ઉપવાસ

All posts tagged ઉપવાસ

પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજશ્રીને વિનંતી

Published 23 ફેબ્રુવારી, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

પૂજ્યપાદ શાસનપ્રભાવક છેદસૂત્ર આદિ આગમોનાં રહસ્યોને પાર પામ્યા હોવાની પ્રતિષ્ઠા ધરાવનાર આચાર્ય ભગવંત શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજશ્રીનાં ચરણોમાં શતશઃ વંદનાવલિ આદિ સમુચિત જીતાચારના પાલન પૂર્વક.

ભગવન્ ! સવિનય શાતાપૃચ્છા કરૂં છું.

વિશેષમાં વિનમ્ર નિવેદન છે કે અમદાવાદની ૨૬ વર્ષની નાજુક વય ધરાવનારી કિંજલ શાહની ૧૮૦ ઉપવાસની કથિત તપશ્ચર્યા આજકાલ ચર્ચામાં છે. સાંભળવા મળ્યું છે કે આપ પૂજ્યપાદની નિશ્રામાં કિંજલબેનના પારણાનો કાર્યક્રમ (સ્વાભાવિક રીતે જ, ધામધૂમથી) યોજાનાર છે.

ભગવન્ ! આપ મહાજ્ઞાની છો. તેથી જ આપનાં ચરણોમાં થોડાક પ્રશ્નો લઈને આવ્યો છું.

શહીદ ભગતસિંહે તત્કાલીન પાર્લામેન્ટમાં બોમ્બ ફેંક્યા પછી ખુલાસો કર્યો હતો કે “અંગ્રેજોના બહેરા કાન સુધી મારી વાત પહોંચતી નહોતી તેથી ભારતની પાર્લામેન્ટમાં બોમ્બધડાકો કરવો પડ્યો છે.”

હું પણ ભગતસિંહ જેવી મનોદશામાંથી પસાર થઈ ચૂક્યો છું અને તેથી જ મારે પણ અવારનવાર બોમ્બધડાકા કરવા પડે છે. પરંતુ ભગતસિંહની તુલનામાં હું થોડો કમનસીબ છું કારણ કે મેં કરેલા બોમ્બધડાકા જૈન સંઘના અંગ્રેજનુમા નેતાઓના કાન સુધી પહોંચતા નથી.

તેમ છતાં,

આજે ફરી એકવાર બોમ્બધડાકો કરવાની જરૂરત ઊભી થઈ છે. તેથી આપનાં ચરણોમાં આ નિવેદન પાઠવી રહ્યો છું. એમ કરવામાં હું આપનો પૂરતો વિનય સાચવવાની તમન્ના રાખું છું.

આપશ્રી તો આગમોના ઊંડા અભ્યાસી છો તેથી ધન્ના અણગારની તપસ્યાનું વર્ણન આપની જાણ બહાર તો નહીં જ હોય. હું આ પત્ર જાહેર મંચ ઉપરથી લખું છું તેથી આગમોમાં આવેલું ધન્ના અણગારનું વર્ણન શું છે તેના બે-ચાર મુદ્દાઓની જાણકારી આ પત્ર વાંચનારા લોકોના સંતોષ ખાતર આપવાનું ઉચિત સમજું છું.

ઉગ્ર તપશ્ચર્યાના કારણે ધન્ના અણગારના શરીરની જે સ્થિતિ થઈ હતી તેનું વર્ણન કરતાં આગમકાર લખે છે કે—

ધન્ના અણગારના પગ માંસવિહીન, સૂકા થઈ ગયા હતા અને તેમના પગમાં જાણે માત્ર હાડકાં જ બચ્યાં હતાં.

ધન્ના અણગારના પગની આંગળીઓ તદ્દન કરમાઈ જઈને છિન્નભિન્ન અવસ્થાને પામીને મગની શીંગો જેવી પાતળી થઈ ગઈ હતી. ધન્ના અણગારની જંઘાઓ તો જાણે કાગડાના પગ જેવી પાતળી પડી ગઈ હતી. તેમની કેડ તો ઊંટના પગની જેમ વળી ગઈ હતી. તેમના પેટનો પ્રદેશ સૂકોભટ્ઠ થઈ ગયો હતો.

તેમની પાંસળી, પીઠ, તેમના બાહુ, હાથની આંગળીઓ, તેમની ડોક વગેરે અંગોની હાલત એવી થઈ ગઈ હતી કે એનું વર્ણન વાંચીને જ ખ્યાલ આવી જાય કે ઉગ્ર જૈન તપશ્ચર્યા કરનારના શરીરની કેવી સ્થિતિ થઈ જાય. ધન્ના અણગારની જીભ વડ અને ખાખરાના પાનની જેમ સુકાઈ ગઈ હતી. આ મહામુનિ ચાલતા ત્યારે તેમનાં હાડકાં એક-બીજા સાથે ઘસાવાથી ખખડ ખખડ અવાજ કરતા હતા…. વગેરે વગેરે વગેરે.

अणुत्तरोववाइयदसाओના આધારે લખેલી આ વાતનો સાર એ કે ઉગ્ર જૈન તપસ્યા કરનારના શરીરમાં થતા ફેરફારો પહેલી નજરે જ ધ્યાન ખેંચે તેવા હોય છે.

જેમ જેમ તપનો વ્યાપ વધતો જાય તેમ તેમ શરીરનો વ્યાપ ઘટતો જાય, જેમ જેમ તપની લંબાઈ વધતી જાય તેમ તેમ શરીરનું ગળતર પણ વધતું જાય એ શરીરનો સ્વાભાવિક ગુણધર્મ છે. બીજી વાત એ કે મહાવીર-યુગના ઉચ્ચકક્ષાનાં સંઘયણ ધરાવનાર મહામુનિઓનાં શરીર પણ જો ઉગ્ર તપશ્ચર્યાના પ્રતાપે વેરણછેરણ થઈ જતા હોય તો છેવટ્ઠું સંઘયણ ધરાવનાર આ યુગના પામર મનુષ્યોની તો શી વિસાત!

પ્રભો! ક્ષમા કરજો. હું કિંજલબેનની તપસ્યા બદલ કેટલાક સવાલો પૂછવા માગું છું.

 1. આ બેનના શરીરમાં, એકસો અઠ્યોતેર દિવસો પછી પણ, કેમ કોઈ ફરક જણાતો નથી?
 2. ઉપવાસના પ્રમાણમાં તેમનું શરીર કેમ ઊતર્યું નથી?
 3. ઉપવાસના પ્રમાણમાં તેમનું વજન કેમ ઘટ્યું નથી?
 4. આટલી લાંબી અને ઉગ્ર તપસ્યા પછી પણ કિંજલબેન કેમ છૂટથી હરી ફરી શકે છે?
 5. આટલી લાંબી અને ઉગ્ર તપસ્યા પછી પણ કિંજલબેન કેવી રીતે મન મૂકીને નાચી શકે છે?
 6. એકસો પચાસમા ઉપવાસે કિંજલબેન શત્રુંજય ગિરિરાજની યાત્રા ચાલીને કેવી રીતે કરી શકે?
 7. એકસો પચાસમા ઉપવાસે શત્રુંજય ગિરિરાજની યાત્રા, ચાલીને કર્યા પછી પણ, કિંજલબેનની કિડનીઓના ફંકશનમાં કોઈ તકલીફ ઊભી ન થાય તે કેવી રીતે બની શકે?
 8. ઉપવાસના એકસો એંસીમા દિવસે કિંજલબેનના બ્લડમાં શુગરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?
 9. ઉપવાસના એકસો એંસીમા દિવસે કિંજલબેનનું હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ?

*

જેમ કેટલાક ભોળા(!) જૈનો માને છે કે કિંજલબેન આ બધું શાસનદેવની સહાયથી કરે છે તેમ શું આપ પણ માનો છો કે કિંજલબેન આ બધું શાસનદેવની સહાયથી કરે છે? તો સવાલ એ છે કે આગમપ્રોક્ત યક્ષા સાધ્વીના કિસ્સામાં બન્યું હતું તેમ શાસનદેવ અમારા જેવાની શંકાઓને નિર્મૂળ કરવા પારણાના દિવસે આ ધરતી ઉપર પધારશે?

શાસનદેવ કઈ ખુશીમાં કિંજલબેનને સહાય કરી રહ્યા છે તે આપણે જાણી શકીએ?

છેલ્લા દાયકામાં અનેક સાધુ-સાધ્વીજીઓ, ખાસ કરીને સાધ્વીજીઓ ઉગ્ર તપસ્યા દરમ્યાન કાળધર્મ પામ્યાના દાખલા બન્યા છે. તે બધા સંયતોને શાસનદેવ તપમાં સહાયક ન બને અને માત્ર કિંજલબેન જેવાં અસંયતની તપસ્યામાં જ સહાયક બને એવા શાસનદેવની સમજશક્તિ અંગે આપ શું કહો છો?

ભગવાન મહાવીરદેવની પ્રશંસા પામેલા અને કાળધર્મ પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં બિરાજમાન થનારા એવા પણ ધન્ના અણગારને શાસનદેવ તપસ્યામાં કોઈ સહાય ન કરે અને કિંજલબેનને જ કરે એનું કોઈ ખાસ કારણ જાણવા મળી શકે? આપ તો ગીતાર્થતાની પ્રતિષ્ઠા ધરાવો છો, આપ શું કહો છો?

શાસનદેવની સહાયતાથી હાલવા-ચાલવામાં સ્ફૂર્તિ રહે તે કદાચ સમજી શકાય, પણ શાસનદેવની સહાયથી તપ કરનારનું શરીર જરાયે ઓગળે જ નહીં એવું બની શકે ખરૂં? આ અંગે આપ શું ફરમાવો છો?

પૂજ્યપાદશ્રીને જણાવવાનું કે આપશ્રીની નિશ્રામાં આપશ્રીના આશીર્વાદ પૂર્વક પારણું થવાનું જાણ્યું તેથી આપને આ પત્ર લખ્યો છે.

સાહેબજી, પેલા સ્તવનમાં આવે છે ને કે ‘અંધો અંધ પુલાય…’ આ કથન ઉપર વિચાર કરશોજી.

ભંતે! ખૂબ વિનય પૂર્વક આજીજીની હદે વિનંતી કરૂં છું કે આપશ્રી આ નિશ્રાપ્રદાન માંડી વાળો તો સારૂં.

અથવા, કિંજલબેનને નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફિક ટેસ્ટ અને બ્રેઇન-મેપિંગ ટેસ્ટ કરાવવાની આજ્ઞા આપો. જેથી આવતી કાલના લોકો માપ બહારની તપસ્યા(નો દેખાવ) કરતાં પહેલાં સો વાર વિચાર કરે.

જેણે ૧૮૦ દિવસ શાસનદેવની સહાયથી ખેંચ્યા છે તેને પારણામાં એકાદ બે દિવસનો વિલંબ થશે તો કોઈ વાંધો આવશે નહીં.

નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફિક ટેસ્ટ અને બ્રેઈન-મેપિંગ ટેસ્ટ (Narco Test/Polygraphic Test/Brain Mapping Test)માં કિંજલબેનની તપશ્ચર્યા સાચી સાબિત થશે તો આપનો અને શાસનદેવનો બન્નેનો મહિમા વધશે…(કિંજલબેનનો મહિમા તો આમ પણ વધેલો જ છે!)

સાહેબજી! ‘રાજા નાગો કેમ છે’ વાળી વાર્તા તો આપે સાંભળી જ હશે. શું આપ પણ એ રાજાના વરઘોડામાં જોડાઈ જશો?

शिवो रक्षतु ‘ते’ यशः…

ભંતે, આવી લાંબી તપશ્ચર્યા પછી પણ તપસ્વીના શરીર ઉપર કોઈ અસર ન થાય એ વાત હું આ જાહેર પત્ર દ્વારા નકારી કાઢું છું. કિંજલબેનના પારણાને નિશ્રાપ્રદાન કરીને આપશ્રી આપની આગમિક જ્ઞાનની પ્રતિષ્ઠાને હોડમાં ન મૂકો તો સારૂં એવી ભાવભીની વિનંતી સાથે—

જાણતાં અજાણતાં કોઈ અવિનય થયો હોય તો ક્ષમાયાચનાપૂર્વક વિરમું છું.

सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः।

अन्यथा धर्मबुद्ध्यैव, तद्विघातः प्रसज्यते।।

મુનિ મિત્રાનંદસાગરનાં શતશઃ વંદન.

અમદાવાદ, બુધવાર, તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧.

૧૮૦(?) ઉપવાસનાં તપસ્વી કિંજલબેનને ખુલ્લો પત્ર

Published 22 ફેબ્રુવારી, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

બેન કિંજલ

હાર્દિક ધર્મલાભ સહ જણાવવાનું કે તારી ૧૮૦ ઉપવાસની તપસ્યાના સમાચાર સાંભળીને મારા મનમાં કેટલાક સવાલો જાગ્યા છે.

મને પાકી ખાતરી છે કે તને એના જવાબો આપવામાં જરાયે ખચકાટ નહીં થાય.

સવાલો આ પ્રમાણે છે :

 1. ૧૮૦ ઉપવાસ શરૂ કરવાના દિવસે એટલે કે ઉપવાસના પહેલા દિવસે તારૂં વજન કેટલું હતું અને આજે કેટલું છે તે જાણવા મળી શકે?
 2. સાંભળ્યું છે કે તેં ઉપવાસના ૧૫૦મા દિવસે શત્રુંજય ગિરિરાજની યાત્રા ‘ચાલીને’ કરી. શું આ ખરેખર સંભવિત છે?
 3. સાંભળ્યું છે કે, આટલા બધા ઉપવાસ પછી પણ, પ્રભુ ભક્તિ દરમ્યાન તું મન મૂકીને નાચે છે પરંતુ તારા શરીરને કોઈ પ્રકારનો થાક અનુભવાતો નથી. શું આવું ખરેખર બની શકે ખરૂં?
 4. કહે છે કે તારા હાથમાંથી કંકુ (અથવા વાસકેપ કે બાદલુ કે એવું કંઈ પણ) ‘ખરે છે.’ શું આ સત્ય છે?
 5. આજકાલ ચંપા શ્રાવિકા સાથે તારી સરખામણી થઈ રહી છે. તને (અને સરખામણી કરનારા ‘બુદ્ધિશાળીઓ’ને) ખ્યાલ હશે જ કે ચંપા શ્રાવિકાએ સમગ્ર ઉપવાસ પૌષધશાળામાં તે યુગની અસંખ્ય શ્રાવિકાઓની વચ્ચે રહીને જ કર્યા હતા અને અકબર બાદશાહ દ્વારા કડક ચકાસણીમાંથી પસાર થવાનું બીડું ઝડપીને તેણે તેમ કરી પણ બતાવ્યું હતું. તારી આવી કોઈ તૈયારી ખરી?

બેના, આ પ્રશ્નો તારા ઉપવાસ સામે હોવા કરતાં આટલા બધા ઉપવાસ પછી પણ તારા શરીરમાં કોઈ ફેરફાર (નબળાઈ, અશક્તિ, વજનમાં ઘટાડો વગેરે) જણાતો નથી તે સામે છે એટલું તો તું સમજી શકી જ હોઈશ.

શુભેચ્છુ મિત્રાનંદસાગર

અમદાવાદ, મંગળવાર, તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧.

આંખ આડા કાન : શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ અટકાવી ન શકાય?

Published 27 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ
અટકાવી ન શકાય?

મુનિ મિત્રાનંદસાગર
• • •

નોંધ : મૂળ લખાણનો સંક્ષેપ અને ક્વચિત્ શાબ્દિક ફેરફાર.

જૈનધર્મ અત્યારે કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે હમણાં જ શ્રમણ ભગવાન મહાવીરનું ૨૬૦૦મું જન્મકલ્યાણક ઊજવ્યું. ૨૬૦૦ વરસના ઇતિહાસમાં દુનિયામાં આમૂલચૂલ પરિવર્તનો આવ્યાં છે. દુનિયા ખૂબ સાંકડી થઈ ગઈ છે. પરિવર્તનો, આપણને ગમે કે ન ગમે, થયાં જ કરતાં હોય છે. એમાંનાં કેટલાંક ઇચ્છનીય પણ હોય છે, કેટલાંક અનિચ્છનીય પણ હોય છે. કયાં પરિવર્તનો ઇચ્છનીય છે અને કયાં નહીં, તેની ચર્ચામાં આપણે નહીં પડીએ. આપણે જે વિચારવું છે તે મુદ્દો અલગ છે.

આજે જૈનધર્મને ખૂબ બધો લૂણો લાગ્યો છે. મોટામાં મોટું પરિવર્તન તો એ આવ્યું છે કે જૈનધર્મના મુખ્ય આધાર સમા સાધુ-સાધ્વીજી ભગવંતોની સંખ્યા વધી છે પણ ગુણવત્તા ઘટી છે. અભ્યાસના ક્ષેત્રે સાધુઓનું પોત ઝાંખું પડે છે. વાદવિવાદોનો યુગ હવે રહ્યો નથી એ આજની શ્રમણપેઢી માટે છૂપો આશીર્વાદ છે. બાકી અત્યારે જે જાતનો કાચો અભ્યાસ કરીને બની ગયેલા આચાર્યો છે તે સ્થિતિમાં જો શાસ્ત્રાધારે વાદવિવાદ કરવાનો થાય તો પરિણામો ચોંકાવનારાં આવે એમ નિખાલસતાથી કબૂલ કરવું જ પડે.

યોગ્ય અભ્યાસ વિના જ આચાર્ય બની ગયેલા અને ટૂંક સમયમાં આચાર્ય બનનારા એવા જ સાધુઓને ઓચિંતાં જ પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાનાં નામો પૂછવામાં આવે તો સોએ પંચાણુને તત્કાલ ‘સ્થંડિલ’ જવું પડે! કંપાઉન્ડર કદાચ ડૉક્ટરનો લેબાસ પહેરી લે તો દર્દીને નુકસાન થાય પણ ખરૂં અને ન પણ થાય. પરંતુ અભ્યાસહીન આ પ્રકારના ‘વિદ્વાન’ સાધુ જો આચાર્ય બની જાય તો જૈનધર્મના વિનાશ માટે આપણે પશ્ચિમી સંસ્કૃતિના મોહતાજ નહીં રહેવું પડે!

સાધુસંસ્થામાં અભ્યાસના ક્ષેત્રની જેમ આચરણના ક્ષેત્રે પણ ઘણાં મોટાં ગાબડાં દેખાય છે.

હમણાં એક સુપ્રસિદ્ધ જૈનાચાર્યે જૈન સાધુઓની ટીકા કરનારા લોકોને હંટરથી ફટકારવાનું એલાન કર્યું! એમણે એક અક્ષર પણ એવો ન કહ્યો કે જૈન સાધુઓએ પણ પોતાની ટીકા ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. વિના કારણે ટીકા કરવાનો કોઈને શોખ નથી હોતો. ટીકા, જો વાજબી હોય તો ખુલ્લા દિલે આવકારવાની વૃત્તિ કેળવવી પડશે. ‘સાધુઓનું આચરણ જ એવું હોવું જોઈએ કે કોઈને ટીકા કરવાનું મન ન થાય’ એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું હોત તો એમની ગરિમા વધી હોત. શું એમના પોતાના શિષ્યોએ ક્યારેય અન્ય મુનિવરોની ગેરવાજબી નિંદા નથી કરી એમ તેઓ છાતી ઉપર હાથ મૂકીને કહી શકશે ખરા? તો પછી તો પેલા હંટરથી ફટકારવાના એલાનનું શું? આવું એલાન એ પગ નીચે આવતા રેલાને અટકાવવાની અગમચેતી તો નથી ને!

આપણે સમજવું પડશે કે અવર્ણવાદ અને ટીકા બન્ને અલગ બાબતો છે. સર્વસામાન્ય અર્થમાં સાધુઓની નિંદા એ અવર્ણવાદ હોઈ શકે. પરંતુ કોઈ ચોક્કસ કારણસર કરાતી ટીકા પણ હંટરથી મારવાની શિક્ષાને પાત્ર ગુનો બને? જે ઉઘાડેછોગ ખોટું હોય તે પણ જોયે જ રાખવાનું? બોલવાનું જ નહીં?

એક દાખલો જોઈએ : (પાઘડી બંધબેસતી આવતી હોય તો યોગાનુયોગ ગણી લેવો.) એક શિષ્ય કે જે અનાચારની હદ વટાવી ગયો હોય, દિવસે ઉપવાસ અને રાતના ખાણીપીણીના ગોરખધંધા કરતો હોય, વરસીતપના નામે લોકોને છેતરતો હોય, સ્ત્રીઓને પટાવવામાંથી નવરો ન પડતો હોય; આવા શિષ્યનાં કુકર્મોની જાણ તેના ગુરુને કરવામાં આવે ત્યારે તેના ગુરુએ શું કરવું જોઈએ?

  ૧. તેને છેદ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ?

  ૨. તેને ઠપકો આપીને એક ગામથી બીજે ગામ મોકલી દેવો જોઈએ?

  ૩. તે, એવા જ દુરાચારી, બનાવટી સાધુ સાથે રહેતો હોય તેનાથી છૂટો પાડી દઈને તેને બીજા સાધુ સાથે મોકલી દેવો જોઈએ?

  ૪. બહાર આવેલી ઘટનાઓને પૈસાથી દબાવી દે એમ પોતાના શિષ્યને કહેવું જોઈએ?

  ૫. ‘મારા શિષ્યો આવું કરે જ નહીં’ એમ કહીને વાતનો વીંટો વાળી દેવો જોઈએ?

  ૬. શિષ્યના ‘કુકર્મની જાણ કરનાર’ને હંટરથી ફટકારવો જોઈએ?

કહેવાનો મુદ્દો એટલો જ છે કે સાધુઓ ખૂબ અભ્યાસી બને અને વર્તમાન પરિસ્થિતિમાં જેટલો શક્ય હોય એટલો ઉત્તમ આચાર પાળે એ સમયની જરૂરિયાત છે. કુપાત્ર સાધુઓનાં કુકર્મોને ગંભીર અપરાધ માનવો જોઈએ.

ખરેખર તો આડેધડ થતી દીક્ષાઓ ઉપર અને આડેધડ થતી પદવીઓ ઉપર લગામ તાણવાની જરૂરત છે. નવકાર મંત્રના અડસઠ અક્ષરો પણ ભૂલચૂક વગર લખી ન શકે એવા આચાર્યોની જૈન શાસનને કોઈ જરૂર નથી. જેના દુષ્ટ આચરણનો બચાવ કરવા ધનશક્તિને વચ્ચે લાવવી પડે એવા સાધુઓની પણ જૈન શાસનને કોઈ જરૂર નથી. આવા બનાવટી સાધુઓને હાંકી કાઢવાથી જૈનશાસન રસાતળ નહીં જાય!

જૈનધર્મમાં આચાર્યોની અને સાધુઓની સંખ્યા કેટલી છે તેનું કોઈ મહત્ત્વ નથી (હોવું પણ ન જોઈએ). સારા, જ્ઞાની, બહુશ્રુત અને પ્રભાવક આચાર્યો અને ઉત્તમ સાધુઓ કેટલા છે એનું મહત્ત્વ છે.

કોને પદવી આપવી, કોને ન આપવી, કોને દીક્ષા આપવી, કોને ન આપવી વગેરે જિનશાસનના હાર્દને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પરત્વે ચોક્કસ પ્રકારના અને દરેક આચાર્યાદિ મુનિઓને બાધ્ય બને એવા નિયમો અને માર્ગરેખાઓ ઘડી કાઢવા માટે કોઈ ચોક્કસ સમુદાય પ્રત્યે અણગમો કે પૂર્વાગ્રહ રાખ્યા વગર સાચા અર્થમાં અખિલ ભારતીય કક્ષાનું સમગ્ર જૈન મુનિઓનું મહાસમ્મેલન બોલાવવાની ખાસ જરૂર છે.

આવા ગંભીર મુદ્દાઓને પણ જે તે સમુદાય કે વ્યક્તિનો પ્રશ્ન ગણીને તેની ઉપર વિચાર કરવાના બદલે આંખ આડા કાન કરશું તો ભવિષ્યની પેઢીની દુર્દશાની જવાબદારી આજની પેઢીની જ ગણાશે એ ચોક્કસ છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત