કતલખાનું

All posts tagged કતલખાનું

માયાવતીની હિટલરશાહી

Published 13 મે, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)


માયાવતી સરકારની હિટલરશાહી : અહિંસક રીતે આંદોલન ચલાવી રહેલા જૈન મુનિની ધરપકડ એ આઝાદ ભારતનો અપ્રતિમ બનાવ

ઉત્તરપ્રદેશમાં બની રહેલા સ્વયસંચાલિત કતલખાનાંઓના વિરોધમાં તા. ૨૬ એપ્રિલથી આમરણ ઉપવાસ ઉપર ઊતરેલા જૈન મુનિ શ્રી મૈત્રીપ્રભસાગરજી મહારાજની ધરપકડ કરીને માયાવતી સરકાર દ્વારા જે ત્રાસ ગુજારાયો છે તે આઝાદ ભારતનો અપ્રતિમ બનાવ છે.

માયાવતી સરકારનું આ પગલું ગેરબંધારણીય છે અને તેમાં હિટલરશાહીની બૂ આવે છે. ભારતમાં પ્રત્યેક વ્યક્તિને અહિંસક રીતે આંદોલન ચલાવવાનો અધિકાર છે. પોતાના વિચારો રજૂ કરવાનો, પ્રકાશિત કરવાનો અબાધિત અધિકાર ભારતના બંધારણે પ્રત્યેક ભારતવાસીને આપ્યો છે.

ઉત્તર પ્રદેશમાં આઠ નવાં કતલખાનાં ઊભાં થઈ રહ્યાં છે તેની વિરુદ્ધમાં મુનિ શ્રી મૈત્રીપ્રભસાગરજી મહારાજ તા. ૨૬ એપ્રિલથી આમરણ ઉપવાસ આદરીને બેઠા છે. અત્યાર સુધી તેમનું આંદોલન સંપૂર્ણપણે અહિંસક રહ્યું છે. ધીમે ધીમે આંદોલન વેગ પકડી રહ્યું હતું અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં વિસ્તરી રહ્યું હતું એથી સફાળી જાગી ઊઠેલી માયાવતી સરકાર દ્વારા ભાન ભૂલીને મુનિશ્રીના ઉપવાસના સત્તરમા દિવસે રાતના બે વાગે એકસો અનુયાયીઓ સાથે તેમની ચુપચાપ ધરપકડ કરીને તેમને સરકારી વાહનમાં અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. સાથોસાથ મુનિ શ્રી મૈત્રીપ્રભસાગરજીને સાથ આપવા આવી રહેલા દિગંબર જૈન મુનિ ચિન્મયસાગરજીને પણ તેમને મળતા અટકાવવામાં આવ્યા છે.

મહાવીર અને બુદ્ધની ધરતી ઉપર હિંસાની હોળીના પ્રતીક જેવાં કતલખાનાંઓમાં હણાનાર મૂંગા જાનવરોની હિંસાને અટકાવવા માટે મૂંગા રહીને અહિંસક આંદોલન ચલાવનારા આંદોલનકારીઓ સામેનું આ પ્રકારનું માયાવતી સરકારનું આ હિટલરશાહી વર્તન સખ્તાઈથી વખોડવાને પાત્ર છે. હું સમગ્ર અહિંસાપ્રેમી જનતાને અપીલ કરૂં છું કે તે માયાવતી સરકારના આ ગુંડાશાહી કદમનો જોરદાર સામનો કરે.