આંખ આડા કાન : મુનિ : બહારથી ત્યાગી પણ અંદરથી અત્યાગી

Published 3 ઓક્ટોબર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

મુનિ : બહારથી ત્યાગી પણ અંદરથી અત્યાગી
■ મુનિ મિત્રાનંદસાગર
•••

आतुरं लोगमायाए चइत्ता पुव्वसंजोगं…..जाणित्तु धम्मं अहा तहा अहेगे तमच्चाइ कुसीला…..

— આચારાંગસૂત્ર અ. ૬, સૂ. ૭.

જ્યારે કોઈ વ્યક્તિ ગૃહવાસનો ત્યાગ કરીને મુનિ બને છે ત્યારે તેના મનમાં કઈ ભાવના હોય છે? તે ત્યાગથી પ્રેરાઈને મુનિ બને છે એમ સામાન્ય રીતે આપણે સાંભળતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ. ત્યાગ શબ્દ જ્યારે જ્યારે આપણી સામે આવે છે ત્યારે ત્યારે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે ઘર છોડી દેવું, ધનસંપત્તિ છોડી દેવી, પરિવાર છોડી દેવો, કુટુંબકબીલાની જંજાળો છોડી દેવી, પોતાનું ગામ, પોતાનો સમાજ, પોતાની માલિકીના પદાર્થો વગેરે બધું છોડી દેવું તે ત્યાગ છે. ટૂંકમાં સર્વસંગનો ત્યાગ.

ઘણીવાર સાંભળવા મળે છે કે ફલાણા ભાઈએ આટલા લાખ રૂપિયાનો ત્યાગ કરીને દીક્ષા લીધી. આપણે અહોભાવથી ઝુકી જઈએ છીએ : આટલી મોટી સંપત્તિનો મોહ કેવી રીતે છૂટી શક્યો હશે? જે માણસ પાંચ રૂપિયા પણ જતા નથી કરી શકતો તેની માટે લાખ્ખો રૂપિયાના ત્યાગની વાત એક આંચકા સમાન છે. ટૂંકમાં, સર્વ કાંઈ ત્યાગીને વ્યક્તિ મુનિ બને છે. પણ ખરી વાત હવે જ આવે છે. સર્વત્યાગના પંથે ગયેલા વ્યક્તિની જીવનચર્યાનાં લેખાંજોખાં કરવામાં આવે તો ખ્યાલ આવે કે તેના ત્યાગમાં વાસ્તવિક ત્યાગ કેટલો અને ત્યાગની ભ્રાન્તિ કેટલી? પોતાની માલિકીનું ધન છોડીને મુનિ બનેલ વ્યક્તિ કરોડો રૂપિયાનાં ટ્રસ્ટો બનાવીને સંસારમાં પોતાની પાસે હતું તેથી યે વધારે ધન ઉપર પોતાનો કાબૂ ધરાવે છે. તે મુનિની ઇચ્છા વગર ટ્રસ્ટમાંથી એક રૂપિયો પણ આઘોપાછો થઈ શકતો નથી. બ્રહ્મચર્યનું પાલન કરવાની બડાશ હાંકતો મુનિ સ્ત્રીઓનાં ટોળાંઓની વચ્ચે જ ઘેરાયેલો રહે છે. તે ધનશક્તિ દ્વારા સ્ત્રીઓને ખરીદે છે, ભોગવે છે અને પાછો પોતાને ‘બ્રહ્મચારી’ પણ કહેવડાવે છે. પોતાનાં પાપો ઢાંકવા માટે અને આબરૂ બચાવવા માટે તે નવેસરથી પૈસા ખરચે છે! રાગદ્વેષના ત્યાગની વાતો કરનાર તે મુનિના જીવનમાં કષાયોનો પાર જ નથી હોતો. તક મળ્યે તેના કષાયો ભડકી ઊઠે છે! ઘર વિનાનો એવો તે અણગાર પોતે બનાવેલા કહેવાતા ઉપાશ્રયને ‘આ મારૂં ઘર છે’ એમ કહે છે! આચારાંગસૂત્રમાં તો કહેવાતા ગુરુસાંનિધ્યમાં રહેતા એ મુનિની ઠેકડી ઊડાડી છે જે ગુરુસાંનિધ્યમાં રહીને પણ ચારિત્રના ચૂરેચૂરા કરે છે. આવા નકલી ત્યાગી માટે આચારાંગસૂત્રમાં ‘કુશીલ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. આવા નકલી મુનિઓ લોકોની આંખોમાં ધૂળ નાખે છે કારણ કે લોકોની દૃષ્ટિએ તે ‘ગુરુકુલવાસી’ હોય છે પરંતુ અંદરથી ભોગી હોય છે! जाणित्तु धम्मं अहा तहा… આવો મુનિ આમતેમ કરીને થોડાંઘણાં શાસ્ત્રો ભણી લે છે, લોકોને પોતાના ‘જ્ઞાન’નો લાભ પણ આપે છે, પરંતુ પોતે તો જ્ઞાનના ફળથી વંચિત જ હોય છે. એક બહુ સુંદર સુભાષિત નાની વયમાં વાંચ્યું હતું : यथा खरश्चंदनभारवाही भारस्य भागी न तु चंदनस्य… જેમ ગધેડાની પીઠ ઉપર ચંદનકાષ્ઠ હોય પણ તે ગધેડાને ફાળે તો માત્ર તેનો ભાર જ આવે છે. ચંદનનો કોઈ લાભ ગધેડાને મળતો નથી. થોડુંઘણું ભણી ગયેલો પણ ધર્મના અંતરંગને ન સમજેલો તે મુનિ બહારથી ત્યાગી દેખાતો હોવા છતાં અંદરથી તો અત્યાગી જ હોય છે. કારણકે તેના મનમાં તો કામભોગો, અનુકૂળ પદાર્થો, ધનસંપત્તિ, બાહ્ય સુખનાં સાધનો વગેરે મેળવવાની કામના અને લાલસા પડેલી જ હોય છે. જ્ઞાનરૂપી ચંદનનો ભાર વહન કરતા તે મુનિને જ્ઞાનનો લાભ મળવાના બદલે તેના ફાળે તો માત્ર જાણકારીનો બોજ જ આવે છે. કહે છે કે રામના નામે પથરા તરી જાય છે. ભગવાન મહાવીર અને પોતાના મહાન ગુરુઓના નામે કેટલાયે પથરા ‘તરી’ ગયા છે! ભોળા માણસો તેમને ‘ધર્મગુરુ’ કહે છે!

ટ્રેજેડી એ છે કે ગધેડો બિચારો પોતાની પીઠ ઉપર શું છે તે જાણતો પણ નથી! અને તે ક્યારેય ચંદનનો લાભ લેવાનો દાવો કરતો પણ નથી. કોમેડી એ છે કે નકલી સાધુ પોતાને અસલી ત્યાગી કહેવડાવવામાંથી નવરો પડતો નથી—પોતે નકલી સાધુ છે તેમ જાણવા છતાં! અહીં ગધેડા અને ‘માણસ’ વચ્ચેનો ફરક સમજવા જેવો છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

12 comments on “આંખ આડા કાન : મુનિ : બહારથી ત્યાગી પણ અંદરથી અત્યાગી

 • કેવી ગંભીર બાબત આપે બ્લોગ ઉપર મૂકવાની હિંમત કરી છે. એક મુનિ આટલું નિર્ભીક લખી શકે એ નવાઈ પ્રેરે છે. આજે તો દરેક સંપ્રદાયના ગુનેગાર સાધુઓને છાવરવાનો ઉદ્યમ થતો દેખાય છે.
  ભારોભાર સચ્ચાઈથી નીતરતો લેખ.
  આપની હિંમતને સો સો સલામ.

 • પૂજ્ય મુનિશ્રી,
  આપનાં લખાણોમાં છેલ્લા કેટલાય વખતથી જય જિનેન્દ્ર માસિકનો હવાલો હોય છે તો આ માસિક અંગે માહિતી આપવા વિનંતી. ક્યાંથી બહાર પડે છે અને લવાજમ વગેરે વિગતો આપશોજી.

 • ૨૦૦૨માં પ્રકાશિત આ લેખ આજે અત્યારે પણ દંભ અને મિથ્યાચારને પ્રગટ કરે છે… મને પણ આવા કહેવાતા મહાત્માનો અનુભવ છે… એકાદ મુનિ..મનુષ્યાણાં સહસ્રેષુ (Geetaji) કોઈ સિદ્ધ થાય તેવા પ્રયત્ન પ્રામાણિકતાથી કરે તેને ખૂબ ખૂબ અભિનંદન… તેને માટે ચૈતન્યના શિખર ઉપર પૂરતી જગા છે

 • દંભ અને પાખંડ બહાર પાડવા માટે ઘણી હિંમતની જરૂર હોય છે. ઘણી એ વાર મને થાય છે કે અયોગ્ય લોકો દિક્ષા લેવાના બદલે ધીરે ધીરે સંયમ કેળવીને સ્વકલ્યાણ તરફ આગળ વધે તે વધારે આવકારદાયક છે. પણ આચાર્યો પોતાનો કાફલો મોટો કરવા પુરતી પરખ કર્યા વગર જ શિષ્યોના માથા મૂંડે છે અને પછી ગુરુ અને ચેલા તથા સાથે સાથે સમાજ એમ બધા હેરાન થાય છે.

 • સાહેબ માનવ બધા જ મુળે તો જ અજાણતા જ ધર્મી હોય છે, પણ ધર્મી બનવાની મથામણ તેને અધર્મી બનવી દે છે. અને ત્યાગ-સન્યાસ દુનિયાને કહીને કે દેખાડવા માટે લીધેલ એ સન્યાસ-મુનીપણુ નથી આંધળાપણુ છે. વૈરાગ્ય તો સંસારી રહીને જ ભોગવે તો જ પરીક્ષામાં પાસ થઈ કબીર થવાય બાકી તો આપણો દેશ હજુ પણ અંધકારમાં જ છે. સાહસ માટે અભિનંદન.

 • શત શત વંદન મુનિશ્રી જી ને
  આપ જેવા જો બધાય વેશ ધરીઓ
  સાધુઓ , સંતો ,મુનીઓ ,બાપુઓ ,બાવાઓ
  ગુરુઓ ,,ધર્મ પ્રચારકો , આ દેશ મો હોય તો
  આ દેશ સ્વર્ગ બની જાય
  હિમત ભર્યો લેખ લખવા બદલ
  ફરીથી મુનીશ્રીજીને શત શત વંદન

 • મુનીશ્રીજી,
  પ્રણામ. તમારી હિંમતને દાદ દેવી પડે. મારી બા આજ થી ૫૦/૫૫ વર્ષ પહેલા કહેતા હતા કે રમણલાલ વસંતલાલ દેસાઈએ ઘણા જૈન મુનીના ખાનગી જીવન વીશે તે વખતે એક પુસ્તક લખ્યું હતું અને તેનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. કદાચ તમને ખબર હશે અને નહી ખબર હોય તો ખાસ વાંચવા જેવું છે એવી મારી બાની વાતો ઉપરથી લાગતું હતું. મને નામ ખબર નથી કે મેં વાંચ્યું નથી કારણ કે હું ખુબ જ નાનો હતો. તમારો ખુબ જ વિરોધ થયો હશે પરંતુ એ તો સ્વાભાવીક છે અને આટલા બધા સ્પષ્ટ વિચારો ધરાવો છો એટલે ઉપરવાળો પણ મદદ કરે. પાપના ફળો બધાને ભોગવવા જ પડે છે. મારા બ્લોગમાં ભજન-ગરબામાં જૈન સ્તવનો અને બીજું બધું છે, ટાઈમ મળે તો મુલાકાત લેવા વિનંતી.

  • આભાર વિપુલભાઈ,

   તમારા પ્રતિભાવ બદલ ઋણી છું.

   દોષને દોષ તરીકે સ્વીકારવો અને ગુણને ગુણ તરીકે સ્વીકારવો એ સાધુનું કર્તવ્ય છે. એનો વિરોધ થાય તો પણ એ ખમી ખાવો પડે. આપણે ત્યાં કાં તો એકાન્તે દોષ જોવાનો રિવાજ છે અથવા તો એકાન્તે ગુણ જોવાનો રિવાજ છે. વિવેકપૂર્ણ અભિગમ આપણામાંના ઘણાંને ફાવતો નથી. વિચારશીલ સંતો અહીં ઠેબાં ખાય છે અને અનાચારી આડંબરી બાબાઓ પૂજા પામે છે. એક સમયના વિચારશીલ ભારતીયો આજે ભટકી ગયા છે.

   ભગવાન મહાવીર કહી ગયા છે કે જેની વાત યુક્તિપૂર્વકની હોય તે ગ્રહણ કરવી. મહાત્મા બુદ્ધે પણ આ જ વાત કરી છે અને વિશ્વના ચિંતકોએ પણ આમ જ કહ્યું છે.

   તમારા બ્લોગની મુલાકાત જરૂર લઈશ.

   શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર (Muni Mitranandsagar)

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google photo

  You are commenting using your Google account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: