આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ

12 November, 2009

‘બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા’
આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ
■ મુનિ મિત્રાનંદસાગર
•••

રાજસ્થાન ખાતે આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજના માર્ગ અકસ્માતમાં થયેલા કાળધર્મથી જૈન આગમ ક્ષેત્ર અનાથ બન્યું છે. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી જૈન આગમક્ષેત્રને પડેલો આ સૌથી ગંભીર ફટકો છે. એમની ચિરવિદાયથી આજીવન આગમની સેવા અને સંશોધનને સમર્પિત વ્યક્તિની ખોટ, નજીકના તો નહીં, પણ દૂરના ભવિષ્યમાં પણ પૂરી શકાશે નહીં.

આવનારા સમયમાં આગમધર મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજનું નામ યાકિનીસૂનુ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ અને નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ જેવા સક્ષમ આગમધરોની હરોળમાં લખવામાં આવશે. જૈનદર્શન અને બૌદ્ધદર્શનના અધિકારી વિદ્વાન એવા મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ જેવી વિરાટ પ્રતિભાઓ સેંકડો વર્ષોમાં પણ પાકતી નથી.

આજના જૈન સંઘમાં ચારિત્રહીન અને અજ્ઞાની સાધુઓ આચાર્ય પદ લેવા દોડાદોડ કરે છે ત્યારે મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ જીવનભર એવાં પદોની ખટપટથી દૂર રહ્યા અને તેમ છતાં હજારો પદવીધારીઓ કરતાં તેમનું સ્થાન આગળ ને આગળ રહ્યું.

કોઈ પણ દર્શનનું તત્ત્વજ્ઞાન લો, મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજનું ખેડાણ એમાં ન હોય એવું ન બને. દ્વાદશાર નયચક્ર જેવા દુર્બોધ ગ્રંથના ખોવાયેલા પાઠોની સંભાવનાઓ કરીને તેમણે અદ્‌ભુત ઇતિહાસ રચ્યો હતો. કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગયેલા દ્વાદશાર નયચક્રના સંભવિત મૂળ પાઠો, કંઈક અંશે ટીકાગત પ્રતીકોના આધારે અને કંઈક અંશે પોતાની બુદ્ધિપ્રતિભાના આધારે શોધી કાઢીને મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે આ ગ્રંથનો લગભગ પુનરુદ્ધાર કરી આપ્યો હતો એમ કહી શકાય.

જૈન આગમોને તેનું મૂળ સ્વરૂપ પાછું અપાવનારા આગમ પ્રભાકર મહામના મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી આગમ સંશોધન ક્ષેત્રે જે શૂન્યાવકાશ ઊભો થયો હતો તે જૈન જૈનેતર તત્ત્વજ્ઞાનના સમર્થ અભ્યાસી એવા મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે પૂરો કર્યો હતો.

આગમ પ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજે આદરેલાં અધૂરા રહ્યાં હતાં તે કાર્યો મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે પૂર્ણ કરવાના પ્રયત્નો કર્યા હતા. ખાવાપીવાનું ભાન ભૂલી જઈને આગમોના સંશોધન માટે રાતદિવસ પરસેવો પાડનારા મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજ જે રીતે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે વધારે દુઃખદ છે.

મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજના કાળધર્મથી તો ખુદ સરસ્વતી દેવીના હોશકોશ પણ ઊડી ગયા હશે.


જીતો પાંચ લાખ રૂપિયા!

10 November, 2009

challenge

31 October, 2009

પ્રાસંગિક : નૂતન વર્ષે નવી આષી

19 October, 2009

નૂતન વર્ષે નવી આષી
■ મુનિ મિત્રાનંદસાગર
•••

નૂતન વરસ આવે એટલે માનવહૈયાં હિલોળે ચડે, ઘેર ઘેર પ્રસન્નતાના પમરાટ રેલાય, ઘરઘરમાં આનંદના ઉદધિ ઊછળે.

નવું વરસ એટલે નવું જીવન…

નવું વરસ એટલે નવાં સ્વપ્નો…

નવું વરસ એટલે નવી ઊર્મિ…

નવું વરસ એટલે નવા ઉમંગોને સાકાર કરવાની નવી ઘડી…

આવું નૂતન વરસ આવે ત્યારે સાલમુબારક થાય, અભિનંદનોની આપલે થાય, ‘નૂતન વર્ષાભિનંદન’નો ધોધ વહે, જૂની મૈત્રી તાજી થાય, મોં મીઠું થાય, બાળકોને વડીલોના આશીષ મળે, વડીલો ગુરુજનોના આશીષ મેળવે અને ગુરુજનો તો મંગલકામના વ્યક્ત કરે જ. આવી ઉમંગની પળે કવિજીવ પણ ઝાલ્યો રહે ખરો? એ પણ અભિનંદનોની હારમાળામાં પોતાનો સૂર પૂરાવે! આવા જ એક કવિરાજની મીઠી વાણી, મંગલ આશીષ આપણે ઝીલીએ.

આ કવિ એટલે ગઈ સદીની અજોડ પ્રતિભા, અદ્‌ભુત વ્યક્તિત્વના સ્વામી અને જનહિતના કામી એવા પૂજનીય આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ!

એમનું નામ પણ મંગલ…

એમના આશીષ પણ મંગલ…

સાધુચરિત કવિ તો સર્વનાં આનંદ, મંગલ, સુખ, અમન, ચેન, શાંતિ અને હિતની જ કામના કરે. એમના જ શબ્દોમાં :

       સદા આનંદની ચઢતી, સદા મંગલ સહુ હોજો;
       જગતમાં શાંતિ સહુ પામો, નૂતન વર્ષે નવી આષી…

કવિની ભાવના તો આકાશને આંબે છે. એ ઇચ્છે છે સંઘર્ષોની સમાપ્તિ, મૈત્રીની પ્રાપ્તિ, ઘરઘરમાં દયાનું શાસન, અહિંસાની પ્રતિષ્ઠા, અને વિશેષ તો જ્ઞાનનાં અજવાળાં હૈયેહૈયામાં પથરાય એવી પ્રાંજલ કામના…

એટલે જ તો એ ગાઈ ઊઠે છે :

       શમો ઝઘડા વધો મૈત્રી, દયાનું રાજ્ય વર્તાજો;
       વધોને જ્ઞાનની જ્યોતિ, નૂતન વર્ષે નવી આષી…

ગત વર્ષની આપત્તિઓનો અંત આવે, દુઃખો ટળી જાય અને એ રીતે માનવમાત્ર સુખી બનીને સરસ મજાનાં ધર્મકાર્યો કરે, સત્યના રાહે આગળ વધે એવી ‘અસતો મા સદ્ ગમય’ની મંજુલ ભાવનામાં કવિ જ્યારે ગરકાવ થઈ જાય છે ત્યારે એ બોલી ઊઠે છે :

       સુખી થાઓ કરો કાર્યો, ભલાં જે ધર્મનાં ઊંચાં;
       છવાજો સત્ય સર્વત્ર, નૂતન વર્ષે નવી આષી…

કવિ નથી ઇચ્છતા કે તમે માત્ર સંસારના વૈભવમાં આળોટો! એ તો બહુ દૂર નજર દોડાવીને તમને શાશ્વતની ઉપલબ્ધિના આશીષ પાઠવે છે. ભૌતિક વૈભવ તો આજ છે ને કાલ નથી, પણ સદ્‌ગુણોનો ખજાનો અને આત્મવૈભવ તો શાશ્વત છે, સનાતન છે, ચિરંજીવ છે. એવા વૈભવના તમે સ્વામી બનો એવી મનોભાવનાથી જ એમના હૈયામાંથી શબ્દો સરી પડે છે :

       પ્રભુના ભક્ત સહુ થાજો, અનંતા સદ્‌ગુણો પ્રગટો;
       ટળો સૌ દોષ કર્મોના, નૂતન વર્ષે નવી આષી…

ગુમાવેલું કૌવત પાછું મળે, આત્મશક્તિનું સ્વામિત્વ મળે, પ્રભુસેવાની મગ્નતા મળે, માનવસેવાનાં અરમાન જાગે, આત્મવિજ્ઞાનનો સર્વતોમુખી વિકાસ થાય, માનવમાત્ર યશસ્વી બને એવી કામના આવા અવસરે કવિ ન કરે તો કેમ ચાલે! એટલે જ તો એ કહે છે :

       નૂતન શક્તિ નૂતન ભક્તિ, નૂતન સેવા નૂતન શોધો;
       ભલી કીર્તિ ભલી વિદ્યા, નૂતન વર્ષે નવી આષી…

કહેવાનું ઘણું છે, મંગલકામનાઓ ઘણી વ્યક્ત કરવી છે, પણ છેવટે તો થોડું કહ્યું ઝાઝું માની લેજો એમ કહીને કવિ વિરમે છે :

       સદા લક્ષ્મી વધો સારી, મળો ને મંગળો સઘળાં;
       બુદ્ધ્યબ્ધિ બહુ ચિરંજીવો, નૂતન વર્ષે નવી આષી…


આંખ આડા કાન : મુનિ : બહારથી ત્યાગી પણ અંદરથી અત્યાગી

3 October, 2009

મુનિ : બહારથી ત્યાગી પણ અંદરથી અત્યાગી
■ મુનિ મિત્રાનંદસાગર
•••

आतुरं लोगमायाए चइत्ता पुव्वसंजोगं…..जाणित्तु धम्मं अहा तहा अहेगे तमच्चाइ कुसीला…..

— આચારાંગસૂત્ર અ. ૬, સૂ. ૭.

જ્યારે કોઈ વ્યક્તિ ગૃહવાસનો ત્યાગ કરીને મુનિ બને છે ત્યારે તેના મનમાં કઈ ભાવના હોય છે? તે ત્યાગથી પ્રેરાઈને મુનિ બને છે એમ સામાન્ય રીતે આપણે સાંભળતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ. ત્યાગ શબ્દ જ્યારે જ્યારે આપણી સામે આવે છે ત્યારે ત્યારે સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે ઘર છોડી દેવું, ધનસંપત્તિ છોડી દેવી, પરિવાર છોડી દેવો, કુટુંબકબીલાની જંજાળો છોડી દેવી, પોતાનું ગામ, પોતાનો સમાજ, પોતાની માલિકીના પદાર્થો વગેરે બધું છોડી દેવું તે ત્યાગ છે. ટૂંકમાં સર્વસંગનો ત્યાગ.

ઘણીવાર સાંભળવા મળે છે કે ફલાણા ભાઈએ આટલા લાખ રૂપિયાનો ત્યાગ કરીને દીક્ષા લીધી. આપણે અહોભાવથી ઝુકી જઈએ છીએ : આટલી મોટી સંપત્તિનો મોહ કેવી રીતે છૂટી શક્યો હશે? જે માણસ પાંચ રૂપિયા પણ જતા નથી કરી શકતો તેની માટે લાખ્ખો રૂપિયાના ત્યાગની વાત એક આંચકા સમાન છે. ટૂંકમાં, સર્વ કાંઈ ત્યાગીને વ્યક્તિ મુનિ બને છે. પણ ખરી વાત હવે જ આવે છે. સર્વત્યાગના પંથે ગયેલા વ્યક્તિની જીવનચર્યાનાં લેખાંજોખાં કરવામાં આવે તો ખ્યાલ આવે કે તેના ત્યાગમાં વાસ્તવિક ત્યાગ કેટલો અને ત્યાગની ભ્રાન્તિ કેટલી? પોતાની માલિકીનું ધન છોડીને મુનિ બનેલ વ્યક્તિ કરોડો રૂપિયાનાં ટ્રસ્ટો બનાવીને સંસારમાં પોતાની પાસે હતું તેથી યે વધારે ધન ઉપર પોતાનો કાબૂ ધરાવે છે. તે મુનિની ઇચ્છા વગર ટ્રસ્ટમાંથી એક રૂપિયો પણ આઘોપાછો થઈ શકતો નથી. બ્રહ્મચર્યનું પાલન કરવાની બડાશ હાંકતો મુનિ સ્ત્રીઓનાં ટોળાંઓની વચ્ચે જ ઘેરાયેલો રહે છે. તે ધનશક્તિ દ્વારા સ્ત્રીઓને ખરીદે છે, ભોગવે છે અને પાછો પોતાને ‘બ્રહ્મચારી’ પણ કહેવડાવે છે. પોતાનાં પાપો ઢાંકવા માટે અને આબરૂ બચાવવા માટે તે નવેસરથી પૈસા ખરચે છે! રાગદ્વેષના ત્યાગની વાતો કરનાર તે મુનિના જીવનમાં કષાયોનો પાર જ નથી હોતો. તક મળ્યે તેના કષાયો ભડકી ઊઠે છે! ઘર વિનાનો એવો તે અણગાર પોતે બનાવેલા કહેવાતા ઉપાશ્રયને ‘આ મારૂં ઘર છે’ એમ કહે છે! આચારાંગસૂત્રમાં તો કહેવાતા ગુરુસાંનિધ્યમાં રહેતા એ મુનિની ઠેકડી ઊડાડી છે જે ગુરુસાંનિધ્યમાં રહીને પણ ચારિત્રના ચૂરેચૂરા કરે છે. આવા નકલી ત્યાગી માટે આચારાંગસૂત્રમાં ‘કુશીલ’ શબ્દ વાપરવામાં આવ્યો છે. આવા નકલી મુનિઓ લોકોની આંખોમાં ધૂળ નાખે છે કારણ કે લોકોની દૃષ્ટિએ તે ‘ગુરુકુલવાસી’ હોય છે પરંતુ અંદરથી ભોગી હોય છે! जाणित्तु धम्मं अहा तहा… આવો મુનિ આમતેમ કરીને થોડાંઘણાં શાસ્ત્રો ભણી લે છે, લોકોને પોતાના ‘જ્ઞાન’નો લાભ પણ આપે છે, પરંતુ પોતે તો જ્ઞાનના ફળથી વંચિત જ હોય છે. એક બહુ સુંદર સુભાષિત નાની વયમાં વાંચ્યું હતું : यथा खरश्चंदनभारवाही भारस्य भागी न तु चंदनस्य… જેમ ગધેડાની પીઠ ઉપર ચંદનકાષ્ઠ હોય પણ તે ગધેડાને ફાળે તો માત્ર તેનો ભાર જ આવે છે. ચંદનનો કોઈ લાભ ગધેડાને મળતો નથી. થોડુંઘણું ભણી ગયેલો પણ ધર્મના અંતરંગને ન સમજેલો તે મુનિ બહારથી ત્યાગી દેખાતો હોવા છતાં અંદરથી તો અત્યાગી જ હોય છે. કારણકે તેના મનમાં તો કામભોગો, અનુકૂળ પદાર્થો, ધનસંપત્તિ, બાહ્ય સુખનાં સાધનો વગેરે મેળવવાની કામના અને લાલસા પડેલી જ હોય છે. જ્ઞાનરૂપી ચંદનનો ભાર વહન કરતા તે મુનિને જ્ઞાનનો લાભ મળવાના બદલે તેના ફાળે તો માત્ર જાણકારીનો બોજ જ આવે છે. કહે છે કે રામના નામે પથરા તરી જાય છે. ભગવાન મહાવીર અને પોતાના મહાન ગુરુઓના નામે કેટલાયે પથરા ‘તરી’ ગયા છે! ભોળા માણસો તેમને ‘ધર્મગુરુ’ કહે છે!

ટ્રેજેડી એ છે કે ગધેડો બિચારો પોતાની પીઠ ઉપર શું છે તે જાણતો પણ નથી! અને તે ક્યારેય ચંદનનો લાભ લેવાનો દાવો કરતો પણ નથી. કોમેડી એ છે કે નકલી સાધુ પોતાને અસલી ત્યાગી કહેવડાવવામાંથી નવરો પડતો નથી—પોતે નકલી સાધુ છે તેમ જાણવા છતાં! અહીં ગધેડા અને ‘માણસ’ વચ્ચેનો ફરક સમજવા જેવો છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત


હળવે હૈયે : જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…

1 October, 2009

જ્યોં કી ત્યોં ધર દીન્હી ચદરિયા…
■ મુનિ મિત્રાનંદસાગર
•••

મીરાનું સમર્પણ મારામાં આવે તો મારો બેડો પાર થઈ ગયા વિના ન રહે. ગૌતમ ગણધરની ભક્તિ મારામાં આવે તો મારા આત્મકલ્યાણને કોઈ ન રોકી શકે. નાગકેતુનું તપ હું કરી શકું તો મારી નૈયાને મહાસાગર પણ ડુબાડી શકે નહીં. મૃગાવતી જેવી ક્ષમા મારામાં આવી જાય તો? તો મારૂં સ્થાન સંસારમાં તો ન જ હોય.

મારા હૈયે કોયલના ટહૂકાનો પાર ન મળે, પણ મારી બુદ્ધિના ટોડલે બેઠેલો કાગડો પોતાનું ‘કા કા’ બંધ કરે તો મને કોયલનો ટહુકાર સંભળાય ને! કોયલડી ટહૂકતી રહે છે અને કાગડો આરામથી ‘કા કા’ કરતો રહે છે. કોયલનાં ઈંડાંથી કાગડો કાયમ છેતરાતો આવ્યો છે પણ મારા જીવનબાગમાં તો કોયલ હારે છે અને કાગડો જીતે છે.

માખીને પણ ન ભાવે તે ધન્ના અણગારને ભાવે. હું તો વહોરવા જાઉં ત્યારે મારી જીભને પહેલાં જ પૂછી લઉં : ‘તને શું ફાવશે.’ ધન્ના અણગાર કોરો ભાત ખુશીથી વહોરી લાવે અને મજાથી વાપરે. હું કંઈ ધન્નો નથી. મારી ખીચડીમાં પચાસ ગ્રામથી ઓછું ઘી ન હોય! અને ઘીમાં પણ પાછી જામ ખંભાળિયા જેવી તો મજા જ ક્યાં છે! ભલે હું સાધુ થયો પણ મારી અંદર બેઠેલો ‘ગુજરાતી’ કંઈ મરી પરવાર્યો નથી, તેથી ગોળ વિનાની દાળ અને તેલ વિનાનું શાક જોઈને મારા નાકનું ટેરવું ચડી જાય છે. મારો ‘મારવાડી’ શિષ્ય તો વળી ગોળવાળી દાળ અને તેલવાળું શાક જોવામાત્રથી ભડકે છે! એને ગુજરાતમાં આવ્યા પછી પહેલી વાર ખબર પડી કે અહીં તો આવું ખાવાનું હોય છે! ‘ભગવાન મહાવીરના સાધુ છીએ’ એવો મારો અને મારા શિષ્યનો વહેમ બરકરાર છે!

ઉપાશ્રયમાં હવા ન આવતી હોય તો એવો ઉપાશ્રય બનાવનારની હવા હું કાઢી નાખું! આવો તે કંઈ ઉપાશ્રય હોય? ન હવા, ન ઉજાસ! કેવા ટ્રસ્ટીઓ છે સાવ. કબૂતરખાના જેવો ઉપાશ્રય તાણી બાંધ્યો છે!

પ્રમાદ ન કરવો જોઈએ એમ મેં વ્યાખ્યાનોમાં હજારો વાર લોકોને સમજાવ્યું છે પણ પ્રમાદ મારો અંગત મિત્ર છે. અંગત મિત્રને કદી દગો દેવાય ખરો? મારે એની સાથે સારી લેણાદેણી છે. હું ઇચ્છું ત્યારે એ મને ‘આરામ’ કરવામાં મદદ કરે છે. મારા શરીરને કોઈ ઘસારો ન પહોંચે એ માટે એ મને પૂરતી મદદ કરી છૂટે છે. મારે હાથપગ ઓછામાં ઓછા હલાવવા પડે એ માટે એ પૂરતી તકેદારી રાખે છે.

સાધુ તો ચલતા ભલા. વાત ખરી, પણ એ તો સાધુની વાત થઈ. મને તો એક જ જગ્યાએ રહેવું વધારે ફાવે. મારી પોતાની માટે બનાવેલા ‘ઉપાશ્રય’ને હું સરસ મજાનું નામ આપવાની ફિરાકમાં છું : એ આરાધનાભવન પણ હોઈ શકે, સાધનાસદન પણ હોઈ શકે, જ્ઞાનમંદિર પણ હોઈ શકે. આરાધનાભવનમાં આરાધના જ કરવી ને સાધનાસદનમાં સાધના જ કરવી એવું કોણે કહ્યું! જ્ઞાનમંદિરમાં તો ચોપડાઓનો ખડકલો (સોરી, મૂલ્યવાન પુસ્તકોનો સંગ્રહ) કરી દેવાનો એટલે નામ સાર્થક થઈ જાય. બાકી જ્ઞાન અને હું? રામ રામ કરો, રામ રામ! હું જ્ઞાનમંદિરમાં રહીને જ્ઞાનની જ વાતો કરીશ એવું કહી શકું નહીં. ત્યાં હું રાજકથા, કામકથા, ભોજનકથા, નિંદા, કુથલી, પ્રપંચ; બધું જ કરી શકું. મારા જ્ઞાનમંદિરમાં જે પુસ્તકો હશે તે કંઈ ખપી આત્માને વાંચવા માટે ઓછાં જ હશે? એ પુસ્તકો તો જોઈને રાજી થવા માટે હશે. મારી પાસે કેવાં કીમતી પુસ્તકો છે એ વિચારે જ દિલ બાગ બાગ થઈ જાય છે.

કોઈ સાધુ આધુનિક ચીજો વાપરે ત્યારે મને કોણ જાણે કેમ, તેમાં ભારોભાર શિથિલાચાર દેખાઈ આવે છે. હું એ જ આધુનિક ચીજો (એ પણ ઇમ્પોર્ટેડ, હઁ કે) વાપરૂં ત્યારે એમાં શાસનનું કયું હિત સચવાયેલું છે તે શાસ્ત્રોમાંથી તરત શોધી કાઢું છું. કયા સમયે શાસ્ત્રના શબ્દોને કેવા વળાંકો આપવા એમાં તો મેં કેવો કપરો પરિશ્રમ કર્યો છે એની બધાંને ક્યાંથી ખબર હોય! એમાં તો મારી ‘માસ્ટરી’ છે.

બીજાની નિશ્રામાં રહેતા સાધુના રાઈ જેવડા દોષોને હું પર્વત જેવડા કરી શકું છું. મારી નિશ્રામાં રહેતા સાધુના પર્વત જેવડા દોષોને હું રાઈથી યે નાના કરી શકું છું. મારા શાસ્ત્ર અભ્યાસનું દૂરબીન મને આમાં બધી રીતે મદદ કરી છૂટે છે. કલ્લાકના બબ્બે હજાર રૂપિયા રોકડા આપીને બિહારના નામાંકિત પંડિતો પાસે ભણ્યો છું! આ ભણતર આવા સમયે કામ ન આવે તો ક્યારે કામ આવે!

કોઈ ખરેખરો અનાચારી સાધુ જો મારી ઉપર સદ્‌ભાવ રાખતો હોય તો તેના અનાચારને હું અનાચાર નથી ગણતો. પણ જો કોઈ ખરેખરો સારો સાધુ મારા પ્રત્યે સદ્‌ભાવ નથી ધરાવતો એવો માત્ર વહેમ પડે તો ય હું તેને અનાચારીમાં ખપાવી દઈને દરવાજો દેખાડી શકું છું અને આવા સાધુની સમાજમાં બરોબર હેરાનગતિ થાય તે માટે હું મારાથી બનતું બધું કરી છૂટું છું. ‘मामकाः’ અને ‘पांडवाः’નો ભેદ સમજવામાં તો હું પહેલેથી માહેર છું!

મને મીરાનાં સપનાં આવે, મને ગૌતમ ગણધરનાં સપનાં આવે, મને મૃગાવતી, ધન્ના અને નાગકેતુનાં સપનાં આવે, પણ સપનાની સુખલડીથી કોઈની ભૂખ ભાંગ્યાનો દાખલો હજી સુધી તો નોંધાયો નથી!

રાધા બનવું એ મારી ઝંખના છે, મંથરા બનવું એ મારી મજબૂરી છે. મીરા મારો આદર્શ છે, લક્ષ્મણા મારી વાસ્તવિકતા છે. શાલિભદ્ર થવું મને ગમે, પણ દાન દીધા વગર થવાતું હોય તો જ! સિદ્ધિપદ મારી નિયતિ છે પણ સંસાર મારો વર્તમાન છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના સપ્ટેમ્બર, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત


આગમનો આસ્વાદ : મધનો ઘડો અને ઝેરનો ઘડો

30 September, 2009

મધનો ઘડો અને ઝેરનો ઘડો
■ મુનિ મિત્રાનંદસાગર
•••

શ્રમણ ભગવાન મહાવીરે જગતની વિવિધતાઓ અને વિચિત્રતાઓ ઉપર ખૂબ જ વિશદ પ્રકાશ પાડ્યો છે. સ્થાનાંગસૂત્રમાં તેમણે જગતના જીવોનું જે સ્વરૂપદર્શન કરાવ્યું છે તે જ્ઞાનદાયક તો છે જ, ઉપરાંત આનંદદાયક પણ છે.

મધ અને ઝેરના ઘડાની ઉપમા દ્વારા ભગવાને માણસના અંતઃકરણનું દર્શન કરાવ્યું છે તે જોવા જેવું છે.

૧. એક ઘડો એવો હોય જેમાં મધ ભરેલું હોય. આનું ઢાંકણ પણ મધુર હોય.

૨. એક ઘડો એવો હોય જેમાં મધ તો ભરેલું હોય પણ તેનું ઢાંકણ ઝેરી હોય.

૩. એક ઘડો એવો હોય જેમાં આમ તો ઝેર ભરેલું હોય પણ તેનું ઢાંકણ મધુર હોય.

૪. એક ઘડો એવો હોય જેમાં ઝેર તો ભરેલું હોય જ પરંતુ તેનું ઢાંકણ પણ ઝેરી હોય.

આમ કહીને ભગવાને લોકોના પ્રકારો પાડ્યા. તેમણે કહ્યું કે ચાર પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો એવા હોય જેના હૈયે પાપ કે ક્લેશ ન હોય અને તેમની જીભે પણ પાપ કે ક્લેશ ન હોય. મતલબ કે તેઓ હૈયે પણ મધુર, નિષ્પાપ, ક્લેશ વગરના હોય અને બોલચાલમાં ય મધુર, નિષ્પાપ, ક્લેશ વગરના હોય. આ પહેલા પ્રકારના ઘડા જેવા માણસો થયા. બહુ જ ઊંચાઈ ઉપર પહોંચેલા અત્યંત ખાનદાન માણસો આ વર્ગમાં આવે.

કેટલાક લોકોના હૈયે તો પાપ કે ક્લેશ ન હોય પણ બોલવામાં તેઓ બહુ આકરા હોય. આ બીજા પ્રકારના ઘડા જેવા લોકો થયા. પેટમાં પાપ નહીં, પણ ભડભડીયા લોકો આ વર્ગમાં આવે! મનના ચોખ્ખા, પણ તડને ફડ કરી નાખે!

કેટલાક લોકો એવા હોય જેઓ બોલચાલમાં તો મીઠા મધ જેવા હોય, પરંતુ તેમના મનમાં છલોછલ પાપ ભરેલું હોય. આવા લોકો મધુર ઢાંકણવાળા ઝેર ભરેલા ઘડા જેવા હોય. મુખમેં રામ બગલમેં છુરી જેવા માણસો! આમનું પનારૂં પડે એને દેખીતા દુશ્મનોની કોઈ જ જરૂર નહીં! પીઠ પાછળ ક્યારે ઘા કરી નાખે તે ખ્યાલમાંય ન આવે! દેખીતા દુશ્મનથી તો માણસ સાવધાન પણ રહી શકે. આ તો મિત્ર બનીને શત્રુધર્મ અદા કરે!

હવે સૌથી છેલ્લા પ્રકારના લોકો. આ લોકો અંદરથીયે પાપી હોય અને બોલવામાંય કડવાઝેર હોય! આ વર્ગના લોકો ચોથા ઘડા જેવા ગણાય. બધી વાતે પૂરા!

ભગવાન મહાવીરનાં વચનો એટલે માત્ર કોરૂં અને શુષ્ક તત્ત્વજ્ઞાન કે કેવળ કઠોર આચાર વિચારનું નિરૂપણ એવું નહીં, એમાં તો ધબકતા હૈયાની અનુભવવાણીનો પ્રકાશ પણ એટલો જ મળે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના મે, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત


હળવે હૈયે : નવતર ભાષાપ્રેમ

29 September, 2009

નવતર ભાષાપ્રેમ
■ મુનિ મિત્રાનંદસાગર
•••

કોઈ ‘ગુજરાતી ભાષાનો પ્રેમી’ ગુજરાતી બ્લોગર,
બીજા ગુજરાતી બ્લોગરના ગુજરાતી બ્લોગ ઉપર,
અંગ્રેજીમાં કોમેન્ટ લખે ત્યારે,
તે શું પૂરવાર કરવા માગે છે,
તે,
આપણે પામર મનુષ્યો,
સમજી શકતા નથી…

… જો કે હું એટલું તો સમજી શકું છું કે ગાંધીજીએ બ.ક.ઠા.ને પૂછ્યું હતું એવું આપણે ‘ગુજરાતી ભાષા પ્રેમી’ બ્લોગરને પૂછી શકતા નથી. (બીક લાગે ને, ભાઈ !)


આંખ આડા કાન : શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ અટકાવી ન શકાય?

27 September, 2009

 

શું અયોગ્ય પદવીઓ અને કુપાત્ર દીક્ષાઓ
અટકાવી ન શકાય?

મુનિ મિત્રાનંદસાગર
• • •

નોંધ : મૂળ લખાણનો સંક્ષેપ અને ક્વચિત્ શાબ્દિક ફેરફાર.

જૈનધર્મ અત્યારે કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે હમણાં જ શ્રમણ ભગવાન મહાવીરનું ૨૬૦૦મું જન્મકલ્યાણક ઊજવ્યું. ૨૬૦૦ વરસના ઇતિહાસમાં દુનિયામાં આમૂલચૂલ પરિવર્તનો આવ્યાં છે. દુનિયા ખૂબ સાંકડી થઈ ગઈ છે. પરિવર્તનો, આપણને ગમે કે ન ગમે, થયાં જ કરતાં હોય છે. એમાંનાં કેટલાંક ઇચ્છનીય પણ હોય છે, કેટલાંક અનિચ્છનીય પણ હોય છે. કયાં પરિવર્તનો ઇચ્છનીય છે અને કયાં નહીં, તેની ચર્ચામાં આપણે નહીં પડીએ. આપણે જે વિચારવું છે તે મુદ્દો અલગ છે.

આજે જૈનધર્મને ખૂબ બધો લૂણો લાગ્યો છે. મોટામાં મોટું પરિવર્તન તો એ આવ્યું છે કે જૈનધર્મના મુખ્ય આધાર સમા સાધુ-સાધ્વીજી ભગવંતોની સંખ્યા વધી છે પણ ગુણવત્તા ઘટી છે. અભ્યાસના ક્ષેત્રે સાધુઓનું પોત ઝાંખું પડે છે. વાદવિવાદોનો યુગ હવે રહ્યો નથી એ આજની શ્રમણપેઢી માટે છૂપો આશીર્વાદ છે. બાકી અત્યારે જે જાતનો કાચો અભ્યાસ કરીને બની ગયેલા આચાર્યો છે તે સ્થિતિમાં જો શાસ્ત્રાધારે વાદવિવાદ કરવાનો થાય તો પરિણામો ચોંકાવનારાં આવે એમ નિખાલસતાથી કબૂલ કરવું જ પડે.

યોગ્ય અભ્યાસ વિના જ આચાર્ય બની ગયેલા અને ટૂંક સમયમાં આચાર્ય બનનારા એવા જ સાધુઓને ઓચિંતાં જ પાંચ મહાવ્રતની પચ્ચીસ ભાવનાનાં નામો પૂછવામાં આવે તો સોએ પંચાણુને તત્કાલ ‘સ્થંડિલ’ જવું પડે! કંપાઉન્ડર કદાચ ડૉક્ટરનો લેબાસ પહેરી લે તો દર્દીને નુકસાન થાય પણ ખરૂં અને ન પણ થાય. પરંતુ અભ્યાસહીન આ પ્રકારના ‘વિદ્વાન’ સાધુ જો આચાર્ય બની જાય તો જૈનધર્મના વિનાશ માટે આપણે પશ્ચિમી સંસ્કૃતિના મોહતાજ નહીં રહેવું પડે!

સાધુસંસ્થામાં અભ્યાસના ક્ષેત્રની જેમ આચરણના ક્ષેત્રે પણ ઘણાં મોટાં ગાબડાં દેખાય છે.

હમણાં એક સુપ્રસિદ્ધ જૈનાચાર્યે જૈન સાધુઓની ટીકા કરનારા લોકોને હંટરથી ફટકારવાનું એલાન કર્યું! એમણે એક અક્ષર પણ એવો ન કહ્યો કે જૈન સાધુઓએ પણ પોતાની ટીકા ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. વિના કારણે ટીકા કરવાનો કોઈને શોખ નથી હોતો. ટીકા, જો વાજબી હોય તો ખુલ્લા દિલે આવકારવાની વૃત્તિ કેળવવી પડશે. ‘સાધુઓનું આચરણ જ એવું હોવું જોઈએ કે કોઈને ટીકા કરવાનું મન ન થાય’ એવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું હોત તો એમની ગરિમા વધી હોત. શું એમના પોતાના શિષ્યોએ ક્યારેય અન્ય મુનિવરોની ગેરવાજબી નિંદા નથી કરી એમ તેઓ છાતી ઉપર હાથ મૂકીને કહી શકશે ખરા? તો પછી તો પેલા હંટરથી ફટકારવાના એલાનનું શું? આવું એલાન એ પગ નીચે આવતા રેલાને અટકાવવાની અગમચેતી તો નથી ને!

આપણે સમજવું પડશે કે અવર્ણવાદ અને ટીકા બન્ને અલગ બાબતો છે. સર્વસામાન્ય અર્થમાં સાધુઓની નિંદા એ અવર્ણવાદ હોઈ શકે. પરંતુ કોઈ ચોક્કસ કારણસર કરાતી ટીકા પણ હંટરથી મારવાની શિક્ષાને પાત્ર ગુનો બને? જે ઉઘાડેછોગ ખોટું હોય તે પણ જોયે જ રાખવાનું? બોલવાનું જ નહીં?

એક દાખલો જોઈએ : (પાઘડી બંધબેસતી આવતી હોય તો યોગાનુયોગ ગણી લેવો.) એક શિષ્ય કે જે અનાચારની હદ વટાવી ગયો હોય, દિવસે ઉપવાસ અને રાતના ખાણીપીણીના ગોરખધંધા કરતો હોય, વરસીતપના નામે લોકોને છેતરતો હોય, સ્ત્રીઓને પટાવવામાંથી નવરો ન પડતો હોય; આવા શિષ્યનાં કુકર્મોની જાણ તેના ગુરુને કરવામાં આવે ત્યારે તેના ગુરુએ શું કરવું જોઈએ?

    ૧. તેને છેદ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ?

    ૨. તેને ઠપકો આપીને એક ગામથી બીજે ગામ મોકલી દેવો જોઈએ?

    ૩. તે, એવા જ દુરાચારી, બનાવટી સાધુ સાથે રહેતો હોય તેનાથી છૂટો પાડી દઈને તેને બીજા સાધુ સાથે મોકલી દેવો જોઈએ?

    ૪. બહાર આવેલી ઘટનાઓને પૈસાથી દબાવી દે એમ પોતાના શિષ્યને કહેવું જોઈએ?

    ૫. ‘મારા શિષ્યો આવું કરે જ નહીં’ એમ કહીને વાતનો વીંટો વાળી દેવો જોઈએ?

    ૬. શિષ્યના ‘કુકર્મની જાણ કરનાર’ને હંટરથી ફટકારવો જોઈએ?

કહેવાનો મુદ્દો એટલો જ છે કે સાધુઓ ખૂબ અભ્યાસી બને અને વર્તમાન પરિસ્થિતિમાં જેટલો શક્ય હોય એટલો ઉત્તમ આચાર પાળે એ સમયની જરૂરિયાત છે. કુપાત્ર સાધુઓનાં કુકર્મોને ગંભીર અપરાધ માનવો જોઈએ.

ખરેખર તો આડેધડ થતી દીક્ષાઓ ઉપર અને આડેધડ થતી પદવીઓ ઉપર લગામ તાણવાની જરૂરત છે. નવકાર મંત્રના અડસઠ અક્ષરો પણ ભૂલચૂક વગર લખી ન શકે એવા આચાર્યોની જૈન શાસનને કોઈ જરૂર નથી. જેના દુષ્ટ આચરણનો બચાવ કરવા ધનશક્તિને વચ્ચે લાવવી પડે એવા સાધુઓની પણ જૈન શાસનને કોઈ જરૂર નથી. આવા બનાવટી સાધુઓને હાંકી કાઢવાથી જૈનશાસન રસાતળ નહીં જાય!

જૈનધર્મમાં આચાર્યોની અને સાધુઓની સંખ્યા કેટલી છે તેનું કોઈ મહત્ત્વ નથી (હોવું પણ ન જોઈએ). સારા, જ્ઞાની, બહુશ્રુત અને પ્રભાવક આચાર્યો અને ઉત્તમ સાધુઓ કેટલા છે એનું મહત્ત્વ છે.

કોને પદવી આપવી, કોને ન આપવી, કોને દીક્ષા આપવી, કોને ન આપવી વગેરે જિનશાસનના હાર્દને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ પરત્વે ચોક્કસ પ્રકારના અને દરેક આચાર્યાદિ મુનિઓને બાધ્ય બને એવા નિયમો અને માર્ગરેખાઓ ઘડી કાઢવા માટે કોઈ ચોક્કસ સમુદાય પ્રત્યે અણગમો કે પૂર્વાગ્રહ રાખ્યા વગર સાચા અર્થમાં અખિલ ભારતીય કક્ષાનું સમગ્ર જૈન મુનિઓનું મહાસમ્મેલન બોલાવવાની ખાસ જરૂર છે.

આવા ગંભીર મુદ્દાઓને પણ જે તે સમુદાય કે વ્યક્તિનો પ્રશ્ન ગણીને તેની ઉપર વિચાર કરવાના બદલે આંખ આડા કાન કરશું તો ભવિષ્યની પેઢીની દુર્દશાની જવાબદારી આજની પેઢીની જ ગણાશે એ ચોક્કસ છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના જૂન, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત


હળવે હૈયે : ….ત્યારે ખૂબ આશ્ચર્ય થાય છે

25 September, 2009

 

….ત્યારે ખૂબ આશ્ચર્ય થાય છે

મુનિ મિત્રાનંદસાગર
• • •

ગુરુની સેવા કરો એવો ઉપદેશ આપનારા મુનિઓને ગુરુઓની જ અવહેલના કરતા જોઉં છું ત્યારે ખૂબ આશ્ચર્ય થાય છે. પાટ ઉપરથી ગુરુનું બહુમાન કરવાનું શીખવતા મુનિવરોને ગુરુનું ભારોભાર અપમાન કરતા જોઉં છું ત્યારે ખૂબ આશ્ચર્ય થાય છે. મને એ નથી સમજાતું કે થોડી વાર પહેલાં તેઓ જે ઉપદેશ આપતા હતા તે કઈ હવામાં ઓગળી ગયો! સ્વાધ્યાય એ જ મુનિનું સાચું જીવન છે એવું કહેનારા મુનિઓ વર્તમાનપત્રોમાંથી મોઢું જ બહાર ન કાઢે ત્યારે તો ભારે નવાઈ લાગે છે કે તેઓ આમ કેમ કરતા હશે? પોતાના આશ્રિત શિષ્યને એક અક્ષરનું ય જ્ઞાન ન આપનારા ગુરુઓ સાધ્વીજીઓને ભણાવવા માટે શા માટે ખૂબ ઉત્સુક હોય છે તે તો મને ક્યારેય સમજાયું નથી. મને એ નથી સમજાતું કે જે મુનિની આંખમાં ગરીબ તવંગર બધા સમાન હોય તે ધનવાનને જોઈને લટૂડાંપટૂડાં કેમ કરવા લાગે છે? ક્રિયાઓ તો ભાવોલ્લાસ પૂર્વક તન્મયતાથી કરવી જોઈએ એવું સમજાવનારા મુનિવરો પાંચ સાત મિનિટમાં જ પ્રતિક્રમણ ‘પૂરૂં કરી નાખે છે’ ત્યારે ખૂબ નવાઈ લાગે છે. યુવાનોને સુધારી નાખવાની ધગશ રાખનારા મુનિવરો પોતાના જ શિષ્યોને નિયંત્રણમાં રાખી શકતા નથી એ જોઈને નવાઈ લાગ્યા વગર રહે ખરી? ઉજેહીની ચિંતા કરનારા મુનિવરો સવારના પહોરમાં ચાર વાગ્યામાં વિહાર ચાલુ કરે છે ત્યારે મનમાં થાય છે કે આમ કેમ? શાસનનો વિકાસ અને તેની પ્રગતિ થાય એવી જવાબદારી જેમના શિરે છે એવા આચાર્યાદિ મુનિવરોને પોતાના સમુદાયના વિકાસની ચિંતામાં રાચતા જોઉં છું ત્યારે પારાવાર નવાઈ લાગે છે. ઘણીવાર તો પોતાના સમુદાયમાં પણ માત્ર પોતાના ગ્રૂપનો જ વિકાસ થાય એવી પેરવી કરતા પણ અનેક મહાત્માઓ દેખાય છે ત્યારે આશ્ચર્યનો ગુણાકાર થાય છે. જેમની નજરમાં બધા શિષ્યો સમાન હોય એવા ગુરુઓને કોઈ ચોક્કસ શિષ્ય પ્રત્યે અકારણ લગાવ ધરાવતા જોઉં છું ત્યારે એમ થાય છે કે તેઓ આમ કેમ કરે છે? અપ્રિય શિષ્યને કઠોર પ્રાયશ્ચિત્ત અને પ્રિય શિષ્યને હળવું પ્રાયશ્ચિત્ત પણ નહીં, એમ કેમ? વહાલા દવલાની નીતિ આચરતા ગુરુજનોને જોઈને તો નવાઈનો પાર જ રહેતો નથી!

મારૂં શાસન એવી ભાવનાને બદલે મારો ગચ્છ, મારો સમુદાય, મારૂં ગ્રૂપ એવી વાતો સાંભળું છું ત્યારે એમ લાગે છે કે અહીં હું ક્યાં આવી ગયો? શ્રાવકોના મુખે પણ ‘કોના સમુદાયના છો’ એવું સાંભળું છું ત્યારે આંચકો લાગે છે. આ ભગવાન મહાવીરનાં કપડાં એને નહીં દેખાતાં હોય? એકતાની ખૂબ વાતો કરતા વર્ગને સાથે બેસીને ગોચરી વાપરતાં પણ વાંધો આવે છે તો એ લોકો એકતાનો આડંબર શા માટે કરતા હશે એવું તો ઘણી વાર થઈ આવે છે. એક જ સામાચારીવાળા પણ ભિન્ન સમુદાયના સુપાત્ર અને વંદનીય સાધુ પણ અવંદનીય બની જાય અને સ્વસમુદાયના હોય એટલા માત્રથી કુપાત્ર અને અવંદનીય એવો પણ સાધુ વંદનને પાત્ર ગણાય એના જેવી નવાઈ તો ક્યાંય જોવા મળી નથી. અન્યના રાઈ જેવડા દોષોને પર્વત જેવા કરી દેખાડનાર અને સ્વના પર્વત જેવડા દોષો સામે નજર પણ ન કરનાર એવા મુનિને જોઈને એમ થાય છે કે અરેરે આનું શું થશે? અમારો સમુદાય એટલે સુવિહિત અને બાકી બધા કુવિહિત એવી વિચારધારામાં રચ્યા પચ્યા રહેતાં ટોળાંઓને જોઈને કરુણા થઈ આવે છે, આ લોકો ડૂબી ન જાય તો સારૂં. અન્યથા જૈનશાસન પામ્યા છતાં ડૂબી ગયાનું ઓર એક આશ્ચર્ય ઊભું થશે!

ભણવાની વય, કહેવાતી શાસનપ્રભાવના અંગેના વિહારોમાં જ પૂરી થાય, સ્વાધ્યાયનો સમય વાતોમાં પૂરો થાય, આરાધનાનો અવસર સૂવામાં પૂરો થાય, અનુપ્રેક્ષા, ધ્યાન, ચિંતનનો સમય વિવિધ મહોત્સવોમાં પૂરો થાય તો પછી સાધુજીવનનાં રહસ્યો ક્યારે સમજવા મળે? જે હેતુસર ઘર છોડ્યું, કુટુંબીઓ છોડ્યા, એ જ હેતુ મરી પરવારતો દેખાય છે ત્યારે આશ્ચર્યોનાં પૂર ઊમટે છે.

— ‘જય જિનેન્દ્ર’ માસિકના એપ્રિલ, ૨૦૦૨ના અંકમાં પ્રકાશિત