પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજશ્રીને વિનંતી

Published 23 ફેબ્રુવારી, 2011 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

પૂજ્યપાદ શાસનપ્રભાવક છેદસૂત્ર આદિ આગમોનાં રહસ્યોને પાર પામ્યા હોવાની પ્રતિષ્ઠા ધરાવનાર આચાર્ય ભગવંત શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજશ્રીનાં ચરણોમાં શતશઃ વંદનાવલિ આદિ સમુચિત જીતાચારના પાલન પૂર્વક.

ભગવન્ ! સવિનય શાતાપૃચ્છા કરૂં છું.

વિશેષમાં વિનમ્ર નિવેદન છે કે અમદાવાદની ૨૬ વર્ષની નાજુક વય ધરાવનારી કિંજલ શાહની ૧૮૦ ઉપવાસની કથિત તપશ્ચર્યા આજકાલ ચર્ચામાં છે. સાંભળવા મળ્યું છે કે આપ પૂજ્યપાદની નિશ્રામાં કિંજલબેનના પારણાનો કાર્યક્રમ (સ્વાભાવિક રીતે જ, ધામધૂમથી) યોજાનાર છે.

ભગવન્ ! આપ મહાજ્ઞાની છો. તેથી જ આપનાં ચરણોમાં થોડાક પ્રશ્નો લઈને આવ્યો છું.

શહીદ ભગતસિંહે તત્કાલીન પાર્લામેન્ટમાં બોમ્બ ફેંક્યા પછી ખુલાસો કર્યો હતો કે “અંગ્રેજોના બહેરા કાન સુધી મારી વાત પહોંચતી નહોતી તેથી ભારતની પાર્લામેન્ટમાં બોમ્બધડાકો કરવો પડ્યો છે.”

હું પણ ભગતસિંહ જેવી મનોદશામાંથી પસાર થઈ ચૂક્યો છું અને તેથી જ મારે પણ અવારનવાર બોમ્બધડાકા કરવા પડે છે. પરંતુ ભગતસિંહની તુલનામાં હું થોડો કમનસીબ છું કારણ કે મેં કરેલા બોમ્બધડાકા જૈન સંઘના અંગ્રેજનુમા નેતાઓના કાન સુધી પહોંચતા નથી.

તેમ છતાં,

આજે ફરી એકવાર બોમ્બધડાકો કરવાની જરૂરત ઊભી થઈ છે. તેથી આપનાં ચરણોમાં આ નિવેદન પાઠવી રહ્યો છું. એમ કરવામાં હું આપનો પૂરતો વિનય સાચવવાની તમન્ના રાખું છું.

આપશ્રી તો આગમોના ઊંડા અભ્યાસી છો તેથી ધન્ના અણગારની તપસ્યાનું વર્ણન આપની જાણ બહાર તો નહીં જ હોય. હું આ પત્ર જાહેર મંચ ઉપરથી લખું છું તેથી આગમોમાં આવેલું ધન્ના અણગારનું વર્ણન શું છે તેના બે-ચાર મુદ્દાઓની જાણકારી આ પત્ર વાંચનારા લોકોના સંતોષ ખાતર આપવાનું ઉચિત સમજું છું.

ઉગ્ર તપશ્ચર્યાના કારણે ધન્ના અણગારના શરીરની જે સ્થિતિ થઈ હતી તેનું વર્ણન કરતાં આગમકાર લખે છે કે—

ધન્ના અણગારના પગ માંસવિહીન, સૂકા થઈ ગયા હતા અને તેમના પગમાં જાણે માત્ર હાડકાં જ બચ્યાં હતાં.

ધન્ના અણગારના પગની આંગળીઓ તદ્દન કરમાઈ જઈને છિન્નભિન્ન અવસ્થાને પામીને મગની શીંગો જેવી પાતળી થઈ ગઈ હતી. ધન્ના અણગારની જંઘાઓ તો જાણે કાગડાના પગ જેવી પાતળી પડી ગઈ હતી. તેમની કેડ તો ઊંટના પગની જેમ વળી ગઈ હતી. તેમના પેટનો પ્રદેશ સૂકોભટ્ઠ થઈ ગયો હતો.

તેમની પાંસળી, પીઠ, તેમના બાહુ, હાથની આંગળીઓ, તેમની ડોક વગેરે અંગોની હાલત એવી થઈ ગઈ હતી કે એનું વર્ણન વાંચીને જ ખ્યાલ આવી જાય કે ઉગ્ર જૈન તપશ્ચર્યા કરનારના શરીરની કેવી સ્થિતિ થઈ જાય. ધન્ના અણગારની જીભ વડ અને ખાખરાના પાનની જેમ સુકાઈ ગઈ હતી. આ મહામુનિ ચાલતા ત્યારે તેમનાં હાડકાં એક-બીજા સાથે ઘસાવાથી ખખડ ખખડ અવાજ કરતા હતા…. વગેરે વગેરે વગેરે.

अणुत्तरोववाइयदसाओના આધારે લખેલી આ વાતનો સાર એ કે ઉગ્ર જૈન તપસ્યા કરનારના શરીરમાં થતા ફેરફારો પહેલી નજરે જ ધ્યાન ખેંચે તેવા હોય છે.

જેમ જેમ તપનો વ્યાપ વધતો જાય તેમ તેમ શરીરનો વ્યાપ ઘટતો જાય, જેમ જેમ તપની લંબાઈ વધતી જાય તેમ તેમ શરીરનું ગળતર પણ વધતું જાય એ શરીરનો સ્વાભાવિક ગુણધર્મ છે. બીજી વાત એ કે મહાવીર-યુગના ઉચ્ચકક્ષાનાં સંઘયણ ધરાવનાર મહામુનિઓનાં શરીર પણ જો ઉગ્ર તપશ્ચર્યાના પ્રતાપે વેરણછેરણ થઈ જતા હોય તો છેવટ્ઠું સંઘયણ ધરાવનાર આ યુગના પામર મનુષ્યોની તો શી વિસાત!

પ્રભો! ક્ષમા કરજો. હું કિંજલબેનની તપસ્યા બદલ કેટલાક સવાલો પૂછવા માગું છું.

 1. આ બેનના શરીરમાં, એકસો અઠ્યોતેર દિવસો પછી પણ, કેમ કોઈ ફરક જણાતો નથી?
 2. ઉપવાસના પ્રમાણમાં તેમનું શરીર કેમ ઊતર્યું નથી?
 3. ઉપવાસના પ્રમાણમાં તેમનું વજન કેમ ઘટ્યું નથી?
 4. આટલી લાંબી અને ઉગ્ર તપસ્યા પછી પણ કિંજલબેન કેમ છૂટથી હરી ફરી શકે છે?
 5. આટલી લાંબી અને ઉગ્ર તપસ્યા પછી પણ કિંજલબેન કેવી રીતે મન મૂકીને નાચી શકે છે?
 6. એકસો પચાસમા ઉપવાસે કિંજલબેન શત્રુંજય ગિરિરાજની યાત્રા ચાલીને કેવી રીતે કરી શકે?
 7. એકસો પચાસમા ઉપવાસે શત્રુંજય ગિરિરાજની યાત્રા, ચાલીને કર્યા પછી પણ, કિંજલબેનની કિડનીઓના ફંકશનમાં કોઈ તકલીફ ઊભી ન થાય તે કેવી રીતે બની શકે?
 8. ઉપવાસના એકસો એંસીમા દિવસે કિંજલબેનના બ્લડમાં શુગરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ?
 9. ઉપવાસના એકસો એંસીમા દિવસે કિંજલબેનનું હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ?

*

જેમ કેટલાક ભોળા(!) જૈનો માને છે કે કિંજલબેન આ બધું શાસનદેવની સહાયથી કરે છે તેમ શું આપ પણ માનો છો કે કિંજલબેન આ બધું શાસનદેવની સહાયથી કરે છે? તો સવાલ એ છે કે આગમપ્રોક્ત યક્ષા સાધ્વીના કિસ્સામાં બન્યું હતું તેમ શાસનદેવ અમારા જેવાની શંકાઓને નિર્મૂળ કરવા પારણાના દિવસે આ ધરતી ઉપર પધારશે?

શાસનદેવ કઈ ખુશીમાં કિંજલબેનને સહાય કરી રહ્યા છે તે આપણે જાણી શકીએ?

છેલ્લા દાયકામાં અનેક સાધુ-સાધ્વીજીઓ, ખાસ કરીને સાધ્વીજીઓ ઉગ્ર તપસ્યા દરમ્યાન કાળધર્મ પામ્યાના દાખલા બન્યા છે. તે બધા સંયતોને શાસનદેવ તપમાં સહાયક ન બને અને માત્ર કિંજલબેન જેવાં અસંયતની તપસ્યામાં જ સહાયક બને એવા શાસનદેવની સમજશક્તિ અંગે આપ શું કહો છો?

ભગવાન મહાવીરદેવની પ્રશંસા પામેલા અને કાળધર્મ પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં બિરાજમાન થનારા એવા પણ ધન્ના અણગારને શાસનદેવ તપસ્યામાં કોઈ સહાય ન કરે અને કિંજલબેનને જ કરે એનું કોઈ ખાસ કારણ જાણવા મળી શકે? આપ તો ગીતાર્થતાની પ્રતિષ્ઠા ધરાવો છો, આપ શું કહો છો?

શાસનદેવની સહાયતાથી હાલવા-ચાલવામાં સ્ફૂર્તિ રહે તે કદાચ સમજી શકાય, પણ શાસનદેવની સહાયથી તપ કરનારનું શરીર જરાયે ઓગળે જ નહીં એવું બની શકે ખરૂં? આ અંગે આપ શું ફરમાવો છો?

પૂજ્યપાદશ્રીને જણાવવાનું કે આપશ્રીની નિશ્રામાં આપશ્રીના આશીર્વાદ પૂર્વક પારણું થવાનું જાણ્યું તેથી આપને આ પત્ર લખ્યો છે.

સાહેબજી, પેલા સ્તવનમાં આવે છે ને કે ‘અંધો અંધ પુલાય…’ આ કથન ઉપર વિચાર કરશોજી.

ભંતે! ખૂબ વિનય પૂર્વક આજીજીની હદે વિનંતી કરૂં છું કે આપશ્રી આ નિશ્રાપ્રદાન માંડી વાળો તો સારૂં.

અથવા, કિંજલબેનને નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફિક ટેસ્ટ અને બ્રેઇન-મેપિંગ ટેસ્ટ કરાવવાની આજ્ઞા આપો. જેથી આવતી કાલના લોકો માપ બહારની તપસ્યા(નો દેખાવ) કરતાં પહેલાં સો વાર વિચાર કરે.

જેણે ૧૮૦ દિવસ શાસનદેવની સહાયથી ખેંચ્યા છે તેને પારણામાં એકાદ બે દિવસનો વિલંબ થશે તો કોઈ વાંધો આવશે નહીં.

નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફિક ટેસ્ટ અને બ્રેઈન-મેપિંગ ટેસ્ટ (Narco Test/Polygraphic Test/Brain Mapping Test)માં કિંજલબેનની તપશ્ચર્યા સાચી સાબિત થશે તો આપનો અને શાસનદેવનો બન્નેનો મહિમા વધશે…(કિંજલબેનનો મહિમા તો આમ પણ વધેલો જ છે!)

સાહેબજી! ‘રાજા નાગો કેમ છે’ વાળી વાર્તા તો આપે સાંભળી જ હશે. શું આપ પણ એ રાજાના વરઘોડામાં જોડાઈ જશો?

शिवो रक्षतु ‘ते’ यशः…

ભંતે, આવી લાંબી તપશ્ચર્યા પછી પણ તપસ્વીના શરીર ઉપર કોઈ અસર ન થાય એ વાત હું આ જાહેર પત્ર દ્વારા નકારી કાઢું છું. કિંજલબેનના પારણાને નિશ્રાપ્રદાન કરીને આપશ્રી આપની આગમિક જ્ઞાનની પ્રતિષ્ઠાને હોડમાં ન મૂકો તો સારૂં એવી ભાવભીની વિનંતી સાથે—

જાણતાં અજાણતાં કોઈ અવિનય થયો હોય તો ક્ષમાયાચનાપૂર્વક વિરમું છું.

सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः।

अन्यथा धर्मबुद्ध्यैव, तद्विघातः प्रसज्यते।।

મુનિ મિત્રાનંદસાગરનાં શતશઃ વંદન.

અમદાવાદ, બુધવાર, તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧.

Advertisements

12 comments on “પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજશ્રીને વિનંતી

 • સાચું કહુ તો આ સવાલ તો મને પણ થયો હતો કે ૧૮૦ ઉપવાસ કરી રહેલા તપસ્વીની તબિયત કેવી હોય?? કારણકે મારો પિતરાઈ ભાઈએ માસક્ષમણ કર્યુ ત્યારે તેમનું વજન લગભગ ૧૦-૧૨ કિલો ઉતર્યુ હતું.

  આશા છે કે આ સવાલોનો કોઈ જવાબ આવશે…

  • હઁઅઁઅઁઅઁ…
   ખરો મુદ્દો પકડ્યો.
   હવે ત્રિરાશિ માંડો. ૧૮૦ ઉપવાસ એટલે સળંગ છ માસક્ષમણ થયાં.
   ત્રીસ ઉપવાસે ૧૦ કિલો વજન ઓછું થાય, તો, ૨૬ વરસની છોકરીનું વજન ૧૮૦મા ઉપવાસે કેટલું હોવું જોઈએ?
   આમાં ‘દેવ-ગુરુ-પસાય’ અને ‘શાસનદેવની સહાય’ જેવા ગેરમાર્ગે દોરનારા જવાબોની જરૂર જ ક્યાં રહે છે!
   જ્યાં કોમન સેન્સથી કામ સરતું હોય ત્યાં ‘વિષય જો હોય શ્રદ્ધાનો….’ જેવા જવાબો ન જ ચાલે.
   નકલી ૧૮૦ ઉપવાસનું જોરદાર માર્કેટિંગ અસલી તપસ્યા કરીને હાડ ગાળગારા તપસ્વીઓનું ઘોર અપમાન સમજવું જોઈએ.
   આભાર હિરેનભાઈ.

   • well said..
    I think Maharaj Saheb has lost a faith in Jainism. એમને હવે દેવ ગુરુ ધર્મ ઉપર શ્રધા નથી એમ લાગે છે. કાં તો પછી હવે મહારાજ સહેબ ને પણ કિંજલ બેન ના નામે પબ્લીસીટી મેળાવવી લાગેછે.

 • પૂજ્ય મુનીશ્રી
  જૈન ધર્મના ઉપવાસો વિશે તો હું ખાસ જાણતો નથી પણ મેં એક વખત નીર્જળા એકાદશી કરવાનું સાહસ કરેલું અને રાત સુધીમાં તો શરીરમાંથી બધી તાકાત ચાલી ગયેલી. ૧૫ દિવસથી વધારે સામાન્ય મનુષ્ય અન્ન વગર સ્વસ્થતાપૂર્વક ન જીવી શકે તેથી આ બાબતની તપાસ તો જરૂરી છે. વળી આપ પોતે પણ જૈન સમુદાયના મુની હોવાથી આ પ્રશ્ન વધારે સારી રીતે ઉઠાવી શકો અને શક્યા છો તે બદલ ધન્યવાદ.

  જોવાનું તે છે કે લાગતાં વળગતા લોકો આ બાબતે જવાબ આપે છે કે નહિં?

 • અત્યારે લગભગ ધર્મ ને નામે ધતીગ કરી એના નામે એક મસમોટો વેપાર ચાલે છે સાચો ધર્મ અને ધર્મ સેવા ક્યોએ દેખાતો નથી , ધર્મના ઓઠા,હેઠળ ,ધંધાકીય પ્રવૃત્તિ ચાલે છે

 • વાહ!૧૮૦ દિવસના ઉપવાસ અને કિંજલ નાચી પણ શકે?એક તો પોતાના શરીરને ભૂખે મરવું તે પણ હિંસા જ કહેવાય.કોઈ બીજાને પીડા આપે તે અને કોઈ પોતાને પીડા આપે તે બંને માં કોઈ તાત્વિક ફેર નથી.બંને હિંસક છે.શરીરને સમયસર ખોરાક ના આપો તો શરીર પોતાને ખાવાનું શરુ કરી દેતું હોય છે.૧૮૦ દિવસનો તો સંથારો જ થઇ જાય.કિંજલ પરલોક પામી જાય એના બદલે આતો અહી નાચી રહી છે.કહેતા બી દીવાના,પણ સુણતાં બી દીવાનાઓમાં હું તો સામેલ નથી.

 • jain samaj vartman ma gadriya pravah ma jai rahyo chhe, na koi soch, na koi samaj, matr ne matr gheta ni jem j chale chhe.. vartman jain samaj ni je halat chhe evi halat last 2600 year ma kyarey nathi thai…

  kinjal ben na upavas na karne su thase future ma???

  1 koi pan 180 jetla ke enathi vadhare pan upavas nu toot chalavse

  2 sacha tapsvi o nu ane tap nu avmulyan thase..

  3 tap e business bani jase..

  4 sauthi moti vat e k jo test etc ma kai pan wrong aavyu to jain shashhan ni bhayankar badnami thase..[ e test karava mate pan na kahe chhe aa pan 1 vicharva layak vat chhe…

 • As someone suggested, Maharajsaheb should personally try to find the truth and approach kinjalben rather than spreading doubts and negativism in public forum.
  Another issue in Jain dharma, are the so-called new age leaders who in spite of not taking diksha are being revered as sadhu or even something more divine!

  There is a large group of followers behind these gurus, mostly from affluent families who have little knowledge of basic jain principles.

  I will not name names, as people who read this do know who they are.

 • Jai Jinendra,

  People should remember that Shri Hiraratan Manek did more than 400 upvas with help of sun rays. He was periodically examined by doctors from India and UK. They found that all his organs functioned properly. I have personally heard him give a lecture for more than an hour when he had 75th upvas. He was standing while giving lecture.
  5 to 6 years ago, our Jain maharjsaheb also did more than 150 upvas he he was even doing vihar.
  May be Kinjalben is doing the tap same way.
  _Viren

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google+ photo

  You are commenting using your Google+ account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  w

  Connecting to %s

  %d bloggers like this: