કટાક્ષ

All posts tagged કટાક્ષ

હળવે હૈયે : જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…

Published 1 ઓક્ટોબર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…
■ મુનિ મિત્રાનંદસાગર
•••

મીરાનું સમર્પણ મારામાં આવે તો મારો બેડો પાર થઈ ગયા વિના ન રહે. ગૌતમ ગણધરની ભક્તિ મારામાં આવે તો મારા આત્મકલ્યાણને કોઈ ન રોકી શકે. નાગકેતુનું તપ હું કરી શકું તો મારી નૈયાને મહાસાગર પણ ડુબાડી શકે નહીં. મૃગાવતી જેવી ક્ષમા મારામાં આવી જાય તો? તો મારૂં સ્થાન સંસારમાં તો ન જ હોય.

મારા હૈયે કોયલના ટહૂકાનો પાર ન મળે, પણ મારી બુદ્ધિના ટોડલે બેઠેલો કાગડો પોતાનું ‘કા કા’ બંધ કરે તો મને કોયલનો ટહુકાર સંભળાય ને! કોયલડી ટહૂકતી રહે છે અને કાગડો આરામથી ‘કા કા’ કરતો રહે છે. કોયલનાં ઈંડાંથી કાગડો કાયમ છેતરાતો આવ્યો છે પણ મારા જીવનબાગમાં તો કોયલ હારે છે અને કાગડો જીતે છે.

માખીને પણ ન ભાવે તે ધન્ના અણગારને ભાવે. હું તો વહોરવા જાઉં ત્યારે મારી જીભને પહેલાં જ પૂછી લઉં : ‘તને શું ફાવશે.’ ધન્ના અણગાર કોરો ભાત ખુશીથી વહોરી લાવે અને મજાથી વાપરે. હું કંઈ ધન્નો નથી. મારી ખીચડીમાં પચાસ ગ્રામથી ઓછું ઘી ન હોય! અને ઘીમાં પણ પાછી જામ ખંભાળિયા જેવી તો મજા જ ક્યાં છે! ભલે હું સાધુ થયો પણ મારી અંદર બેઠેલો ‘ગુજરાતી’ કંઈ મરી પરવાર્યો નથી, તેથી ગોળ વિનાની દાળ અને તેલ વિનાનું શાક જોઈને મારા નાકનું ટેરવું ચડી જાય છે. મારો ‘મારવાડી’ શિષ્ય તો વળી ગોળવાળી દાળ અને તેલવાળું શાક જોવામાત્રથી ભડકે છે! એને ગુજરાતમાં આવ્યા પછી પહેલી વાર ખબર પડી કે અહીં તો આવું ખાવાનું હોય છે! ‘ભગવાન મહાવીરના સાધુ છીએ’ એવો મારો અને મારા શિષ્યનો વહેમ બરકરાર છે!

ઉપાશ્રયમાં હવા ન આવતી હોય તો એવો ઉપાશ્રય બનાવનારની હવા હું કાઢી નાખું! આવો તે કંઈ ઉપાશ્રય હોય? ન હવા, ન ઉજાસ! કેવા ટ્રસ્ટીઓ છે સાવ. કબૂતરખાના જેવો ઉપાશ્રય તાણી બાંધ્યો છે!

પ્રમાદ ન કરવો જોઈએ એમ મેં વ્યાખ્યાનોમાં હજારો વાર લોકોને સમજાવ્યું છે પણ પ્રમાદ મારો અંગત મિત્ર છે. અંગત મિત્રને કદી દગો દેવાય ખરો? મારે એની સાથે સારી લેણાદેણી છે. હું ઇચ્છું ત્યારે એ મને ‘આરામ’ કરવામાં મદદ કરે છે. મારા શરીરને કોઈ ઘસારો ન પહોંચે એ માટે એ મને પૂરતી મદદ કરી છૂટે છે. મારે હાથપગ ઓછામાં ઓછા હલાવવા પડે એ માટે એ પૂરતી તકેદારી રાખે છે.

સાધુ તો ચલતા ભલા. વાત ખરી, પણ એ તો સાધુની વાત થઈ. મને તો એક જ જગ્યાએ રહેવું વધારે ફાવે. મારી પોતાની માટે બનાવેલા ‘ઉપાશ્રય’ને હું સરસ મજાનું નામ આપવાની ફિરાકમાં છું : એ આરાધનાભવન પણ હોઈ શકે, સાધનાસદન પણ હોઈ શકે, જ્ઞાનમંદિર પણ હોઈ શકે. આરાધનાભવનમાં આરાધના જ કરવી ને સાધનાસદનમાં સાધના જ કરવી એવું કોણે કહ્યું! જ્ઞાનમંદિરમાં તો ચોપડાઓનો ખડકલો (સોરી, મૂલ્યવાન પુસ્તકોનો સંગ્રહ) કરી દેવાનો એટલે નામ સાર્થક થઈ જાય. બાકી જ્ઞાન અને હું? રામ રામ કરો, રામ રામ! હું જ્ઞાનમંદિરમાં રહીને જ્ઞાનની જ વાતો કરીશ એવું કહી શકું નહીં. ત્યાં હું રાજકથા, કામકથા, ભોજનકથા, નિંદા, કુથલી, પ્રપંચ; બધું જ કરી શકું. મારા જ્ઞાનમંદિરમાં જે પુસ્તકો હશે તે કંઈ ખપી આત્માને વાંચવા માટે ઓછાં જ હશે? એ પુસ્તકો તો જોઈને રાજી થવા માટે હશે. મારી પાસે કેવાં કીમતી પુસ્તકો છે એ વિચારે જ દિલ બાગ બાગ થઈ જાય છે.

કોઈ સાધુ આધુનિક ચીજો વાપરે ત્યારે મને કોણ જાણે કેમ, તેમાં ભારોભાર શિથિલાચાર દેખાઈ આવે છે. હું એ જ આધુનિક ચીજો (એ પણ ઇમ્પોર્ટેડ, હઁ કે) વાપરૂં ત્યારે એમાં શાસનનું કયું હિત સચવાયેલું છે તે શાસ્ત્રોમાંથી તરત શોધી કાઢું છું. કયા સમયે શાસ્ત્રના શબ્દોને કેવા વળાંકો આપવા એમાં તો મેં કેવો કપરો પરિશ્રમ કર્યો છે એની બધાંને ક્યાંથી ખબર હોય! એમાં તો મારી ‘માસ્ટરી’ છે.

બીજાની નિશ્રામાં રહેતા સાધુના રાઈ જેવડા દોષોને હું પર્વત જેવડા કરી શકું છું. મારી નિશ્રામાં રહેતા સાધુના પર્વત જેવડા દોષોને હું રાઈથી યે નાના કરી શકું છું. મારા શાસ્ત્ર અભ્યાસનું દૂરબીન મને આમાં બધી રીતે મદદ કરી છૂટે છે. કલ્લાકના બબ્બે હજાર રૂપિયા રોકડા આપીને બિહારના નામાંકિત પંડિતો પાસે ભણ્યો છું! આ ભણતર આવા સમયે કામ ન આવે તો ક્યારે કામ આવે!

કોઈ ખરેખરો અનાચારી સાધુ જો મારી ઉપર સદ્‌ભાવ રાખતો હોય તો તેના અનાચારને હું અનાચાર નથી ગણતો. પણ જો કોઈ ખરેખરો સારો સાધુ મારા પ્રત્યે સદ્‌ભાવ નથી ધરાવતો એવો માત્ર વહેમ પડે તો ય હું તેને અનાચારીમાં ખપાવી દઈને દરવાજો દેખાડી શકું છું અને આવા સાધુની સમાજમાં બરોબર હેરાનગતિ થાય તે માટે હું મારાથી બનતું બધું કરી છૂટું છું. ‘मामकाः’ અને ‘पांडवाः’નો ભેદ સમજવામાં તો હું પહેલેથી માહેર છું!

મને મીરાનાં સપનાં આવે, મને ગૌતમ ગણધરનાં સપનાં આવે, મને મૃગાવતી, ધન્ના અને નાગકેતુનાં સપનાં આવે, પણ સપનાની સુખલડીથી કોઈની ભૂખ ભાંગ્યાનો દાખલો હજી સુધી તો નોંધાયો નથી!

રાધા બનવું એ મારી ઝંખના છે, મંથરા બનવું એ મારી મજબૂરી છે. મીરા મારો આદર્શ છે, લક્ષ્મણા મારી વાસ્તવિકતા છે. શાલિભદ્ર થવું મને ગમે, પણ દાન દીધા વગર થવાતું હોય તો જ! સિદ્ધિપદ મારી નિયતિ છે પણ સંસાર મારો વર્તમાન છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના સપ્ટેમ્બર, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

હળવે હૈયે : ખુદાની તો ખુદા જાણે…

Published 4 એપ્રિલ, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

ખુદાની તો ખુદા જાણે, પણ મને તો ખુશામત ગમે છે!

મુનિ મિત્રાનંદસાગર
• • •

 

લોકો મને જ્ઞાની કહે છે ત્‍યારે મારા મનને બહુ સારૂં લાગે છે, મારી અજ્ઞાનતા અનંત છે પણ એ તો મારી અંગત બાબત થઈ, હું લોકોને મારી અજ્ઞાનતાથી માહિતગાર થવા દેતો નથી. લોકો મને તપસ્‍વી કહે ત્‍યારે મારા મનને બહુ સારૂં લાગે છે, મારી રસલાલસા હું ક્‍યાંય પ્રગટ થવા દેતો નથી. લોકોનો ભ્રમ ચાલુ રહે તે માટે હું શક્‍ય એટલા પ્રયત્‍નો કરી લઉં છું.

સમતાને ને મારે કંઈ બહુ ગાઢ સંબંધ નથી, પરંતુ લોકો મને પરમ સમતાવાન માને છે તે મને બહુ જ પસંદ પડે છે. મારાં વ્‍યાખ્‍યાનો લોકો કેમ વખાણે છે તે તો હું હજી સમજી નથી શક્‍યો, પરંતુ મારી વાહ વાહની મજા તો કંઈક ઓર જ છે. એટલે જ તો હું દરેક વ્‍યાખ્‍યાનના અંતે નિતનવા લોકોને પૂછી જ લઉં છું : ‘કેવું લાગ્‍યું મારૂં વ્‍યાખ્‍યાન!’

હું પૂજામાં બેસીને બુલંદ કંઠે ગાઉં છું ત્‍યારે મહિલાઓ એકીટસે મારી સામે તાકી રહે છે. હું મનોમન પોરસાઉં છું : ‘સારૂં ગાવાનો ઇજારો કંઈ તમારો એકલાનો નથી!’ પૂજા પતી ગયા પછી એ બધી મને ઘેરી વળે છે ત્‍યારે તો હું ગોપીઓથી ઘેરાઈ ગયાની લાગણી અનુભવું છું અને મને ‘ફીલ ગુડ ફીલ ગુડ’ થઈ જાય છે!

આમ તો હું કંઈ સારો લેખક નથી. પરંતુ એ વાત તો મારી સિવાય કોઈ જાણતું નથી. હા, એક જણ જાણે છે : જે મારા નામે લેખ લખી આપે છે. મારી પાસે લક્ષ્મી છે અને એ કોને નથી ખરીદી શકતી? સરસ્‍વતીને ખરીદવી એ તો તેની માટે ડાબા હાથની ટચલી આંગળીનો ખેલ! હું લક્ષ્મીના બંડલો લેખક સામે ફેંકી દઉં છું. એ મારા નામે હોંશે હોંશે લેખ લખવા તૈયાર થઈ જાય છે!

‘તમે તો ભવિષ્‍યના ગચ્‍છાધિપતિ છો’ એમ કોઈ કહે ત્‍યારે હું મારૂં હસવું માંડ ખાળી શકું છું. પણ એની આ વાત સાંભળ્‍યા પછી મારૂં શેર લોહી ચડે છે એ નક્કી. હું મનોમન આસમાનમાં વિહરૂં છું.

ભૌતિક અનુકૂળતાઓની લાલસા છોડવાનો ઉપદેશ હું એ. સી.થી ઠંડા કરેલા રૂમમાં બેસીને આપું છું ત્‍યારે મારા કોઠે પૂરી ઠંડક હોય છે. આ બધું છતાં લોકો મને મહાવીરનો સાધુ માને છે. અને તે મને ખૂબ ગમે છે.

• બોધપાઠ

સાથે રહીને જુદાં રહેવા કરતાં જુદાં રહીને સાથે રહેવું વધારે સારૂં છે.

• ના હોય…!

અસ્તકીર્તિ : હું વાઘનો શિકાર કરવા જવાનું વિચારૂં છું.
શૈલુ : પણ એ તો તું ક્યારનોય કે’ કે’ કરે છે.
અસ્તકીર્તિ : હા પણ ઘરની બહાર બેઠેલું પેલું કૂતરૂં ખસે તો હું જઈ શકું ને!