ચિંતન : ત્યાગ : શ્રમણ ભગવાન મહાવીરની નજરે

Published 24 સપ્ટેમ્બર, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

ત્યાગ : શ્રમણ ભગવાન મહાવીરની નજરે

મુનિ મિત્રાનંદસાગર
• • •

वत्थ-गंधमलंकारं इत्थीओ सयणाणि य।
अच्छंदा जे न भुंजंति न से चाइ त्ति वुच्चइ॥

जे य कंते पिए भोए लद्धे विप्पिट्ठि कुव्वई।
साहीणे चयई भोए से हु चाइ त्ति वुच्चइ॥

— દશવૈકાલિક સૂત્ર અ. ૨, ગા. ૨-૩

‘ન મળી નારી એટલે થયા બ્રહ્મચારી’ પ્રકારનો સંન્યાસ એ શ્રામણ્ય નથી આ વાતનો પડઘો દશવૈકાલિકમાં દેખાય છે, ‘વસ્ત્રો, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રીઓ, સુખશય્યાઓ ન મળવાથી તે પદાર્થો ન ભોગવવાથી કંઈ ત્યાગી થઈ ગયા એમ કહેવાય નહીં, અથવા એ પદાર્થો ઉપલબ્ધ હોય તો પણ બિમારી કે એવાં અન્ય કારણોસર એ પદાર્થો ન ભોગવી શકાય એવી પરવશતા ઊભી થાય તેથી પણ કંઈ ત્યાગી થઈ ગયા એમ માની શકાય નહીં.’ તો પછી ત્યાગી કોને કહેવાય? ‘મનપસંદ અને પ્રિય એવા ભોગપદાર્થો હાથવગા હોવા છતાં અને તે પદાર્થો ભોગવવાની અનુકૂળતા હોવા છતાં તેનો ત્યાગ કરી દે તે ત્યાગી કહેવાય છે.’

અહીં એક પ્રશ્ન ઊભો થવાને અવકાશ રહે છે : કોઈ વ્યક્તિ પાસે ભોગનાં સાધનો પ્રાપ્ત કરવા જેવું આર્થિક સામર્થ્ય ન હોય અને તેને ગુરુગમથી અથવા અન્ય રીતે શુદ્ધ વૈરાગ્ય પ્રાપ્ત થાય અને તે મુનિ બને તો તે પણ ત્યાગી ન ગણાય ને? કારણ કે તેની પાસે ભોગનાં સાધનો હતાં જ નહીં, માટે દશવૈકાલિકના ઉપરોક્ત કથન અનુસાર તો તે ત્યાગીની ગણતરીમાં આવશે નહીં.

આનો ખૂબ સુંદર પ્રત્યુત્તર આપણા પૂર્વાચાર્યોએ એક કથાના માધ્યમથી આપ્યો છે, કથાનો સાર કંઈક આવો છે —

એક કઠિયારાએ સુધર્મા ગણધર પાસે દીક્ષા લીધી. લોકો આ મુનિને ચીડવવા લાગ્યા : ‘એ તો ખાવા નહોતું મળતું એટલે સાધુ થઈ ગયા.’ મુનિએ ગુરુદેવને કહ્યું કે આપણે અન્યત્ર ચાલ્યા જઈએ, કારણ કે અહીંના લોકો વિના કારણે નિંદા કરે છે. મહામંત્રી અભયકુમારના કાને આ વાત આવતાં તેમણે એક ઉપાય કર્યો, એમણે નગરના ચોકમાં રત્નોનો એક મોટો ઢગલો કરાવ્યો અને પછી ઘોષણા કરાવી કે અભયકુમારની શરત જે સ્વીકારશે તેને આ બધાં રત્નો આપી દેવામાં આવશે. શરત આવી હતી : ‘આ રત્નોની અપેક્ષા રાખનારે કાયમ માટે અગ્નિ, સચિત્ત પાણી અને સ્ત્રી એ ત્રણેનો ત્યાગ કરી દેવાનો.’ સ્વાભાવિક રીતે જ રત્નો લેવા કોઈ તૈયાર ન થયું, કારણ કે શરતમાં જણાવેલ વસ્તુઓ છોડી દેવાની હોય તો એકલાં રત્નોને શું કરવાનાં? અભયકુમારે પેલા કઠિયારા મુનિને કહ્યું કે ‘તમારામાં મારી શરત પૂરી થાય છે માટે તમે આ રત્નો લઈ લો’ ત્યારે નિઃસ્પૃહી મુનિએ પરિગ્રહની અસારતા દર્શાવીને તે લેવાની ના પાડી. અભયકુમારની આ રીતની સમજાવટથી ટીકાખોર લોકોને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો.

તાત્પર્ય એ છે કે પદાર્થોનો ત્યાગ કરતી વખતે તેની પાછળ કઈ દૃષ્ટિ છે તે પણ જોવું જોઈએ.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના એપ્રિલ, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત

5 comments on “ચિંતન : ત્યાગ : શ્રમણ ભગવાન મહાવીરની નજરે

 • આદરણીય મુનિજી,
  સાદર નમસ્કાર.
  very nice!
  આપનો અભ્યાસ ગહેરો લાગે છે.
  આપના બધા જ લેખો વાંચ્યા. એનાથી એવી છાપ પડી કે આપ ધર્મ, સંપ્રદાય, સમાજ, રાજકારણ, અધ્યાત્મ વગેરે અભ્યાસ માગી લેતા તમામ વિષયો ઉપર frankly લખી શકો છો. કોઈ પણ વિષય ઉપર પક્ષપાત વગર લખવું એ જેવી તેવી કે આસાન વાત નથી. લખાણો વાંચતાં એવી છાપ ઊભી થઈ કે આપ તટસ્થ અને સંપ્રદાયગત મર્યાદાઓથી સભાન મુનિ છો. આશ્ચર્ય તો એ છે કે આપ રમૂજી લખાણો પણ લખી શકો છો. સામાન્ય છાપ એવી છે કે ધાર્મિક અને તત્વચિંતક વ્યક્તિ હાસ્યવિરોધી હોય હું ધર્મથી હિન્દુ છું અને ઘણા સંન્યાસીઓને ઓળખું છું. જ્યારે જુઓ ત્યારે સોગીયું મોઢું હોય અને તોબરો ચડેલો હોય.
  આપે ગ્રેજ્યુએશન ક્યાં કરેલું? વાંધો ન હોય તો જણાવશો.

  • ધનવંતભાઈ,

   હું ગ્રેજ્યુએટ નથી! હું તો ‘ત્રણ ચોપડી પાસ’ છું (રીયલી!).

   દરેક સ્થળે મારો આ જવાબ સાંભળીને લોકો હસી પડે છે! પણ આ હકીકત છે. પહેલું ધોરણ એડનમાં કરેલું. પછી આદિપુરના મૈત્રી મહાવિદ્યાલયમાં નવેસરથી ત્રણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ લીધેલું. ચોથા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ લેવાયે નથી ગયો. રિઝલ્ટ આવે એ પહેલાં તો રસ્તો બદલાઈ ગયો.

   બસ, આ જ મારૂં ‘ગ્રેજ્યુએશન!’

 • વૈરાગ્યના મામલે ગેરસમજો દૂર કરનાર લેખ.
  દશવૈકાલિક સૂત્રની બાજુમાં અ. લખ્યો છે તેનાથી અધ્યાય એટલું તો સમજાય છે, પરંતુ ગા. એટલે શું તે ખબર ન પડી.

  • અર્ધમાગધી ભાષાના જૈન આગમિક ગ્રંથોમાં મુખ્યત્વે ‘અધ્યાય’ના બદલે ‘અધ્યયન’ (अज्झयण)નો પ્રયોગ થાય છે. એટલે અહીં ‘અ.’થી અધ્યયનનો સંદર્ભ છે અને ‘ગા.’ એ ગાથા છે. સંસ્કૃતમાં શ્લોક હોય છે, તેમ અર્ધમાગધીમાં ગાથા (गाहा) હોય છે. શ્લોકના બંધારણમાં અક્ષરોની સંખ્યા મહત્ત્વનું પરિબળ છે, જ્યારે ગાથાના બંધારણમાં માત્રાઓની પ્રધાનતા હોય છે.

   લખાણમાં રસ લેવા બદલ આભાર.

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google photo

  You are commenting using your Google account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: