પ્રિય મતદારો,
ગુજરાતમાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શમી ગયાં છે અને મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે થોડીક મહત્ત્વની બાબતોનો વિચાર કરજો.
તમારો એક જ મત કોઈ પણ માંધાતાને સત્તા ઉપરથી ઉથલાવવાની ઠંડી તાકાત ધરાવે છે અને તમારો એક જ મત કોઈ અનજાન મુસાફિરને સત્તાના શિખર ઉપર પહોંચાડવાનો જાદુ પણ ધરાવે છે. તમને મળેલું એક મતનું વરદાન જ પાંચ વરસે એકવાર ભલભલા મહારથીને તમારા પગમાં આળોટવા માટે મજબૂર કરે છે. કારણ કે તમારો એક જ મત તમે ધારો તેવું ચમત્કારી પરિણામ લાવવાની ગુપ્ત તાકાત ધરાવે છે.
તમને મળેલી આ અણમોલ શક્તિ વેડફાઈ ન જાય તે ખાસ યાદ રાખીને મતદાન કરશો તો પાંચ વરસ સુધી પસ્તાવાનો વારો નહીં આવે.
મત આપતાં પહેલાં નીચેની વાતો ગાંઠે બાંધીને પછી જ મતદાન મથક તરફ કદમ માંડજો.
તમે કોઈ પણ ગુંડા, લફંગા, ગુનેગાર કે ક્રિમિનલને વોટ ન જ આપો, પછી ભલે તે તમારા મનગમતા નેતાનો કે મનગમતા પક્ષનો ઉમેદવાર કેમ ન હોય. આ વખતના ચૂંટણી પ્રચારમાં કેટલાક નેતાઓએ ગુનાખોરોને સંસદમાંથી બહાર કાઢવાની વાતો કરી છે. પણ તમે એવું મતદાન કરો કે તેઓ સંસદ સુધી પહોંચે જ નહીં. ધારાગૃહોમાં પહોંચાડવા માટે પહેલાં ગુનેગારોને ટિકિટો આપવી અને પછી તેમને ધારાગૃહોમાંથી હાંકી કાઢવાની વાતો કરવી એ નર્યો વાણીવિલાસ છે, એટલું જ નહીં, તે મતદારોની સમજણ શક્તિનું અપમાન પણ છે. મતદાર નક્કી કરે કે ગુનેગાર ભલે ગમે તે પક્ષનો મેમ્બર હશે, હું તેને સંસદમાં જવા નહીં જ દઉં.
ઉમેદવાર તમારી જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયનો માણસ હોય તો પણ તમે એની લાયકાત તરફ જ ધ્યાન આપો. કોઈ ઉમેદવાર તમારા ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિને મદદ કરશે એવો વહેમ વહેલી તકે મનમાંથી કાઢી નાખો. ઉમેદવારો અંતે તો પોતાના પક્ષના નેતાના કહેવા મુજબ જ આંગળી ઊંચી કરશે. તમે લાયકાત જોઈને જ મત આપો. ઉમેદવારની રાજકીય સમજણ, નૈતિકતા, પ્રામાણિકતા અને પ્રજાભિમુખતા જોઈને જ મત આપો. સંસદમાં મનગમતા પક્ષના નહીં પરંતુ પ્રજાનું કામ કરનારા, ઉત્તમ વહીવટી કાબેલિયત ધરાવનારા અને અવસરે પક્ષીય બાબતોથી મુક્ત રહીને પ્રજા તરફી અભિગમ લેનારા ઉમેદવારને જ ચૂંટો.
હવે પછી કોઈ ઠોઠિયો માણસ શિક્ષણમંત્રી ન બની જાય અને કોઈ ગુનેગાર ગૃહમંત્રી ન બની જાય તેવી સાવધાની રાખીને મતદાન કરો. એવા લોકોને ધારાગૃહોમાં મોકલો જ નહીં, જેમને મોકલ્યા પછી તમારે તમારી જાતને પાંચ પાંચ વરસ સુધી કોસ્યા જ કરવી પડે.
તમારા વિસ્તારમાંથી ઉમેદવારી કરનાર ઉમેદવાર છેલ્લાં પાંચ વરસમાં તમારી વચ્ચે કેટલી વાર આવ્યો તે જુઓ. તમે લખેલા કેટલા પત્રોના જવાબો તેણે આપ્યા તે જુઓ. તમે કરેલી કેટલી રજૂઆતો લેખે લાગી અને કેટલી રજૂઆતો એળે ગઈ તે પણ જુઓ. જો તમારા મતવિસ્તારનો ઉમેદવાર તમારૂં કાર્ય કરવા સક્ષમ નથી અથવા તો તે તમારૂં કામ કરવાની દાનત ધરાવતો નથી તો તમે તેને ખુલ્લો જાકારો આપો. પછી ભલે તેને તમારા મનગમતા નેતાએ કે મનગમતા પક્ષે ચૂંટણીની ટિકિટ આપી હોય.
કોઈ પણ નેતાની ભાષણબાજીથી અંજાયા વિના જ તમારા અંતરાત્માને ઢંઢોળીને મતદાન કરો. સારો ભાષણબાજ એટલે સારો નેતા એવું સમીકરણ લોકતંત્ર માટે હાનિકારક છે.
મતદાર મિત્રો, ખાસ યાદ રાખો કે તમારા એક જ મતમાં અગાધ તાકાત છે. એ તાકાત વેડફાઈ ન જાય અને પૂરેપૂરી લેખે લાગે એ રીતે મતદાન કરો. આપણું ગુજરાત ગુનાખોરીમાં ક્યાં છે, શિક્ષણમાં ક્યાં છે, આરોગ્યમાં ક્યાં છે, પ્રાથમિક જરૂરિયાતોમાં ક્યાં છે, લોકતાંત્રિક પરંપરાના વિકાસમાં ક્યાં છે વગેરે પાસાં જોઈ વિચારીને જ મતદાન કરો.
તમારા મતવિસ્તારનો ઉમેદવાર પાંચ વરસ પહેલાં ક્યાં હતો અને આજે ક્યાં છે એ તરફ નજર કરવાનું પણ ભૂલશો નહીં.
અને સૌથી મહત્ત્વની વાત : કોઈ ‘સર્વે’થી દોરવાઈને કે વર્તમાન પ્રવાહ જોઈને આગાહીઓ કરતા જ્યોતિષીઓની બોગસ વાતોમાં આવી જઈને તો ભૂલથી પણ મતદાન કરતા નહીં. જ્યોતિષીઓ કહેતા હોય એ માણસ જ પ્રધાનમંત્રી બનશે એવું માની લેવાની કોઈ જરૂર નથી. ‘કુદરતને જે મંજૂર હોય તેની ખબર મોટા ભાગના જ્યોતિષીઓને હોતી નથી.’ કારણ કે તેઓ ગ્રહો મુજબ નહીં, પરંતુ પ્રવાહો મુજબ અને પોતાની અંગત વિચારધારા મુજબ આગાહીઓ કરતા હોય છે.
આ અણમોલ ક્ષણ ચિંતનની છે. કોઈથી ડરો નહીં, કોઈથી અંજાઓ નહીં, કોઈની શેહમાં તણાઓ નહીં. આ રીતે મતદાન કરો અને એક ગુજરાતી તરીકે તમારૂં મસ્તક હંમેશાં ઉન્નત રાખો.
નિવેદક : મુનિ મિત્રાનંદસાગર
શાંતિનાથ, વેજલપુર, અમદાવાદ.