્યા હતા. મૌલાના આઝાદે પણ કોંગ્રેસી હોવા છતાં ભાગલા માટે જીન્ના ઉપરાંત જવાહરલાલ નહેરુ અને વાલ્લભાઈ પટેલને દોષી માનેલા. હવે એ વાત કંઈ ગોપિત નથી કે જીન્ના અને નહેરુ રાજકીય પ્રતિસ્પર્ધી હતા. બંને ને દેશના નંબર વન સત્તાધારી બનવું હતું. નહેરુ માલદાર હતા. કોંગ્રેસમાં પોતાના પિતાશ્રીની ભલામણથી શ્રેષ્ઠ વગ ધરાવતા હતા. આનંદ ભાવનમાં બધાને વિસામો આપી શકતા હતા અને તેમને સર્વધર્મોમાં દેશભરમાં મિત્રો હતા. જીન્ના પ્રખરબુદ્ધીશાળી, વ્યુહરચના વાળા અને જુસ્સાદાર વ્યાખ્યાનકાર હતા. તેમના પણ અસંખ્ય પ્રશંસકો હતા. તેમને લોંદાબાજીમાં રસ નહતો. અને તેમણે લોંદાબાજોને તેમની આસપાસ એકઠા પણ કર્યા નહતા. તેમની પણ જ્વલંત કારકીર્દી હતી અને તેમને પણ ગાંધીજી અને વલ્લભભાઈ પટેલની જેમ પોતાની કારકીર્દી ઉપર જ વિશ્વાસ હતો. ૧૯૪૨-૧૯૪૭ની પહેલાં જીન્ના ઘણા લોકપ્રિય હતા. તેમની કાર્યશૈલી ભેદભાવરહિતની હતી અને તેઓ આમ તો ધર્મનિરપેક્ષ જ હતા. ગાંધીજીએ કદી તેમને હિન્દુઓના દ્રોહી કે એવા કોઈ વિશેષણોથી નવાજ્યા ન હતા.

રાજકારણમાં નંબર વન રહેવાની ઈચ્છા રાખવી એ કોઈ ગુનો ન હતો. ફેડરલ નેશનલ યુનીયન ની વાત કેમ દબાઈ ગઈ તે એક સંશોધનનો વિષય છે. પણ જ્યાં સુધી નહેરુ વંશની સરકાર હશે ત્યાં સુધી આ વિષય ઉપર સંશોધન થઈ શકશે નહીં જેમ સુભાષબાબુનું મૃત્યુ આજ સુધી રહસ્યમય છે તેમ ફેડરલ નેશનની વાત કેમ દબાઈ ગયેલી તે પણ રહસ્યમય વાત જ રહેશે. સંભવ છે કે આમાં નહેરુ અને તેથી કરીને મહાત્મા ગાંધીનો હિસ્સો હોય. પણ સત્યનું બીજ તમે ગમે તેટલું ઉંડે દાટો તો પણ ક્યારેક તો કૂંપળ ફુટશે જ અને ઝાડ બનશે. પછી ભલે તે જીન્નાની ૧૯૪૨ પૂર્વેની કારકીર્દીને દબાવીને નહેરુ અને તેના વંશજોને લોંદા મારવાની વાત હોય કે સુભાષ બાબુના મૃત્યુની વાત હોય કે ફેડરલ દેશની રચનાની વાત હોય.

બીજેપીના અમૂક નેતાઓને અને કોંગ્રેસીઓને જીન્નાના નામમાત્રથી કેમ સુગ છે? બીજેપીની વાત સમજી શકાય છે. કારણ કે જીન્નાના નામનો નહેરુવંશના શાસનમાં ચાતૂર્યપૂર્વક અને હેતુ પૂર્વક બધાજ ઐતિહાસિક પૂસ્તકોમાં અપપ્રચાર કરવામાં આવ્યો છે. જીન્ના એટલે હિંદુભક્ષી રાક્ષસ.

શું એવું લાગે છે કે કોંગ્રેસી મુસ્લીમોમાં પણ કોઇ જીન્ના જે સંજોગાઓમાં હતા, અને જીન્નાને તેમના સંજોગોના પરિપેક્ષ્યમાં પ્રમાણભૂત રીતે સમજી શકે તેવું રહ્યું નથી? શું બધાજ મુસ્લિમો પાકિસ્તાન ભેગા થઈ ગયા છે? કદાચ પાકિસ્તાનમાં પ્રમાણભૂત પૂસ્તકો હશે.

તમે ઈતિહાસને નકારી નશકો. આ વાત કોંગ્રેસ અને આર એસ એસ બન્નેએ સમજી લેવી જોઇએ. આર.એસ.એસ.ને બીજેપી ઉપર પ્રભૂત્વ જોઇતું હશે. અને તેથી તે “તું જો મારું પ્રભૂત્વ ન સ્વિકારે તો ભલે હું વિધવા થાઉં પણ તને તો મરણને શરણ કરું” એ આધારે તે વી.એચ.પી.નો સાથ લઇ બીજેપી ને નુકશાન કરતું આવ્યું છે. આર.એસ.એસ. અને વી.એચ.પી. જો બીજેપી ને પૂરો સાથ આપે તો ૮૦ ટકા હિંદુઓના દેશમાં કોંગ્રેસનો કે કોઇ પણ દંભી સેક્યુલરોનો ગજ જ ન વાગે. ભલેને પ્રચાર માધ્યમો ગમેતેટલી કોંગ્રેસની બાગભાટાઇ કરે અને બીજેપીની બદબોઇ કરે. ૨૦૦૭ના ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આર.એસ.એસ., વીએચપી, સમાચાર પ્રસાર મધ્યમો, બાગી બીજેપી નેતાઓ અને જ્ઞાતીપ્રિય નેતાઓ સૌકોઇ કોંગ્રેસ સાથે નરેન્દ્રમોદી ઉપર તૂટી પડેલા.

યાદ કરો ૧૯૭૪-૯૫ જેમાં ફક્ત સમાચાર માધ્યમો જ ચિમનભાઈ પટેલ ઉપર તૂટી પડેલા તો ચિમનભાઇ પટેલ ૧૯૪૦માંથી ફક્ત ૧૨ સીટ જ લાવી શકેલ. જ્યારે સાગર મટે ઉમટેલો વિરોધ છતાં નરેન્દ્ર મોદી ૧૧૭ બેઠકો જીતી લાવેલ. કારણ કે અંતે તો સત્યરુપી કારકીર્દી જ બોલે છે.

જીન્નની તરફમાં બોલવું એ કંઈ અજુગતું કે પાપ નગણાવી શકાય.શું પાકિસ્તાનમાં કોઇ ગાંધીજીની પ્રશંસા કરે તેને આપણે પાપ ગણીશું? કોંગ્રેસ જેટલું પાણી પીવડાવે તેટલું જ પાણી આપણે પીવું નજોઇએ.આપણે ભીન્ન ભીન્ન માપદંડ ન ધરાવી શકીએ.

નરેન્દ્ર મોદીએ તો જસવંત સિંહના પૂસ્તક ઉપર પ્રતિબંધ લગાવી દીધો. આમકરીને તેમણે આંદોલનપ્રિય કોંગ્રેસીઓના ખટારાના પૈડાઓની હવા કાઢી નાખી છે. હવે જ્યારે કોંગ્રેસીઓ અડવાણીને ગુજરાતમાં પ્રવેશવા નહી દઇએ એમ કહે છે ત્યારે વરવું અને અજુગતું લાગે છે. કોઇ પાકિસ્તાની નેતા ગાંધીજીની સમાધીઉપર પૂષ્પ અર્પણ કરે અને પાકિસ્તાનીઓ કદાચ તેને દ્રોહી સમજે તો પાકિસ્તાનની તે વાતને આપણે યોગ્ય સમજીશું?

અને અડવાણીના બનાવવાળી વાત કંઇ નવી વાત રહી નથી. એ પછી તો, ગંગા, જમના, બ્રહ્મપૂત્રા જ નહી પણ સાબરમતી અને નર્મદામાં પણ ઘણા પાણી વહી ગયાં. નર્મદાનું પાણી સરસ્વતી માં પણ આવી ગયું. અડવાણી અનેક વાર ગુજરાતમાં આવી ગયા મહેમાનગતિમાણી ગયા અને અડવાણી ગાંધીનગરમાંથી ચૂટણી જીતી પણ ગયા. અને કોંગ્રેસને શું હવે જ સ્ફુર્યું કે અડવાણીને ગુજરાતમાં ન આવવા દઇએ કારણ કે શુભ મૂહુર્ત હવે જ આવ્યું છે?

પણ કોંગ્રેસ આંદોલન પ્રિય છે અને અફવાઓ ફેલાવીને પણ પ્રસાર માધ્યમો થકી લાઇમ લાઇટમાં રહેવામાં તેને કશું અજુગતું લાગતું નથી. પણ તેણે લીધેલો આ જીન્નાનો મુદ્દો તેને બુમરેંગ થઇને વાગે તેવો છે તેનાથી તે બેવકૂફ હોવાને કારણે અજાણ છે.

સંસ્કૃત નો એક શ્લોક યાદ આવે છે. “મર્કટસ્ય સુરાપાનં, તસ્મિન વૃશ્ચિક દંશનં, તન્મધ્યે ભૂતસંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ.”

એક તો મૂળે વાંદરો, તેમાં વળી તે દારુ પીવે, અને વળી તેને વીંછી કરડે, વળી પાછું તેને ભૂત દેખાય તો તેની શી દશા થાય?

આ વાત ગુજરાતના નહેરુવીયન કોંગ્રેસી બંધુઓને ખાસ લાગુ પડે છે. અને વળી નૂતન કોંગ્રેસીઓ તેમાં ભળ્યા પછી રસ્તા ઉપર આવીને નાચ કરવાનું શાને મૂકી શકે?

***

સુરેશભાઈના વિચારો અંગે મારો પ્રતિભાવ

માનનીય શ્રી સુરેશભાઈ,

આપના વિચારો ઇ-મેઇલથી મોકલવા બદલ ઋણી છું.

‘મોહમ્મદ અલી ઝીણાને સામા અંતિમે જવા માટે મજબૂર કરનાર કોણ’ એ પ્રશ્નનો પ્રામાણિક જવાબ મળી જાય તો ભારતના આઝાદી આંદોલનથી લઈને અત્યાર સુધીના રાજકીય પ્રવાહોને કોઈ પણ પૂર્વાગ્રહ વગર સમજવાનું આસાન બની જાય એમ છે.

સાચો જવાબ ન આજના હિન્દુઓને ગમશે, ન મુસ્લિમોને ગમશે, કે ન તો કોંગ્રેસ કે ભાજપા સહિતના કોઈ રાજકીય પક્ષને પણ ગમશે.

દિનકર જોશીએ આ પ્રશ્નનો જવાબ શોધવાની મથામણ કરી છે. એક વાર એમનું પુસ્તક ‘પ્રતિનાયક’ વાંચવાની ભલામણ કરવાનું મન થાય છે.

…અને ભાજપા પાસે તો આમ પણ આઇડિયોલોજી જેવું કશું ક્યાં છે. સાત બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી તેમના ઇતિહાસ સાથે જોઈ લો એટલે સમજાઈ જશે કે ભાજપા શું છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં જે પ્રજાએ ગુનાખોરીના સમ્રાટને ઘેર બેસાડી દીધા હતા એ જ કલંકિત ગુનાખોરને ફરીથી વિધાનસભામાં મોકલવાનું ન.મો.નું ઝનૂન શું પૂરવાર કરવા માગે છે એ સમજવા માટે પોલિટિકલ સાયન્સના અભ્યાસની જરૂર પડે એમ નથી અને સત્તાની લાલસામાં ભારતભરમાં ‘કેવા કેવા’ સાથીદારો સાથે આ પાર્ટીએ ઘર માંડ્યાં હતાં એનો ઇતિહાસ કંઈ બહુ જૂનો નથી.

નહેરૂના પરિવારવાદનો વિરોધ કરનારા આ પક્ષનો સવાયો પરિવારવાદ જોવો હોય તો એકવાર સમય કાઢીને ભારત અને ગુજરાતની મુલાકાત લેજો.

૧૧૭ બેઠકો લઈ આવ્યાની વાતો કરાય છે પરંતુ જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂ જેવો બેદાગ ચહેરો તેમની સાથે હોવા છતાં ધોબીપછાડ ખાવી પડી અને ભાજપના ઉદ્‌ગમકાળથી સાથે રહેલા રાજકોટે જાકારો આપ્યો એ બાબત ઘણું બધું કહી જાય છે. મશરૂભાઈએ બીજેપી સાથે ઘર ન માંડ્યું હોત તો એમની ઇમેજને આવો મોટો ફટકો કદી ન વાગ્યો હોત. આ ઇન્દુલાલ યાજ્ઞિક, તાજ વિનાના સૂબા જયંતી દલાલ અને આરઝી હકૂમતના વીરનાયકોવાળું ગુજરાત છે, એ કોની સાથે ક્યારે શું કરશે એની ખબર તો ખુદ ભગવાનનેય નથી હોતી. જે ચીમનભાઈની બાર સીટો માટે લખ્યું છે એ જ ચીમનભાઈને ધક્કા મારીને કાઢી મૂકનાર અહીંની પ્રજાએ ફરી હૃદયસિંહાસન અને રાજસિંહાસન ઉપર બેસાડ્યા હતા એ ઘટના કંઈ બહુ જૂની થઈ ગઈ નથી. ચીમનભાઈ ગુજરી ગયા ત્યારે મુખ્યમંત્રીની પોસ્ટ ઉપર હતા…

દૂર બેઠેલાને ડૂંગરા રળિયામણા લાગે, ગુજરાતમાં રહેનાર જાણે છે કે જોડો ક્યાં ડંખે છે. અહીંના લોકો તો હવે ભાજપાને ભગવી કોંગ્રેસ કહેતા થઈ ગયા છે. (હવે કદાચ આ ‘બીજેપી’નું ભારતીય જિન્નાહ પાર્ટી નામકરણ થાય તો પણ નવાઈ નહીં.)

જશવંતસિંહના પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકવાના મામલે નરેન્દ્ર મોદીએ ‘આંદોલનપ્રિય કોંગ્રેસીઓના ખટારાના પૈડાઓની હવા કાઢી નાખી’ એમ લખીને રાજી થવાનો કોઈ અર્થ નથી, કેમકે આવનારા દિવસોમાં ગુજરાત હાઇકોર્ટ એ પુસ્તક ઉપરના સ્ટાલિન સ્ટાઇલના ગેરકાનૂની પ્રતિબંધને હટાવીને નરેન્દ્ર મોદીને સણસણતો તમાચો મારશે ત્યારે કમ્મરેથી બેવડ વળી ગયેલા અને તમ્મર ખાઈ ગયેલા નરેન્દ્રભાઈનાં કાર્ટૂનો એ લોકો જ બનાવશે જે લોકોએ એમનામાં હવા ભરી દીધી છે.

બલરાજ મધોકથી લઈને જશવંતસિંહ સુધીનો ઇતિહાસ તપાસવાથી ખ્યાલ આવે છે કે આ ‘પાર્ટી વિથ ડિફરંસ’ એટલે શું!!!

અને છેલ્લે, કરંટ ટોપિક ઉપર દીપક સોલિયાનો લેખ વાંચવાની ખાસ ભલામણ કરૂં છું (‘ઇતિહાસ અપના અપના’, દિવ્ય ભાસ્કર, અમદાવાદ આવૃત્તિ, તા. ૨૪ ઓગસ્ટ ૨૦૦૯). ઝીણા-જશવંત મામલે, આ કે તે પ્રવાહમાં તણાયા વગર, આટલું બધું સંતુલિત લખાણ, ભાગ્યે જ કોઈ કલમજીવીએ કર્યું હશે.

આપના લખાણમાં કેટલીક બાબતે અસંમત થવા બદલ ક્ષમાપ્રાર્થી છું.

— શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર