આગમનો આસ્વાદ

All posts in the આગમનો આસ્વાદ category

આગમનો આસ્વાદ : મધનો ઘડો અને ઝેરનો ઘડો

Published 30 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

મધનો ઘડો અને ઝેરનો ઘડો
■ મુનિ મિત્રાનંદસાગર
•••

શ્રમણ ભગવાન મહાવીરે જગતની વિવિધતાઓ અને વિચિત્રતાઓ ઉપર ખૂબ જ વિશદ પ્રકાશ પાડ્યો છે. સ્થાનાંગસૂત્રમાં તેમણે જગતના જીવોનું જે સ્વરૂપદર્શન કરાવ્યું છે તે જ્ઞાનદાયક તો છે જ, ઉપરાંત આનંદદાયક પણ છે.

મધ અને ઝેરના ઘડાની ઉપમા દ્વારા ભગવાને માણસના અંતઃકરણનું દર્શન કરાવ્યું છે તે જોવા જેવું છે.

૧. એક ઘડો એવો હોય જેમાં મધ ભરેલું હોય. આનું ઢાંકણ પણ મધુર હોય.

૨. એક ઘડો એવો હોય જેમાં મધ તો ભરેલું હોય પણ તેનું ઢાંકણ ઝેરી હોય.

૩. એક ઘડો એવો હોય જેમાં આમ તો ઝેર ભરેલું હોય પણ તેનું ઢાંકણ મધુર હોય.

૪. એક ઘડો એવો હોય જેમાં ઝેર તો ભરેલું હોય જ પરંતુ તેનું ઢાંકણ પણ ઝેરી હોય.

આમ કહીને ભગવાને લોકોના પ્રકારો પાડ્યા. તેમણે કહ્યું કે ચાર પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો એવા હોય જેના હૈયે પાપ કે ક્લેશ ન હોય અને તેમની જીભે પણ પાપ કે ક્લેશ ન હોય. મતલબ કે તેઓ હૈયે પણ મધુર, નિષ્પાપ, ક્લેશ વગરના હોય અને બોલચાલમાં ય મધુર, નિષ્પાપ, ક્લેશ વગરના હોય. આ પહેલા પ્રકારના ઘડા જેવા માણસો થયા. બહુ જ ઊંચાઈ ઉપર પહોંચેલા અત્યંત ખાનદાન માણસો આ વર્ગમાં આવે.

કેટલાક લોકોના હૈયે તો પાપ કે ક્લેશ ન હોય પણ બોલવામાં તેઓ બહુ આકરા હોય. આ બીજા પ્રકારના ઘડા જેવા લોકો થયા. પેટમાં પાપ નહીં, પણ ભડભડીયા લોકો આ વર્ગમાં આવે! મનના ચોખ્ખા, પણ તડને ફડ કરી નાખે!

કેટલાક લોકો એવા હોય જેઓ બોલચાલમાં તો મીઠા મધ જેવા હોય, પરંતુ તેમના મનમાં છલોછલ પાપ ભરેલું હોય. આવા લોકો મધુર ઢાંકણવાળા ઝેર ભરેલા ઘડા જેવા હોય. મુખમેં રામ બગલમેં છુરી જેવા માણસો! આમનું પનારૂં પડે એને દેખીતા દુશ્મનોની કોઈ જ જરૂર નહીં! પીઠ પાછળ ક્યારે ઘા કરી નાખે તે ખ્યાલમાંય ન આવે! દેખીતા દુશ્મનથી તો માણસ સાવધાન પણ રહી શકે. આ તો મિત્ર બનીને શત્રુધર્મ અદા કરે!

હવે સૌથી છેલ્લા પ્રકારના લોકો. આ લોકો અંદરથીયે પાપી હોય અને બોલવામાંય કડવાઝેર હોય! આ વર્ગના લોકો ચોથા ઘડા જેવા ગણાય. બધી વાતે પૂરા!

ભગવાન મહાવીરનાં વચનો એટલે માત્ર કોરૂં અને શુષ્ક તત્ત્વજ્ઞાન કે કેવળ કઠોર આચાર વિચારનું નિરૂપણ એવું નહીં, એમાં તો ધબકતા હૈયાની અનુભવવાણીનો પ્રકાશ પણ એટલો જ મળે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના મે, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત