તફાવતની કલ્પના કરો

Published 12 એપ્રિલ, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

દેરાસર તોડાવનારા (અને તોડનારા) દંભી કાયદાપ્રેમીઓ વિચાર કરે.
દેરાસરના બદલે અન્ય ધર્મસ્થળ તોડી પડાયું હોત તો ખબર છે શું થયું હોત?

દેરાસરના બદલે અન્ય ધર્મસ્થળ તોડી પડાયું હોત તો ખબર છે શું થયું હોત?

મેરા ભાજપા શાસન મહાન !

Published 11 એપ્રિલ, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

પોલીસની રહેમનજર નીચે દારૂના અડ્ડા, વ્યભિચાર અને જુગારનાં ધામ ચલાવો તો વાંધો નહીં, બાકી તમારાથી તમારા કાયદેસરના દેરાસરનું સંચાલન ન જ કરાય.

મેરા ભાજપા શાસન મહાન !

મેરી ગુજરાત પોલીસ મહાન !

મેરી હપ્તા સિસ્ટમ મહાન !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ત્રણ વાંદરાં

Published 10 એપ્રિલ, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ત્રણ વાંદરાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ત્રણ વાંદરાં :

જેઓ જૈનધર્મ સિવાયનાં ગેરકાયદે બંધાયેલાં (૧૬૦૦ — એક હજાર છસ્સો) ધર્મસ્થળો જોતાં નથી, એ વિષે તેઓ વાત કરતાં નથી અને એ વિષે કશું સાંભળવાનો તો તેમની માટે પ્રશ્ન જ પેદા થતો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તઘલખી કારનામાં

Published 8 એપ્રિલ, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

અમદાવાદના વેજલપુરમાં જૈન દેરાસર તોડી પાડવા બદલ કોર્પોરેશનના બાબર બ્રાન્‍ડ (બે)જવાબદાર અધિકારીઓને તત્‍કાલ સસ્‍પેન્‍ડ કરો

કોર્પોરેશનમાં ચૂંટાયેલા જૈન કાઉન્‍સીલરો આ તઘલખી ઘટનાના વિરોધમાં રાજીનામાં આપે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ‘શેમ શેમ’

ગુજરાતના ન્‍યાયતંત્રે દેરાસરનું તોડકામ ચાલુ હતું એ દરમ્‍યાન જ દેરાસર પાડવા સામે ‘સ્‍ટે’ આપીને કોર્પોરેશનનું અને ભાજપા શાસનનું નાક વાઢી લીધું છે. દેરાસરે કોર્પોરેશનને સવિનય વિનમ્ર વિનંતી કરી હતી કે ન્‍યાયતંત્રનો ચુકાદો આવે ત્‍યાં સુધી થોભી જાવ. ન્‍યાયાલય જે કોઈ પણ ચુકાદો આપશે તે અમે માથે ચડાવીશું. પણ સત્તાના ઘમંડમાં ચૂર સરકારી ઓફિસરોએ પોતાનું ધાર્યું કરવામાં પોતાનું હિત જોયું. અંતે તેમને નીચા પડવાનો વખત આવ્‍યો છે. વાર્યા ન માને તે હાર્યા માને તે આનું નામ.

દેરાસર પાડવા અંગેની મેટર બાબતે દેરાસર પક્ષ ન્‍યાયતંત્ર પાસે અપીલમાં ગયું હોવાથી મેટર સબજુરીસ હોવા છતાં કોર્પોરેશને ધરાર જૈનધર્મનું કાયદેસર બાંધકામવાળું દેરાસર તોડી પાડયું તે બદલ કોર્ટનો અનાદર કરવાના ગુનામાં દોષિત ઠરાવીને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરવા ગુજરાત સરકાર પાસે માગણી કરીએ છીએ.

કોર્પોરેશનને શક હતો જ ન્‍યાયતંત્ર દેરાસર તોડવા સામે ‘સ્‍ટે’ આપશે માટે જ ત્રણ દિવસ વહેલું દેરાસર તોડી પાડવાનું નક્કી કરીને તેણે હિરો બનવાની કોશિશ કરી છે. સિંગલ જજના મૌખિક આદેશની મુદદ તો તા. ૧૧ એપ્રિલે પૂરી થતી હતી. તો આટલી બધી ઉતાવળ કોના ઇશારે થઈ અંગે સરકાર કોર્પોરેશનનો જવાબ માગે.

નવરાત્રિના પવિત્ર દિવસોમાં દેરાસર તોડી પાડીને કોર્પોરેશન શું સાબિત કરવા માગે છે તે સમજવું મુશ્‍કેલ છે.

કોર્પોરેશનના બાબરછાપ અધિકારીઓ સામે અનધિકાર ચેષ્‍ટા કરવા બદલ સખત કાર્યવાહીની જૈન સમાજ માગણી કરે છે.

દેરાસર પક્ષને સાંભળ્‍યા વગર અને તેને કોઈ ખુલાસો કરવાની તક આપ્‍યા વિના જ સિંગલ જજની બેંચે કેવી રીતે દેરાસર તોડી પાડવાનો મૌખિક ઓર્ડર કર્યો એ અંગે ઊંડી તપાસ કરવાની સર્વોચ્‍ચ ન્‍યાયતંત્ર પાસે અરજ ગુજારીએ છીએ. આવા એકતરફી ઓર્ડરના કારણે શાંતિપ્રેમી જૈન પ્રજાને ભારે આઘાત લાગ્‍યો છે અને ન્‍યાય મેળવવાના તેના બંધારણીય અધિકાર પર તરાપ વાગી છે.

હવે પછીની ચૂંટણીઓમાં બીજેપીને ખોબેખોબા વોટ આપતાં પહેલાં જૈનો લાખ વાર વિચાર કરે.

પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મિડિયા કોર્પોરેશન પાસે જવાબ માગે કે વેજલપુરમાં કુલ કેટલાં ગેરકાયદે બાંધકામો છે અને તે બાબતે આજ સુધી તેણે શું કર્યું છે. જ્‍યાં આ તોડી પડાયેલું દેરાસર આવેલું છે તેની આસપાસ ગેરકાયદે બાંધકામ હોવાની અરજીઓ કોર્પોરેશનને મળી છે કે કેમ? અને મળી હોય તો તેણે અત્‍યાર સુધી શું કર્યું તેનો હિસાબ આપે.

શું જૈન દેરાસરો માટે જુદો કાયદો અને અન્‍યો માટે જુદો કાયદો એવી કોઈ વિચારધારામાં કોર્પોરેશન માને છે?

જૈન નેતાઓ અને જૈન પ્રજા ઇસ્‍લામ અને શીખ ધર્મના અનુયાયીઓ પાસેથી ધર્મરક્ષા અને સ્‍વરક્ષાના પાઠ નહીં શીખે ત્‍યાં સુધી તેઓ આ દેશમાં ઘમંડી સત્તાધારીઓના હાથે માર જ ખાતા રહેશે. નમાલી અહિંસા એ કાયરતાની મોટી બહેન છે. જૈનો કાયરતા ખંખેરીને ખોટાને ખોટું કહેતાં શીખે એ સમયનો તકાજો છે. એમાં કોઈ નેતાની ભુરકીથી અંજાઈ જઈને પરવશ બનીને જીવવાની જરૂર નથી. હક્ક અને ન્‍યાયની વાત હોય ત્‍યાં વ્‍યાપારી દૃષ્‍ટિકોણવાળી વિચારધારા ન જ ચાલે અને કોઈ પક્ષ પ્રત્‍યેની કાયમી પ્રતિબદ્ધતા પણ ન જ ચાલે.

માનનીય શ્રી રાકેશભાઈએ કોર્પોરેશનના આ તઘલખી પગલાના વિરોધમાં તત્‍કાલ ધારાસભ્‍ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે યાદ રાખવું જોઈએ કે તેઓ પહેલાં જૈન છે અને પછી ધારાસભ્‍ય છે. તેઓ જ્‍યાં સુધી આવો જુલાબ નહીં આપે ત્‍યાં સુધી સત્તાધારીઓની સાન ઠેકાણે આવશે નહીં. કોર્પોરેશનમાં ચૂંટાયેલો એકેએક જૈન કાઉન્‍સીલર આ અન્‍યાયી અને રાક્ષસી તંત્રમાંથી રાજીનામું આપીને પોતાનો વિરોધ દર્શાવે.

નિવેદક : મુનિ મિત્રાનંદસાગર
વેજલપુર, અમદાવાદ
તા. ૮ એપ્રિલ, ૨૦૧૧.

વેજલપુરના જૈન દેરાસર ઉપર હથોડો ઉગામતાં પહેલાં

Published 7 એપ્રિલ, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

વેજલપુરના જૈન દેરાસર ઉપર હથોડો ઉગામતાં પહેલાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબ આપે

શું નામદાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી છે?

દેરાસર તોડી પાડવા માટે હાઇકોર્ટમાં ક્યારે અરજી થઈ, ક્યારે કેસ ચાલ્યો, ક્યારે સુનાવણીઓ થઈ વગેરે સવાલોના જવાબો કોર્પોરેશન સહિત કોઈ પાસે છે ખરા?

ભાજપાના શાસનમાં જૈન દેરાસરો ઉપર વધી રહેલાં આક્રમણો

મોગલશાસન વખતે મૂર્તિના વિરોધીઓ દેરાસરો તોડતા હતા. હવેના વખતમાં મૂર્તિપૂજકો દેરાસર તોડે છે. ભાજપાના શાસનમાં જૈન દેરાસરોની અસલામતી વધી છે. છેલ્લાં વરસોમાં દેરાસરોમાં થયેલી ચોરીઓ બાબતે ભાજપાની પોલીસ કશું ઉકાળી શકી નથી અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જૈન દેરાસરને તોડી પાડવા કટિબદ્ધ થયું છે.

અમદાવાદના વેજલપુરની શાંતિનાથ સોસાયટીમાં તદ્દન નાનું માંડ વીસ બાય દસ ફૂટનું દેરાસર આવેલું છે.

  • આ દેરાસર ગેરકાયદે બંધાયું નથી.
  • આ દેરાસર કોઈ પણ નાના કે મોટા રસ્તા ઉપર નડતરરૂપ નથી.
  • આ દેરાસરનું સંચાલન કરતું ટ્રસ્ટ ધારાધોરણ અનુસાર નોંધાયેલું પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છે.
  • આ દેરાસર સોસાયટીની, સરકારની, પાલિકાની, મહાપાલિકાની, કોર્પોરેશનની, ઔડાની કે અન્ય કોઈની પણ જગ્યા દબાવી પાડીને બંધાયેલું નથી.
  • જે જગ્યા ઉપર દેરાસર છે તે જગ્યા ટ્રસ્ટની કાયદેસરની માલિકીની છે.

આ દેરાસર તદ્દન કાયદેસર છે છતાં તેને તોડી પાડવાનો નિર્ણય માત્ર જૈનો માટે જ નહીં, પરંતુ સમગ્ર કાયદાપ્રેમી નાગરિકો માટે આંચકાનો વિષય બન્યો છે.

શાંતિનાથ સોસાયટીમાં વસતા કેટલાક ધર્મવિરોધી તત્ત્વો દ્વારા આ દેરાસરને તોડી પાડવા માટે હાઇકોર્ટમાંથી મૌખિક ઓર્ડર લાવવામાં આવ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉતાવળે ઉતાવળે કોર્ટના હુકમને આગળ કરીને, આગળ પાછળ કશું વિચાર્યા વિના દેરાસરને તોડી પાડવા થનગન થનગન થઈ રહ્યું છે.

આ બાબતે કેટલાક સવાલો ઊભા થાય છે, જેના ઉત્તરો પહેલાં કોર્પોરેશને આપવા જોઈએ.

નામદાર હાઇકોર્ટે દેરાસરના પક્ષને સાંભળ્યા વિના જ મૌખિક હુકમ આપ્યો છે તેની કોર્પોરેશનને ખબર છે ખરી? દેરાસર તોડી પાડવા માટે હાઇકોર્ટમાં ક્યારે અરજી થઈ, ક્યારે કેસ ચાલ્યો, ક્યારે સુનાવણીઓ થઈ વગેરે સવાલોના જવાબો કોઈ પાસે છે ખરા? ગંભીર સવાલ તો એ છે કે શું ભારતનું બંધારણીય ન્યાયતંત્ર એકાદ અરજીના આધારે સામા પક્ષને સાંભળ્યા વગર જ કોઈ નિર્ણય આપી શકે ખરૂં?

સિંગલ જજના મૌખિક હુકમ સામે દેરાસર પક્ષ અપીલમાં ગયો હોવા છતાં અને તે અંગે કોર્પોરેશનને સવિનય જાણ કરી હોવા છતાં કોર્પોરેશન એકદમ અધીરૂં બનીને દેરાસરની અપીલ અંગે આંખ આડા કાન કરીને ‘ગમે તે ભોગે દેરાસરને પાડી જ નાખવું’ એવું એવું મનોમન નક્કી કરીને બેઠું છે. કોર્પોરેશનને પૂછવાનું કે આટલી બધી ઉતાવળ કોના ઇશારે થઈ રહી છે?

દેરાસરનું બાંધકામ ગેરકાયદે હોવાની અપીલ કરનારા લોકો જ્યાં રહે છે ત્યાં કુલ કેટલાં ગેરકાયદે બાંધકામો છે તે અંગે કોર્પોરેશનને કોઈ જાણ છે ખરી?

શાંતિનાથ સોસાયટીમાંનાં બીજાં ગેરકાયદે બાંધકામો અંગે આ પહેલાં કોર્પોરેશનને અરજીઓ મળી છે કે કેમ? જો મળી હોય તો તે અંગે શું પગલાં લીધાં તે જાહેર કરવાની માગણી કરીએ છીએ.

વેજલપુરમાં આશાપુરા માતાનું મંદિર રીતસર રોડ ઉપર નડતર રૂપ અને ટ્રાફિકમાં અડચણરૂપ બન્યું હોવા છતાં અને કોર્પોરેશન તે જાણતું હોવા છતાં તે અંગે આંખ આડા કાન કેમ? શું નામદાર હાઇકોર્ટથી આ બાબત છુપાવીને તેને ગેરમાર્ગે દોરવામાં આવી છે એ વાત સાચી છે?

ભૂતકાળમાં શ્રી ચીમનભાઈ પટેલની સરકાર વખતે એક જી. આર. દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ ધર્મસ્થળ પાડતાં પહેલાં મુખ્યમંત્રીની મંજૂરી મેળવવી. શું વેજલપુરનું દેરાસર પાડી નાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવી કોઈ મંજૂરી મેળવી છે ખરી?

જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધરાર જીદ કરીને દેરાસર તોડી પડાશે તો તેનાં ગંભીર પરિણામો આવશે તેની કોર્પોરેશન નોંધ લે.


નિવેદક મુનિ મિત્રાનંદસાગર
વેજલપુર, અમદાવાદ.
તા. ૭ એપ્રિલ, ૨૦૧૧.