હળવે હૈયે : ખુદાની તો ખુદા જાણે…

Published 4 એપ્રિલ, 2009 by Muni Mitranandsagar (મુનિ મિત્રાનંદસાગર)

 

ખુદાની તો ખુદા જાણે, પણ મને તો ખુશામત ગમે છે!

મુનિ મિત્રાનંદસાગર
• • •

 

લોકો મને જ્ઞાની કહે છે ત્‍યારે મારા મનને બહુ સારૂં લાગે છે, મારી અજ્ઞાનતા અનંત છે પણ એ તો મારી અંગત બાબત થઈ, હું લોકોને મારી અજ્ઞાનતાથી માહિતગાર થવા દેતો નથી. લોકો મને તપસ્‍વી કહે ત્‍યારે મારા મનને બહુ સારૂં લાગે છે, મારી રસલાલસા હું ક્‍યાંય પ્રગટ થવા દેતો નથી. લોકોનો ભ્રમ ચાલુ રહે તે માટે હું શક્‍ય એટલા પ્રયત્‍નો કરી લઉં છું.

સમતાને ને મારે કંઈ બહુ ગાઢ સંબંધ નથી, પરંતુ લોકો મને પરમ સમતાવાન માને છે તે મને બહુ જ પસંદ પડે છે. મારાં વ્‍યાખ્‍યાનો લોકો કેમ વખાણે છે તે તો હું હજી સમજી નથી શક્‍યો, પરંતુ મારી વાહ વાહની મજા તો કંઈક ઓર જ છે. એટલે જ તો હું દરેક વ્‍યાખ્‍યાનના અંતે નિતનવા લોકોને પૂછી જ લઉં છું : ‘કેવું લાગ્‍યું મારૂં વ્‍યાખ્‍યાન!’

હું પૂજામાં બેસીને બુલંદ કંઠે ગાઉં છું ત્‍યારે મહિલાઓ એકીટસે મારી સામે તાકી રહે છે. હું મનોમન પોરસાઉં છું : ‘સારૂં ગાવાનો ઇજારો કંઈ તમારો એકલાનો નથી!’ પૂજા પતી ગયા પછી એ બધી મને ઘેરી વળે છે ત્‍યારે તો હું ગોપીઓથી ઘેરાઈ ગયાની લાગણી અનુભવું છું અને મને ‘ફીલ ગુડ ફીલ ગુડ’ થઈ જાય છે!

આમ તો હું કંઈ સારો લેખક નથી. પરંતુ એ વાત તો મારી સિવાય કોઈ જાણતું નથી. હા, એક જણ જાણે છે : જે મારા નામે લેખ લખી આપે છે. મારી પાસે લક્ષ્મી છે અને એ કોને નથી ખરીદી શકતી? સરસ્‍વતીને ખરીદવી એ તો તેની માટે ડાબા હાથની ટચલી આંગળીનો ખેલ! હું લક્ષ્મીના બંડલો લેખક સામે ફેંકી દઉં છું. એ મારા નામે હોંશે હોંશે લેખ લખવા તૈયાર થઈ જાય છે!

‘તમે તો ભવિષ્‍યના ગચ્‍છાધિપતિ છો’ એમ કોઈ કહે ત્‍યારે હું મારૂં હસવું માંડ ખાળી શકું છું. પણ એની આ વાત સાંભળ્‍યા પછી મારૂં શેર લોહી ચડે છે એ નક્કી. હું મનોમન આસમાનમાં વિહરૂં છું.

ભૌતિક અનુકૂળતાઓની લાલસા છોડવાનો ઉપદેશ હું એ. સી.થી ઠંડા કરેલા રૂમમાં બેસીને આપું છું ત્‍યારે મારા કોઠે પૂરી ઠંડક હોય છે. આ બધું છતાં લોકો મને મહાવીરનો સાધુ માને છે. અને તે મને ખૂબ ગમે છે.

• બોધપાઠ

સાથે રહીને જુદાં રહેવા કરતાં જુદાં રહીને સાથે રહેવું વધારે સારૂં છે.

• ના હોય…!

અસ્તકીર્તિ : હું વાઘનો શિકાર કરવા જવાનું વિચારૂં છું.
શૈલુ : પણ એ તો તું ક્યારનોય કે’ કે’ કરે છે.
અસ્તકીર્તિ : હા પણ ઘરની બહાર બેઠેલું પેલું કૂતરૂં ખસે તો હું જઈ શકું ને!

8 comments on “હળવે હૈયે : ખુદાની તો ખુદા જાણે…

 • અસ્તકીર્તિ : હું વાઘનો શિકાર કરવા જવાનું વિચારૂં છું.
  શૈલુ : પણ એ તો તું ક્યારનોય કે’ કે’ કરે છે.
  અસ્તકીર્તિ : હા પણ ઘરની બહાર બેઠેલું પેલું કૂતરૂં ખસે તો હું જઈ શકું ને

  —————-
  વાહ .. આખા લેખનો નિચોડ આમાં જ હળવાશમાં આપી દીધો.

  એકે એક લીટીમાં છુપાયેલો વ્યંગ અદભુત છે.

 • સાદર નમસ્કાર !

  તમે તો પત્રકાર કે કટાર લેખકને પણ શરમાવો તેવું વ્યંગમાં લખી શકો છો, તમારી કલમમાં દમ છે !! તમે બેશક સારા કટાર લેખક બની શકો અને શબ્દો દ્વારા અમારી આંખોનાં પડળ ખોલીને જ્ઞાનનો પ્રકાશ અમારા મન અને આત્મામાં ફેલાવી શકો છો, તે માટે આપ અખબાર અને સામયિકમાં પણ લખો…

  મારા બ્લોગની મુલાકાત લેશો તમને જરૂરથી તે ગમશેઃ તાજા કલમ, ઝુંબેશ…જાગો યુવા જાગો !! ભાગ-૧ અને તમે આટલું તો કરી જ શકો…યુવા ઝુંબેશ…જાગો…યુવા..જાગો !! ભાગ-૨

  • પ્રવીણભાઈ,
   તમારી શુભકામનાઓ બદલ ઋણી છું.
   તમારૂં આમંત્રણ સર-આંખો પર ! મને તમારા બ્લોગની મુલાકાત લેવી જરૂર ગમશે. આવનારી થોડી જ ક્ષણોમાં હું ત્યાં હોઈશ.

 • સુંદર … મોટાભાગના ધર્માચાર્યો અને મોટા કહેવાતા માનવોની આ કથા છે. જો કે એવી પળોમાં આવું વિચારી શકવું એ જાગૃતિની નિશાની જરૂર છે. દંભ કરું છું એ ભાન રહે તો કદીક દંભમાંથી મુક્ત થવાની દિશામાં પગલાં ભરાય. નિખાલસતા એટલે જ માણસનું ઘરેણું છે.
  તમારી કલમમાં જડતામાં ઘેરાયેલાંઓને જગાડવાની સુંદર શક્તિ છે. આશા છે કે આપની કલમ નિયમિત રીતે ચાલતી રહે.
  વળી …સાથે રહીને જુદાં રહેવા કરતાં જુદાં રહીને સાથે રહેવું વધારે સારૂં છે… ખૂબ ગમ્યું. તન સાથે રહેતાં હોય પણ મન સાથે નથી હોતાં. સાંપ્રત પરિસ્થિતિમાં વિચારવાલાયક વાત.

 • પ્રતિસાદ આપો

  Fill in your details below or click an icon to log in:

  WordPress.com Logo

  You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

  Google photo

  You are commenting using your Google account. Log Out /  બદલો )

  Twitter picture

  You are commenting using your Twitter account. Log Out /  બદલો )

  Facebook photo

  You are commenting using your Facebook account. Log Out /  બદલો )

  Connecting to %s

  %d bloggers like this: