જ્ઞાન

All posts tagged જ્ઞાન

પ્રાસંગિક : નૂતન વર્ષે નવી આષી

Published 19 ઓક્ટોબર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

નૂતન વર્ષે નવી આષી
■ મુનિ મિત્રાનંદસાગર
•••

નૂતન વરસ આવે એટલે માનવહૈયાં હિલોળે ચડે, ઘેર ઘેર પ્રસન્નતાના પમરાટ રેલાય, ઘરઘરમાં આનંદના ઉદધિ ઊછળે.

નવું વરસ એટલે નવું જીવન…

નવું વરસ એટલે નવાં સ્વપ્નો…

નવું વરસ એટલે નવી ઊર્મિ…

નવું વરસ એટલે નવા ઉમંગોને સાકાર કરવાની નવી ઘડી…

આવું નૂતન વરસ આવે ત્યારે સાલમુબારક થાય, અભિનંદનોની આપલે થાય, ‘નૂતન વર્ષાભિનંદન’નો ધોધ વહે, જૂની મૈત્રી તાજી થાય, મોં મીઠું થાય, બાળકોને વડીલોના આશીષ મળે, વડીલો ગુરુજનોના આશીષ મેળવે અને ગુરુજનો તો મંગલકામના વ્યક્ત કરે જ. આવી ઉમંગની પળે કવિજીવ પણ ઝાલ્યો રહે ખરો? એ પણ અભિનંદનોની હારમાળામાં પોતાનો સૂર પૂરાવે! આવા જ એક કવિરાજની મીઠી વાણી, મંગલ આશીષ આપણે ઝીલીએ.

આ કવિ એટલે ગઈ સદીની અજોડ પ્રતિભા, અદ્‌ભુત વ્યક્તિત્વના સ્વામી અને જનહિતના કામી એવા પૂજનીય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ!

એમનું નામ પણ મંગલ…

એમના આશીષ પણ મંગલ…

સાધુચરિત કવિ તો સર્વનાં આનંદ, મંગલ, સુખ, અમન, ચેન, શાંતિ અને હિતની જ કામના કરે. એમના જ શબ્દોમાં :

       સદા આનંદની ચઢતી, સદા મંગલ સહુ હોજો;
       જગતમાં શાંતિ સહુ પામો, નૂતન વર્ષે નવી આષી…

કવિની ભાવના તો આકાશને આંબે છે. એ ઇચ્છે છે સંઘર્ષોની સમાપ્તિ, મૈત્રીની પ્રાપ્તિ, ઘરઘરમાં દયાનું શાસન, અહિંસાની પ્રતિષ્ઠા, અને વિશેષ તો જ્ઞાનનાં અજવાળાં હૈયેહૈયામાં પથરાય એવી પ્રાંજલ કામના…

એટલે જ તો એ ગાઈ ઊઠે છે :

       શમો ઝઘડા વધો મૈત્રી, દયાનું રાજ્ય વર્તાજો;
       વધોને જ્ઞાનની જ્યોતિ, નૂતન વર્ષે નવી આષી…

ગત વર્ષની આપત્તિઓનો અંત આવે, દુઃખો ટળી જાય અને એ રીતે માનવમાત્ર સુખી બનીને સરસ મજાનાં ધર્મકાર્યો કરે, સત્યના રાહે આગળ વધે એવી ‘અસતો મા સદ્ ગમય’ની મંજુલ ભાવનામાં કવિ જ્યારે ગરકાવ થઈ જાય છે ત્યારે એ બોલી ઊઠે છે :

       સુખી થાઓ કરો કાર્યો, ભલાં જે ધર્મનાં ઊંચાં;
       છવાજો સત્ય સર્વત્ર, નૂતન વર્ષે નવી આષી…

કવિ નથી ઇચ્છતા કે તમે માત્ર સંસારના વૈભવમાં આળોટો! એ તો બહુ દૂર નજર દોડાવીને તમને શાશ્વતની ઉપલબ્ધિના આશીષ પાઠવે છે. ભૌતિક વૈભવ તો આજ છે ને કાલ નથી, પણ સદ્‌ગુણોનો ખજાનો અને આત્મવૈભવ તો શાશ્વત છે, સનાતન છે, ચિરંજીવ છે. એવા વૈભવના તમે સ્વામી બનો એવી મનોભાવનાથી જ એમના હૈયામાંથી શબ્દો સરી પડે છે :

       પ્રભુના ભક્ત સહુ થાજો, અનંતા સદ્‌ગુણો પ્રગટો;
       ટળો સૌ દોષ કર્મોના, નૂતન વર્ષે નવી આષી…

ગુમાવેલું કૌવત પાછું મળે, આત્મશક્તિનું સ્વામિત્વ મળે, પ્રભુસેવાની મગ્નતા મળે, માનવસેવાનાં અરમાન જાગે, આત્મવિજ્ઞાનનો સર્વતોમુખી વિકાસ થાય, માનવમાત્ર યશસ્વી બને એવી કામના આવા અવસરે કવિ ન કરે તો કેમ ચાલે! એટલે જ તો એ કહે છે :

       નૂતન શક્તિ નૂતન ભક્તિ, નૂતન સેવા નૂતન શોધો;
       ભલી કીર્તિ ભલી વિદ્યા, નૂતન વર્ષે નવી આષી…

કહેવાનું ઘણું છે, મંગલકામનાઓ ઘણી વ્યક્ત કરવી છે, પણ છેવટે તો થોડું કહ્યું ઝાઝું માની લેજો એમ કહીને કવિ વિરમે છે :

       સદા લક્ષ્મી વધો સારી, મળો ને મંગળો સઘળાં;
       બુદ્ધ્યબ્ધિ બહુ ચિરંજીવો, નૂતન વર્ષે નવી આષી…

આંખ આડા કાન : મુનિ : બહારથી ત્યાગી પણ અંદરથી અત્યાગી

Published 3 ઓક્ટોબર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

મુનિ : બહારથી ત્યાગી પણ અંદરથી અત્યાગી
■ મુનિ મિત્રાનંદસાગર
•••

आतुरं लोगमायाए चइत्ता पुव्वसंजोगं…..जाणित्तु धम्मं अहा तहा अहेगे तमच्चाइ कुसीला…..

— આચારાંગસૂત્ર અ. ૬, સૂ. ૭.

જ્યારે કોઈ વ્યક્તિ ગૃહવાસનો ત્યાગ કરીને મુનિ બને છે ત્યારે તેના મનમાં કઈ ભાવના હોય છે? તે ત્યાગથી પ્રેરાઈને મુનિ બને છે એમ સામાન્ય રીતે આપણે સાંભળતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ. ત્યાગ શબ્દ જ્યારે જ્યારે આપણી સામે આવે છે ત્યારે ત્યારે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે ઘર છોડી દેવું, ધનસંપત્તિ છોડી દેવી, પરિવાર છોડી દેવો, કુટુંબકબીલાની જંજાળો છોડી દેવી, પોતાનું ગામ, પોતાનો સમાજ, પોતાની માલિકીના પદાર્થો વગેરે બધું છોડી દેવું તે ત્યાગ છે. ટૂંકમાં સર્વસંગનો ત્યાગ.

ઘણીવાર સાંભળવા મળે છે કે ફલાણા ભાઈએ આટલા લાખ રૂપિયાનો ત્યાગ કરીને દીક્ષા લીધી. આપણે અહોભાવથી ઝુકી જઈએ છીએ : આટલી મોટી સંપત્તિનો મોહ કેવી રીતે છૂટી શક્યો હશે? જે માણસ પાંચ રૂપિયા પણ જતા નથી કરી શકતો તેની માટે લાખ્ખો રૂપિયાના ત્યાગની વાત એક આંચકા સમાન છે. ટૂંકમાં, સર્વ કાંઈ ત્યાગીને વ્યક્તિ મુનિ બને છે. પણ ખરી વાત હવે જ આવે છે. સર્વત્યાગના પંથે ગયેલા વ્યક્તિની જીવનચર્યાનાં લેખાંજોખાં કરવામાં આવે તો ખ્યાલ આવે કે તેના ત્યાગમાં વાસ્તવિક ત્યાગ કેટલો અને ત્યાગની ભ્રાન્તિ કેટલી? પોતાની માલિકીનું ધન છોડીને મુનિ બનેલ વ્યક્તિ કરોડો રૂપિયાનાં ટ્રસ્ટો બનાવીને સંસારમાં પોતાની પાસે હતું તેથી યે વધારે ધન ઉપર પોતાનો કાબૂ ધરાવે છે. તે મુનિની ઇચ્છા વગર ટ્રસ્ટમાંથી એક રૂપિયો પણ આઘોપાછો થઈ શકતો નથી. બ્રહ્મચર્યનું પાલન કરવાની બડાશ હાંકતો મુનિ સ્ત્રીઓનાં ટોળાંઓની વચ્ચે જ ઘેરાયેલો રહે છે. તે ધનશક્તિ દ્વારા સ્ત્રીઓને ખરીદે છે, ભોગવે છે અને પાછો પોતાને ‘બ્રહ્મચારી’ પણ કહેવડાવે છે. પોતાનાં પાપો ઢાંકવા માટે અને આબરૂ બચાવવા માટે તે નવેસરથી પૈસા ખરચે છે! રાગદ્વેષના ત્યાગની વાતો કરનાર તે મુનિના જીવનમાં કષાયોનો પાર જ નથી હોતો. તક મળ્યે તેના કષાયો ભડકી ઊઠે છે! ઘર વિનાનો એવો તે અણગાર પોતે બનાવેલા કહેવાતા ઉપાશ્રયને ‘આ મારૂં ઘર છે’ એમ કહે છે! આચારાંગસૂત્રમાં તો કહેવાતા ગુરુસાંનિધ્યમાં રહેતા એ મુનિની ઠેકડી ઊડાડી છે જે ગુરુસાંનિધ્યમાં રહીને પણ ચારિત્રના ચૂરેચૂરા કરે છે. આવા નકલી ત્યાગી માટે આચારાંગસૂત્રમાં ‘કુશીલ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. આવા નકલી મુનિઓ લોકોની આંખોમાં ધૂળ નાખે છે કારણ કે લોકોની દૃષ્ટિએ તે ‘ગુરુકુલવાસી’ હોય છે પરંતુ અંદરથી ભોગી હોય છે! जाणित्तु धम्मं अहा तहा… આવો મુનિ આમતેમ કરીને થોડાંઘણાં શાસ્ત્રો ભણી લે છે, લોકોને પોતાના ‘જ્ઞાન’નો લાભ પણ આપે છે, પરંતુ પોતે તો જ્ઞાનના ફળથી વંચિત જ હોય છે. એક બહુ સુંદર સુભાષિત નાની વયમાં વાંચ્યું હતું : यथा खरश्चंदनभारवाही भारस्य भागी न तु चंदनस्य… જેમ ગધેડાની પીઠ ઉપર ચંદનકાષ્ઠ હોય પણ તે ગધેડાને ફાળે તો માત્ર તેનો ભાર જ આવે છે. ચંદનનો કોઈ લાભ ગધેડાને મળતો નથી. થોડુંઘણું ભણી ગયેલો પણ ધર્મના અંતરંગને ન સમજેલો તે મુનિ બહારથી ત્યાગી દેખાતો હોવા છતાં અંદરથી તો અત્યાગી જ હોય છે. કારણકે તેના મનમાં તો કામભોગો, અનુકૂળ પદાર્થો, ધનસંપત્તિ, બાહ્ય સુખનાં સાધનો વગેરે મેળવવાની કામના અને લાલસા પડેલી જ હોય છે. જ્ઞાનરૂપી ચંદનનો ભાર વહન કરતા તે મુનિને જ્ઞાનનો લાભ મળવાના બદલે તેના ફાળે તો માત્ર જાણકારીનો બોજ જ આવે છે. કહે છે કે રામના નામે પથરા તરી જાય છે. ભગવાન મહાવીર અને પોતાના મહાન ગુરુઓના નામે કેટલાયે પથરા ‘તરી’ ગયા છે! ભોળા માણસો તેમને ‘ધર્મગુરુ’ કહે છે!

ટ્રેજેડી એ છે કે ગધેડો બિચારો પોતાની પીઠ ઉપર શું છે તે જાણતો પણ નથી! અને તે ક્યારેય ચંદનનો લાભ લેવાનો દાવો કરતો પણ નથી. કોમેડી એ છે કે નકલી સાધુ પોતાને અસલી ત્યાગી કહેવડાવવામાંથી નવરો પડતો નથી—પોતે નકલી સાધુ છે તેમ જાણવા છતાં! અહીં ગધેડા અને ‘માણસ’ વચ્ચેનો ફરક સમજવા જેવો છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત